પરદુ:ખે ઉપકાર કરે તોયે… – હંસા બાલકૃષ્ણ મહેતા
In brief · AI summary ૯૧ વર્ષનાં હંસાબહેન બાલકૃષ્ણ મહેતા મલબાર હિલ સ્થિત ઘરમાં રહે છે અને વિવિધ અગ્રણી સંસ્થાઓમાં નિઃસ્વાર્થ સેવા આપે છે. ૧૯૪૫માં લગ્ન પછી તેમના પતિ બાલકૃષ્ણભાઈએ ૧૯૫૪
મુંબઈમાં વસનારા શરૂઆતના કપોળોમાં તેમના પિયર અને શ્વસુરપક્ષના પરિવારો સામેલ છે. આજીવન સેવાનો ભેખ ધરનારા પતિની જેમ આ વડીલ ૯૧ વર્ષે પણ સેવારત છે
“મારાં દાદી વીજળીબાએ લગ્ન વખતે મને શિખામણ આપેલી કે દીકરી, જ્યાં જાય ત્યાં બધે સાસરિયાનું સારું બોલવાનું. સાસરિયા સાથે દૂધમાં સાકરની જેમ ભળી જવાનું. એમની વાત મારા સ્વભાવમાં વણાઈ ગઈ. પછી જે થયું તે બધું જાણે દાદીના આશીર્વાદની પરાકાષ્ઠા…”
૯૧ વર્ષનાં હંસાબહેન બાલકૃષ્ણ મહેતાના મલબાર હિલ સ્થિત ઘરમાં ગજબની નિરાંત, સકારાત્મકતા વર્તાય છે. હવા પણ એવી વહે છે જાણે એ કહેવા માગતી હોય કે જ્યાં સંતોષ છે ત્યાં ખરી શાંતિ છે. વિવિધ અગ્રણી સંસ્થાઓમાં જૈફ વયે પણ નિઃસ્વાર્થ સેવા આપનારાં આ કપોળ વડીલની જીવનકથા અનેક ઘટનાઓનો સંપુટ છે. એ ઘટનાઓએ જાણે હંસાબહેનના વ્યક્તિત્વ અને ઘરને પરગજુપણાની અનોખી આભાથી સભર કર્યાં છે.
હંસાબહેન પિયરપક્ષે મૂળ જાફરાબાદનાં. જન્મ ૧૯૨૮માં. મુંબઈમાં તેમના પરિવારની ખૂબ ઊંચી શાખ. હરકિસનદાસ હોસ્પિટલના આદ્યસ્થાપકના ભાણેજ એટલે ગોરધનદાસ ભગવાનદાસ નરોત્તમદાસ. એમનાં મોટા બહેન વીજળીબાઈ હંસાબહેનનાં દાદી થાય. કાલબાદેવીમાં રહેતો વોરા પરિવાર વસ્તારી હતો. એકસાથે છએક કુટુંબો એક ઇમારતમાં રહે. ઘરના સભ્યો, નોકરચાકર તથા મહેમાનો મળીને રોજ સવાસો માણસનું રસોડું વોરા પરિવારમાં ચાલે. એવા પરિવારનાં દીકરી હંસા ૧૬ વરસની વયે પરણ્યાં બાલકૃષ્ણ મહેતાને.
બાલકૃષ્ણ મહેતા અને હંસાબહેન વોરા, બેઉના પરિવારની આર્થિક સ્થિતિ વચ્ચે ત્યારે મોટો વિરોધાભાસ. હંસાબહેન સંપન્ન પરિવારનાં તો બાલકૃષ્ણભાઈ સાધારણ પરિવારના. બાલકૃષ્ણભાઈના પિતા કલ્યાણદાસે ગાંધીજી સાથે વરસો વિતાવ્યાં હતાં. સાદગી અને સંસ્કાર તેમની બે મોટી શક્તિઓ હતી. બાલકૃષ્ણભાઈ સેન્ટ ઝેવિયર્સમાં કોમર્સનું ભણતા હતા, વીસેક વરસના હતા, એવામાં પિતાનું સ્વાસ્થ્ય કથળતાં ઘરનો વેપાર સાચવી લેવાનું બીડું તેમણે ઉઠાવી લીધું. પરિવારનો વેપાર હતો કાપડની મિલો માટે અગત્યના એવા હિલ્ડ્સ અને રીડ્સના પાર્ટ્સનો. આત્મસૂઝ, નીતિમત્તા અને સખત મહેનતથી બાલકૃષ્ણભાઈએ ઘરના ડામાડોળ વેપારને પાટે ચડાવ્યો. એની સાથે આવક અને ગુડવિલ બેઉ મોરચે સડસડાટ આગળ વધતો પણ કરી દીધો.
હંસાબહેન તેમના અને બાલકૃષ્ણભાઈનાં લગ્નની વાત કરતાં જણાવે છે, “અમારી ઉંમરમાં નવેક વરસનો ફરક. લગ્ન માટે અમારી પહેલી મુલાકાત હરકિસનદાસ હોસ્પિટલમાં થઈ હતી. એમાં મારો ઇન્ટરવ્યુ મારાં નણંદ હીરાબહેને લીધો હતો.” હીરાબહેન એટલે દિગ્ગજ સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકનાં ધર્મપત્ની અને પોતે પણ મોટાં ગજાનાં સાહિત્યકાર. ૧૯૪૫માં હંસાબહેન અને બાલકૃષ્ણભાઈ લગ્નગ્રંથિએ જોડાયાં. એ સાથે હંસાબહેનના ભાગે આવ્યું મધ્યમવર્ગના પરિવારની આદર્શ ગૃહિણી બનવાનું કામ.
એ કામ તેમણે સુપેરે પાર પાડ્યું. સાસુમા વીજળીબાએ (દાદી અને સાસુ બેઉનાં નામ સરખો છે) હંસાને ખૂબ લાગણીપૂર્વક ઘરકામની ઝીણીઝીણી બાબતોથી જ્ઞાત કરી. મોટા ઘરથી આવેલી વહુને ઘરકામ કે રસોઈ ઓછાં આવડે. સાસુ શીખવે ત્યારે ભૂલ થાય તો પણ, ક્યારેય ગુસ્સો કે ચીડનું નામ સાસુના વર્તનમાં આવે નહીં. સાથે નણંદો પણ લાગણીનો અવિરત ધોધ વરસાવે. આ બધાં વચ્ચે સરસ ચાલતા જીવનમાં બે અણગમતી બાબતો થઈ. એક તો પતિ-પત્નીનાં માબાપ મનવાના ઓરતા ઈશ્વરે નાકામ કર્યા અને ૧૯૫૪ આસપાસ પિતાની કંપની છોડીને બાલકૃષ્ણભાઈના ભાગે નવી શરૂઆત કરવાનો પડકાર આવ્યો. હંસાબહેન કહે છે, “અમને સંતાન નહીં તેનો વસવસો ક્યારેક થતો. પછી બાલકૃષ્ણએ સમજાવી કે આપણા ભાગે બીજાનાં સતાનોને સુખ આપવાનું લખાયું હશે. આગળ જતાં આ વાત કેવી સાચી પડવાની એની ત્યારે ક્યાં ખબર હતી?”
૧૯૫૪માં બાલકૃષ્ણભાઈએ બી. મહેતા એન્ડ કંપનીના નામે સ્વતંત્ર વેપાર સ્થાપ્યો. નીતિમત્તાના મામલે અકલ્પનીય વલણ હોવાને લીધે તેમનો વેપાર તેજ ગતિએ આગળ વધતો ગયો. સાથે, મેટ્રિક માંડ ભણેલાં હંસાબહેન માટે લગ્ન પછી અંગ્રેજી શીખવા, ભરતકામ શીખવા બાલકૃષ્ણભાઈએ વ્યવસ્થા કરી. બાલકૃષ્ણભાઈની વેપારી પ્રગતિ, હંસાબહેનની જ્ઞાનસમૃદ્ધિનો સમન્વય આગળ જતાં, ૧૯૬૦ના દાયકામાં થવાનો હતો. નિમિત્ત બનવાનાં હતાં બાલકૃષ્ણભાઈના દાદા જગમોહનદાસના મોટા દીકરા મંગળદાસનાં પત્ની જેકોરબાઈ.
