Read inEnglishहिन्दीગુજરાતી

સેવાનો સૂરજ ઉગાડીએઃ શ્રી વેરાઈમાતા ગૌસેવા ટ્રસ્ટ, મોરવાડા

By Sanjay Shah  ·   ·  1 min read
સેવાનો સૂરજ ઉગાડીએઃ શ્રી વેરાઈમાતા ગૌસેવા ટ્રસ્ટ, મોરવાડા

દાયકા જૂની આ ગૌશાળાએ પૂરમાં પશુધન તો બચાવી લીધું પણ દીવાલ અને સંગ્રહેલો ચારો ન બચ્યાં. ઘણી સગવડોનો અહીં જે અભાવ છે એ દૂર કરવા સાથે પૂરના નુકસાનને પણ પહોંચી વળવાનું છે

નોંધઃ અહીં જણાવેલી માહિતી, પશુઓની સંખ્યા, વાર્ષિક ખર્ચ તથા સંસ્થાની આર્થિક જરૂરિયાતો વગેરે બધું ઓગસ્ટ ૨૦૧૭ મુજબ છે. સંસ્થાની હાલની સ્થિતિ વિશે વાચકે સ્વયં જાણકારી મેળવી લેવી. આ લેખ પ્રસિદ્ધ કરવાનો એકમાત્ર ઉદ્દેશ સંસ્થાનાં તથા સમસ્ત મહાજનનાં સુકૃતથી વાચકોને પરિચિત કરાવવાનો છે.

૨૦૦૨માં સ્થાપિત આ ગૌશાળા સુઈગામ અને આસપાસ કાર્યરત સેવાસમર્પિત ગૌશાળા-પાંજરાપોળોનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં આઠેક એકર જમીન પર હાલમાં ૪૪૫ જેટલી ગાયોની સેવા થાય છે. સંસ્થાની માલિકીની બીજી ૬૦૭ હેક્ટર જમીન છે. એ અંગેના દસ્તાવેજો પણ છે. અત્યારે આ જમીન પર પોતાનો દાવો સરકારે ઠોક્યો છે. આ મુદ્દે અદાલતમાં કામ ચાલી રહ્યું છે.

પૂરના દિવસો અહીં બહુ પડકારભર્યા રહ્યા હતા. સંસ્થા વતી અમારી સાથેની વાતચીતમાં કિશોરભાઈ વ્યાસ જણાવે છે, “પાણી ગાંડુંતુર થઈને વરસ્યું એ પછી બધે જાણે પાણી સિવાય કાંઈ નહોતું. લગભગ પાંચ-સાત દિવસ અમારે ત્યાં પાંચેક ફૂટ પાણી ભરાયાં હતાં. જોકે અમારા માટે ૨૦૧૫ના પૂરનો અનુભવ એ કટોકટી વખતે હાથવગો સાબિત થયો. અમને ખ્યાલ આવી ગયો કે મામલો બગડી રહ્યો છે. અમે તરત જ અમારે ત્યાંની ગાયોને મોરવાડા સ્થિત ગોડીજી પાર્શ્વનાથ જૈન મંદિરે ખસેડી દીધી હતી.

આ અગમચેતીને કારણે એક બાબતે સંસ્થાને રાહત રહી કે પશુધનના મૃત્યુનો મામલો એક પણ નોંધાયો નહીં. હા, સાત-આઠ ગાયો બીમાર પડી જેમની સારવાર અત્યારે પણ ચાલી રહી છે. પૂરના કારણે અને દીવાલ પડી ગઈ હતી. સાથે એકાદ લાખ રૂપિયાના મૂલ્યનો ચારો ભીંજાઈ જવાથી નકામો થયો હતો. એ નુકસાનની ભરપાઈ કરીને સંસ્થાને ફરી પહેલાંની જેમ કાર્યરત કરવા માટે સમાજના સહકારની જરૂર છે.

સંસ્થાના પરિસરમાં આશરે સોએક જેટલાં વૃક્ષો છે. એ વૃક્ષોમાં વડ, પીપળો, નીલગિરિ, લીમડો વગેરે મુખ્ય છે. સંસ્થાની કુલ ગાયોમાંથી માંડ ૧૪ જેટલી દૂઝણી છે. કર્મચારીગણની વાત કરીએ તો અહીં નવેક જણનો સ્ટાફ છે. આ નાનકડી ટીમ સમગ્ર ગૌશાળાની કામગીરીની સુપેરે દેખરેખ રાખે છે. ઉપલબ્ધ સગવડોની વાત કરીએ તો આ ગૌશાળામાં એક ટ્રેક્ટર છે, પાણી માટે ટેન્કર છે અને વીજળી સહિતની પ્રાથમિક સગવડો છે. જે નથી એ સગવડોની વાત કરીએ તો એની યાદી નાની નથી. આ સંસ્થાને સારા કાર્યાલય, ફેન્સિંગ, કમ્પાઉન્ડ વોલ, જોઈન ગેટ, નવા શેડ, પશુઓ માટેની એમ્બ્યુલન્સ, ચારા માટે ગોડાઉન જેવી સગવડો જોઈએ છે. સંસ્થાની જમીન આસપાસના વિશાળ ખુલ્લા પરિસરમાં ગાંડો બાવળ ઊગી નીકળવાની સમસ્યા છે. એનો નિકાલ લાવ્યા વિના એનાથી પશુધનને ઇજા થવાની ચિંતા રહે છે. જેસીબી મશીન મળી રહે તો આ સમસ્યા ઉકેલી શકાય. સાથે, જમીનને બાવળમુક્ત કર્યા પછી ત્યાં પશુઓ માટે ચારો ઉગાડી શકાય. તેનાથી પશુઓના ચારાના મામલે સંસ્થા આત્મનિર્ભર થઈ શકે તેમ છે.

