રવિવાર, જાન્યુઆરી 19

સહેલાં કામ તો સૌ કરે. જ્યારે જ્યારે માણસને એની સગવડતા સાચવીને કશુંક કરવા મળે ત્યારે એને ભાગ્યે જ કંટાળો આવતો હોય છે. પ્રકૃતિ છે. શાંતિથી અને પરસેવો પાડયા વિના જે કામ કરી શકાય એમાં સામાન્યપણે પડકાર હોતો નથી. અર્થાત્, પોતાને જે ફાવી ગયું હોય, જેમાં નિપુણતા કેળવી જ લીધી હોય એ કામ સૌ કરી જાણે. એટલે જ કદાચ લાખો લોકો એકાદ નોકરી પકડયા પછી એને છોડવાનું નામ નથી લેતા અને નવો અખતરો કરવાનો વિચાર સુદ્ધાં નથી કરતા. એકનું એક કામ કર્યે જવામાં નબળાઈ નથી, પણ એકનું એક કામ કરતા જ રહીને પ્રયોગશીલ બનવાનો સ્વભાવ ત્યજી દેવો એ નબળાઈ છે. સહેલાં કામ એને કહેવાય કે જે માણસ માટે ડાબા હાથનો ખેલ થઈ ગયાં હોય. એવાં કામ કરતાં રહીને જે માણસ રોજ સવાર પડયે પોતાના માટે કોઈક ચેલેન્જ શોધી કાઢે, કંઈક એવું કરવાનું મન બનાવે જે એના માટે નવું વિશ્વ ઉઘાડી આપે, એના જીવનમાં સતત તાજગી છલકતી રહે. જે રીતે કલાકાર સતત નવા પાત્રની ખોજના ઘાંઘાં થતાં હોય છે એ રીતે આપણી જિંદગીમાં પણ નવી શક્યતાઓ માટેની ઉત્કંઠા છલકતી રહેવી જોઈએ. એક તરફ રોજિંદા કામ અને બીજી તરફ પ્રયોગશીલ નિર્ણય. બેઉનું બરાબર સંયોજન થાય તો ભાગ્યે જ એવું બને કે દિવસ ઠાલો ગયાની લાગણી થાય. વરસમાં એક-બે વખત હરવા ફરવા જઈને ફ્રેશ થવાની રીતને રોજની પ્રવૃત્તિમાં ઉમેરવી છે? તો પછી નક્કી કરો કે રોજ એકાદ નવા ક્ષેત્રના મુસાફર બનવું છે. જ્યાં સુધી આ નિયમને વળગી રહેશો ત્યાં સુધી ક્યારેય નિરસતાનો સામનો નહીં કરવો પડે.

Leave A Reply

ગુજરાતી
Exit mobile version