લગ્નના ત્રણેક મહિના પછી જેકોરબાઈના નસીબે વૈધવ્ય લખાયું હતું. પુનર્લગ્નની સાસરાપક્ષની ઇચ્છા છતાં તેઓ એકલાં રહ્યાં હતાં. વરસો સુધી ડાકોરમાં અને પછી મહેતા પરિવાર સાથે તેમણે જીવન પસાર કર્યું. જેકોરબાઈને વૃદ્ધાવસ્થામાં ગ્લુકોમા એટલે ટાઢા ઝામરને લીધે ધાર્મિક સાહિત્ય વાંચવા ના મળે. તેથી હંસાબહેન તેમને રામાયણ, ભગવદ્ગીતા વગેરે વાંચી સંભળાવે. એમાંથી હંસાબહેનને પ્રેરણા મળી નેત્રવિહીનોની સેવા કરવાની. ૧૯૬૭માં હંસાબહેને દાદર સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડમાં સેવા આપવાની શરૂઆત કરી. ત્યારથી અંધજનો સાથે અને એ સંસ્થા સાથે શરૂ થયેલો તેમનો નાતો એવો અતૂટ છે કે આજે તેઓ સંસ્થાનાં ચેરપરસન તરીકે સેવા આપી રહ્યાં છે!
એવો અતૂટ નાતો ક્રિકેટર-ઉદ્યોગપતિ વિજય મર્ચન્ટ સ્થાપિત નેશનલ સોસાયટી ફોર ઇક્વલ ઓર્પોચ્યુનિટી ફોર ધ હેન્ડિકેપ્ડ સાથે ૧૯૭૩માં બંધાયો. હંસાબહેને ત્યાં ઉપપ્રમુખ તરીકે શરૂઆત કરી હતી. ૧૯૮૭થી આજ સુધી તેઓ તેમાં ચેરપરસન તરીકે સેવારત છે. બીજી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં આ વડીલ કહે છે, “ઈશ્વરે આપણને આપેલા ઐશ્વર્યનો ઉપયોગ અન્યોના ઉત્કર્ષ માટે કરવાનો આનંદ શબ્દમાં વર્ણવવો અઘરો છે.”
બાલકૃષ્ણભાઈએ આગળ જતાં વેપારમાં સફળતાનાં અનેક સોપાન સર કર્યાં હતાં. સાથે, તત્કાલીન હરકિસનદાસ હોસ્પિટલ સાથે ૧૯૬૩માં તેઓ કમિટી મેમ્બર તરીકે જોડાયા હતા. ૧૯૮૦-૯૭ વચ્ચે તેના પ્રમુખ અને પછી પ્રેસિડન્ટ એમિરટ્સ તરીકે તેમણે હોસ્પિટલની અનન્ય સેવા કરી હતી. હંસાબહેન આ વિશે વાત કરતાં કહે છે, “એક જમાનામાં બાલકૃષ્ણ આ હોસ્પિટલમાં રાહતદરે મળતી સારવાર માટે ગયા હતા. પછી ૧૯૯૧માં તેમણે રૂપિયા એક કરોડનું દાન હોસ્પિટલને આપ્યું હતું. નાનકડી સહાયનું જાણે કે ઉદારહૃદયે ઋણ ઉતાર્યું હતું તેમણે. નાની-મોટી સખાવતો તો કાયમ ચાલ્યા કરતી. સૌથી મોટી વાત એટલે હોસ્પિટલને ગરીબોના બેલીની જેમ કાર્યરત રાખવા તેમણે આપેલું યોગદાન.”
બાલકૃષ્ણભાઈનું અવસાન ૨૦૦૮માં થયું. તેમની ગેરહાજરીમાં પણ હંસાબહેન સુકૃતો કરીને જીવનસાથીનાં કાર્યો આગળ ધપાવી રહ્યાં છે. એક જ ભાવના સાથે, “બીજાનું કલ્યાણ કરવાની આપણી લાગણી જેટલી ઉદાત્ત રહે તેટલી વધુ સારી આ દુનિયા થાય.”
હંસાબહેન તેમને રામાયણ, ભગવદ્ગીતા વગેરે વાંચી સંભળાવે. એમાંથી હંસાબહેનને
પ્રેરણા મળી નેત્રવિહીનોની સેવા કરવાની.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.