એક બાજુ સોના-ચાંદી બજારમાં ધૂમ તેજી છે અને સોનુ 10 ગ્રામ દીઠ રૂ. 89,000ની સપાટીને અડી ગયું છે. ત્યારે બીજી બાજુ, ભારતીય શેરબજાર ગબડી રહ્યું છે અને રોજે રોજ નવા તળિયા બનાવી રહ્યું છે. ભારતીય અર્થતંત્ર મજબૂત છે છતાં વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે. તેના કારણે બજારોમાં મંદી ચાલી રહી છે. વૈશ્વિક અર્થતંત્રોમાં અનિશ્ચિતતા છે અને અમેરિકામાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે પગલાં લઈ રહ્યા છે તેના કારણે વિશ્વના દેશોમાં આર્થિક અને રાજકીય પરિસ્થિતિ તંગ બનવાનો ડર છે. તેના કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ) શેરબજારોમાં વેચવાલી કરી રહ્યા છે અને સોના જેવી સલામત એસેટમાં રોકાણ વધારી રહ્યા છે. વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે જ સોનામાં તેજી આવી છે. 27 સપ્ટેમ્બર 2024ના રોજ એનએસઈનો નિફ્ટી-50 ઇન્ડેક્સે 26,277ની ઓલટાઇમ ટોચ બનાવી હતી તે પછી ઘટાડો શરૂ થયો છે અને વેચવાલી ચાલતી રહી છે. 21 ફેબ્રુઆરી 2025ના રોજ નિફટી ઇન્ડેક્સે 22, 720ની નીચી સપાટી બની છે. આમ નિફ્ટી લગભગ 3,500થી વધુ પોઇન્ટ એટલે કે 13.5 ટકા તૂટી ચૂક્યો છે. હજુ ક્યાં જઈને અટકશે તેની અટકળ કરવી મુશ્કેલ છે. વિદેશી રોકાણકારોની વેચવાલીના આંકડા પર નજર નાંખીએ.
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) દ્વારા જાહેર કરાયેલા ડેટા પર નજર કરીએ તો, 2025 ના પ્રથમ બે મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય બજારોમાંથી એક લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના ઇક્વિટી પાછા ખેંચી લીધા છે. આ વર્ષે અત્યાર સુધીમાં FPI દ્વારા કુલ ઉપાડ રૂ. 1,01737 કરોડ છે, જે દેશના શેરબજારમાં સૌથી મોટી મૂડી ઉડાન છે. 17 ફેબ્રુઆરીથી 21ફેબ્રુઆરી દરમિયાન, FPIsએ 2,437.04 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ પાછલા અઠવાડિયાની સરખામણીમાં વેચાણની તીવ્રતામાં ઘટાડો દર્શાવે છે. તે જ સમયે, ભારતી એરટેલના શેરમાં ભારે રોકાણને કારણે, વેચાણનું દબાણ ઓછું થયું છે, જેનાથી બજારને થોડી રાહત મળી છે. સૌથી વધુ વેચવાલી ફાઇનાન્સિયલ,
એફએમસીજી, કન્સ્ટ્રક્શન મટીરિયલ અને ઓઇલ એન્ડ ગેસમાં જોવા મળી છે. બજાર નિષ્ણાતો કહે છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ખર્ચા ઘટાડવાના અને અમેરિકાને મજબૂત કરવાના પગલાના કારણે ભારત જેવા ઉભરતા બજારોમાંથી અમેરિકન બજારો તરફ વિદેશી રોકાણકારો જઈ રહ્યા છે. રોકાણકારો ફરી એકવાર અમેરિકન બજારો તરફ નજર કરી રહ્યા છે. આમ છતાં ભારતીય અર્થતંત્ર લાંબા ગાળા માટે મજબૂત છે. એફપીઆઈ 2013થી ભારતીય બજારોમાં મેનીપ્યુલેશન કરીને બજારોને અસ્થિર કરતા હતા, પરંતુ 2014 થી તેઓ બજારમાં મોટી હેરફેર કરી શક્યા નથી, કેમકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને ભારતીય રીટેલ રોકાણકારોની સંખ્યાબળ પણ બજારને ટેકો આપી રહ્યું છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી.