સોમવાર, જાન્યુઆરી 20

કોલ્ડપ્લેની ટિકિટ ચણા-મમરાની જેમ વેચાઈ પણ ટિકિટની કિંમત હતી રત્નાગિરિ હાફુસની. એ પછી કરંડિયામાંથી જે નીકળ્યુું એ હાફુસ નહીં પણ ફુસ હતું એવો ઘણાનો મત છે. ઇન્ટરનેટ પર લોકોએ જે નિરીક્ષણો અને મંતવ્યો મૂક્યાં છે એ ફલિત કરે છે કે આ વખતની કોલ્ડપ્લે ટૂર નાણે નાથાલાલ પણ ગુણવત્તાએ ઘણા સવાલ જેવી રહી છે 

mage Courtesy – Coldplay Instagram handle

તો, મુંબઈમાં કોલ્ડપ્લેનું આગમન થઈ ગયું. હજારો રૂપિયાની ટિકિટ લઈને અઢળક એમાં મહાલી આવ્યા અને બીજા અઢળક થનગનભૂષણો કતારમાં છે. મુંબઈમાં અને અમદાવાદમાં પણ. પહેલી ઇવેન્ટ પછી જોકે આ થનગનભૂષણોને ખિન્ન કરે એવી વાતો ઇન્ટરનેટ પર ધસમસવા માંડી છે. કારણ નામ ગમે તેટલું મોટું હોય પણ મુંબઈમાં કોલ્ડપ્લેના પ્રથમ ચરણને એવી કોઈ ખાસ સફળતા મળી નથી જેનાથી કહી શકાય કે ક્યા બાત હૈ.

‘મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ’ નામની વૈશ્વિક ટૂરના ટપ્પા તરીકે મુંબઈમાં કોલ્ડપ્લેનું આગમન ભપકો, દેખાડો, ખર્ચો અને બિનજરૂરી હોહાનું પ્રતિબિંબ ક્યારનું બન્યું હતું. એની ટિકિટો ખરીદવા તો હુંસાતુસી થઈ જ, પછી એનાં અધધધ કાળાબજાર થયાં. કેમ જાણે સંગીત માણવા નહીં પણ અમે ગયા, એવું સિદ્ધ કરવા કેટલાયનો આત્મા તરફડી રહ્યો હતો. પણ છેવટે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં જેઓએ હાજરી આપી એમાંના અસંખ્ય વીરલાઓને પૈસા પડી ગયાનો અનુભવ થયો છે. શું કામ એ જાણવું જરૂરી છે. પણ, સૌથી પહેલા જાણીએ આ કોલ્ડપ્લે કઈ બલાનું નામ છે એ. 

image Courtesy – Coldplay Instagram handle
  • ક્રિસ માર્ટિનના વડપણમાં એ એક બ્રિટિશ રૉક બેન્ડ છે. એની શરૂઆત 1997માં થઈ હતી. એમાં પિયાનોવાદક માર્ટિન ઉપરાંત ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બાસવાદક ગાય બેરીમેન, ડ્રમર અને પર્કશનિસ્ટ વિલ ચેમ્પિયન છે. સાથે છે એમનો મેનેજર ફિલ હાર્વી. કોલ્ડપ્લે આ પહેલાં પણ મુંબઈ આવીને સંગીત પીરસી ગયું હતું. 2016ની એમની ઇવેન્ટ ઠીકઠીક સફળ હતી. એમનાં જાણીતાં ગીતોમાં સામેલ છે, વિવા લા વિદા, જે એકલા સ્પોટિફાઈ પર 60 કરોડ વખત સ્ટ્રીમ થઈ ચૂક્યું છે. હવે, એક ઇંગ્લિશ ગીત આટલી વખત સંભળાય એમાં પોરસાવા જેવું શું? અડધી દુનિયા અંગ્રેજીમય છે, બોસ. આપણા ગુલશન કુમારે ફીચર કરતી અને હરિહરને ગાયેલી રામાયણ, યુટ્યુબ પરની ટી-સિરીઝની ચેનલ પર, કેટલી વખત સંભળાઈ ચૂકી છે? ચારસો ને ત્રીસ કરોડ વખત. એ પણ, દેશી, અવધી ભાષામાં હોવા છતાં. હવે બોલો.
  • આ બેન્ડનાં અન્ય ગીતો પણ ખાસ્સાં લોકપ્રિય છે. જેમ કે, ડોન્ટ પેનિક, એમસ્ટરડમ, શિવર, યલો, ધ સાઇન્ટિસ્ટ, ફિક્સ યુ, વગેરે. બેશક, વર્તમાન સંગીતના ફલકમાં આ બેન્ડ ઊંચા માયલું નામ ધરાવે છે પણ એમની ઇવેન્ટ માટે આપણે ત્યાં જે રીતે પડાપડી થાય છે, અત્યાચાર લાગે એ હદે અપરંપાર માર્કેટિંગ થાય છે એ જરા નવાઈભરી બાબત છે. એક્ચ્યુલી એવું થવાનું કારણ આપણી નવી પેઢી કોલ્ડપ્લેના ઊંધાપાટ પ્રેમમાં છે એ નથી. એનું કારણ તો કોલ્ડપ્લે જેવા વિદેશી બેન્ડનું ચબરાકિયું, અસરકારક માર્કેટિંગ છે. આ માર્કેટિંગને લીધે થાય છે એવું કે ખરેખર જેઓ કોલ્ડપ્લેના ચાહક છે તેઓ તો એની ઇવેન્ટ જોવા રોમાંચિત થાય છે જ, પણ જે ઘઘલાવને કોલ્ડપ્લેનો કો પણ ખબર નથી એ પણ અસુખ અનુભવવા માંડે છે અને તૂટી પડે છે ટિકિટ ખરીદીને મેળામાં મહાલવા. 
  • કોલ્ડપ્લેની મુંબઈ-અમદાવાદની આ ટૂરની આર્થિક સફળતા ખરેખર તો આ માર્કેટિંગની સફળતાને લીધે છે. પણ એવડી સફળતાથી ઇવેન્ટ સફળ થવાની ગેરન્ટી હોતી નથી. જેઓ કોલ્ડપ્લે જાણે છે, એનું સંગીત ચાહે છે એવા લોકો સ્ટેડિયમમાં હોય એ અલગ વાત છે. જેઓ દેખાદેખીમાં પહોંચી ગયા એમની વચ્ચે ઇવેન્ટ થાય ત્યારે આવતું પરિણામ અલગ વાત છે. દાખલા તરીકે, કોઈક ઉસ્તાદ બાંસુરીવાદન કરે એમાં, બાપ જન્મારે ક્લાસિકલ મ્યુઝિક સાથે સ્નાનસૂતકનો સંબંધ નહીં રાખનારાને મોકલી દો અને આખું થિયેટર ખીચોખીચ ભરી દો તો કાર્યક્રમ સફળ થવાનો કે? ના, કારણ વગાડનાર ઉસ્તાદના ભુક્કા નીકળી જાય, છોતરાં ઉખળી જાય તો પણ સાંભળનારને એમાં હરામ કોઈ ટપ પડવાની નથી. 
  • તો, કોલ્ડપ્લેની મુબઈની ઇવેન્ટ નંબર વનમાં કંઈક અંશે આવી જ સ્થિતિ જોવા મળી. ભલે માર્ટિન આણિ મંડળી ઊંધા વળી જાય એનાથી શું? થયું એમ કે જેઓ ઇવેન્ટમાં હુડુડુજુ કરતાકને પહોંચી ગયા એમાંના અસંખ્ય હોંશીલાઓને કોલ્ડપ્લેનું નામ ખબર પણ એમનાં ગીતોથી બિલકુલ અપરિચિત. એટલે થયું એમ કે પેલા લોકો એયને ગા ગા કરતા રહ્યા પણ એના પડઘા ઓડિયન્સમાં નહીં પડ્યા તે નહીં જ પડ્યા. પડે પણ ક્યાંથી, પેલાવનું ગીત ખબર હોય તો સાથે ગણગણાય અને ગવાયને? એટલે તો ઘણાએ આ ઇવેન્ટ નંબર વન માટે લખ્યું, “આ તો લાઇબ્રેરી કરતાં વધુ શાંત” ઇવેન્ટ અને “ખરેખર કોલ્ડ પ્લે.”
  • વળી બીજા એકે લખ્યું, “અડધાથી વધુ તો આંય ઇન્સ્ટા રીલ્સ બનાવવા અને ફોટાબોટા ખેંચાવવા જ આવ્યા છે.” સહી જવાબ. તો અન્ય એક કોલ્ડપ્લે દીવાનાએ બરાબર લખ્યું, “(તમને) હિમ ફોર ધ વિકએન્ડ ખબર ના હોય એ બને જ કેવી રીતે?” આ લખનારનો અર્થ એવો હતો કે તમે લતાદીદીના ચાહક હોવ અને અય મેરે વતન કે લોગોં તમને ખબર ના હોય એ બની જ શકે નહીં. 
  • આ લખાઈ રહ્યું છે ત્યારે મુંબઈમાં કોલ્ડપ્લેની એક રાત હજી બાકી છે, મંગળવારે તેઓ ફરી અહીં પરફોર્મ કરશે. પછી ઉપડશે અમદાવાદ અને ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બબ્બે વખત માઇક પર મ્યુઝિક-સિંગિગ પીરસીને અમદાવાદીઓને, ગુજરાતીઓને જીતવાનો પ્રયત્ન કરશે. એ થશે પચીસ-છવીસ જાન્યુઆરીએ. જોવાનું એ રહેશે કે રિયલ કોસ્મોપોલિટન મુંબઈમાં, જ્યાં અંગ્રેજી સૌના માથે ચડીને બોલે છે ત્યાં, કોલ્ડપ્લેનો ખેલ આમ ઠંડો રહ્યો, ત્યાં અમદાવાદમાં શું થાય છે. અસલ અલા યાર એવા મજાના મિજાજવાળા ગુજરાતીઓને જીતવા કોલ્ડપ્લે કયો ધમાકો કરે છે. 
  • આ જેણે કહ્યું એને ઇનામ આપવું જોઈએ. કોલ્ડપ્લેની ઇવેન્ટના મારા-તમારા જેવા લોકોએ અપલોડ કરેલા વિડિયો જરા જોઈ લેજો. એમાં સંગીતમાં ગળાડૂબ ઓછા અને મોબાઇલિયા મોજ કરનારા ઝાઝા જણાઈ આવશે. હંધાયના હાથ હવામાં ઊંચે ફંગળાયેલા જેવા મળશે. એ પાડો ફોટાઝ, શૂટ કરો વિડિયોઝ કરવામાંથી ઊંચા નહીં આવનારા આ દર્શકોને કોલ્ડપ્લેનાં ગીતોમાં કેટલોક રસ હતો એ મોટી દ્વિધા છે? જોકે કોલ્ડપ્લેની તરફેણમાં એ પણ કહેવું રહ્યું કે હવે લોકો આંખોથી, હૈયાથી, કાનથી કોઈપણ કાર્યક્રમ, સ્થળ કે ઘટના માણવામાં આમ પણ ઓછો રસ લે છે. જિંદગીમાં એકવાર તાજ મહેલ જોવાની લાયમાં વરસો સુધી તરસ્યા પછી ખરેખર આગ્રા પહોંચીને અનિમેષ આંખે તાજને ધરાઈને જોવાની બદલે હવે જમાનો તાજને કચકડે કંડારવામાં ત્યાં સમય વ્યર્થ કરવાનો છે. સૉ બૅડ.   
  • મુંબઈમાં એમનાં સૌથી હિટ ગીતોને ઠંડો આવકાર મળ્યો છે. કોલ્ડપ્લેને મળેલા મોળા આવકાર ઉપરાંત મુંબઈમાં મેનેજમેન્ટમાં પણ ખામીઓ રહી હતી. એક તરફ ઇવેન્ટ માટે પાંચસો રૂપરડીની ટિકિટ લઈને લોકલમાં ફરવા જેવી કહેવાતી સગવડ કરવામાં આવી હતી પણ જ્યાં મેદાનમાં મામલો ટકાટક હોવો જોઈએ ત્યાં જ ખાટલે મોટી ખોડ હતી. ઇવેન્ટ વખતે કોઈને કશું ખરીદવું હોય તો પરાણે ડિજિટલ બેન્ડ વાપરવાનો હતો એ જાણે ઠીક પણ કનેક્ટિવિટીનાં ઠેકાણાં ના હોય તો કોઈ ડિજિટલી કેવીક રીતે કામ કરે? લોકોએ પીણાં-નાસ્તા વગેરે માટે મોટે ઉપાડે ડિજિટલ બેન્ડમાં પૈસા તો જમા કરાવ્યા પણ એ કેમેય કરીને કામ કરે નહીં, એ વળી કેવું? લોકોને મેદાન પર પાણી સુધ્ધાં લાવવાની મનાઈ હતી અને પૈસા આપીને પાણી ખરીદવું અઘરું થઈ ગયું હતું, તો શું તરસ્યા મરીને સંગીત માણવાનું કે?
image Courtesy – Coldplay Instagram handle
  • છતાં રખે એમ માનતા કે અમને કોલ્ડપ્લેનો અભાવ છે કે અમને વિદેશી સંગીત સામે વાંધો છે. અમને બસ પ્રશ્ન છે કે આ વળી કેવો ક્રેઝ છે. આ વળી કેવી ઘેલછા છે કે કોઈક વિદેશી બેન્ડ આવે, એનું સખત પ્રમોશન, માર્કેટિંગ થાય અને બસ, આલિયામાલિયા હંધાય તૂટી પડે કે મારેય જાવું મુંબઈ પાર, નવી મુંબઈએ, કોલ્ડપ્લેને દરબાર. અરે બાપડા, ધીમા પડો. ઇવેન્ટ માણવામાં કોઈ ખરાબી નથી પણ દેખાદેખીમાં માણીને શું મળવાનું? આ તો જાણે ઇવેન્ટ નહીં પણ તમાશો થયો અને આપણામાં તો કહે જ છેને કે તમાશાને…
Leave A Reply

ગુજરાતી
Exit mobile version