સરકાર તરફથી આ ગૌશાળાને કોઈ નોંધનીય મદદ મળતી નથી. સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ પાસેથી મળતી મદદ સંસ્થાને એના નિભાવમાં મદદરૂપ થાય છે ખરી.

સરસ મજાની ગોઠવણ સાથે ચાલતી આ ગૌશાળા હજી તો એકાદ દાયકાની થઈ છે. ભાભર રેલવે સ્ટેશનથી અઢારેક કિલોમીટર દૂર આવેલી આ ગૌશાળાની સૌથી નજીકનું બસ સ્ટેશન મોરવાડા છે. સંસ્થાને જે ચીજોની અછત વર્તાય છે એ પૂરી પાડીને આપણે એની કામગીરી ખીલવી શકીએ તેમ છીએ.

ઊણપો/જરૂરિયાતો

૧. પૂરમાં ધસી પડેલી દીવાલનું સમારકામ.

૨. લાખેક રૂપિયાના ચારાના નુકસાન પછી ચારાપુરવઠાને નિયમિત કરવો.

૩. કાર્યાલય, ફેન્સિંગ, કમ્પાઉન્ડ વોલ, મેઇન ગેટ માટે મદદ.

૪. પશુઓ માટે એમ્બ્યુલન્સ, ચારાપુરવઠા માટે ગોડાઉન.

૫. આસપાસની જમીન પર ઊગી નીકળતા બાવળનો ઉકેલ. તેના લીધે ચારાની ખેતી સારી થઈ શકશે.

સંસ્થાસંપર્ક

સરનામું: શ્રી વેરાઈમાતા ગૌસેવા ટ્રસ્ટ, મુકામ પોસ્ટ મોરવાડા, તાલુકો સુઈગામ, જિલ્લો બનાસકાંઠા – ૩૮૫૩૨૦, ગુજરાત

સંપર્ક: કિશોર વ્યાસ

મોબાઇલ: ૯૯૭૪૯ ૮૯૦૨૧

ચેક/ડ્રાફ્ટ મોકલવાનું નામ: શ્રી વેરાઈમાતા ગૌસેવા ટ્રસ્ટ

આવકવેરામાં રાહતની પાત્રતા: હા

કુલ અબોલ જીવો: ૪૪૫

વાર્ષિક ખર્ચ: આશરે ૪ર લાખ રૂપિયા

બાંધકામનો ખર્ચ: પચાસ લાખ રૂપિયા

સંસ્થાને દાન આપવા કે કોઈ પણ રીતે મદદરૂપ થવા ઇચ્છનાર સમસ્ત મહાજનનો સંપર્ક પણ સાધી શકે છે

ઓગસ્ટ ૨૦૧૭માં ગુજરાત-રાજસ્થાનમાં અતિવૃષ્ટિ થઈ. તત્કાળ ધોરણે જીવદયાપ્રેમી સંસ્થા સમસ્ત મહાજન અને એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશભાઈ શાહના પ્રોત્સાહને બેઉ રાજ્યની ગૌશાળાઓ તથા પાંજરાપોળોની સ્થિતિ જાણવા સર્વેક્ષણ થયું. એ કાર્ય માંગરોળ મલ્ટીમીડિયાની ટીમે સંપન્ન કર્યું હતું. લેખક-પત્રકાર સંજય વિ. શાહે સર્વેક્ષણના આધારે, ગૌશાળા-પાંજરાપોળ પુનરુસ્થાન અભિયાન, પુસ્તક લખ્યું હતું. આ લેખ ૨૦૧૭માં પ્રસિદ્ધ એ પુસ્તકનો ભાગ છે.

Liked this? Get one story a day on WhatsApp.
Join

Read next

સરદાર પટેલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી: એકતાની અનંત યાત્રા પરદુ:ખે ઉપકાર કરે તોયે… – હંસા બાલકૃષ્ણ મહેતા જે પશુઘન સાચવે એને આપણે સાચવીએઃ શ્રી ચીમનગઢ પાંજરાપોળ, કાંકરેજ