માગે મૂળભૂત સુવિઘાઓઃ શ્રી ખોડાઢોર પાંજરાપોળ, કુવાળા
In brief · AI summary કુવાળાની શ્રી ખોડાઢોર પાંજરાપોળ માંડ ચારેક એકર જમીન પર મોટી સંખ્યામાં પશુઓની સંભાળ રાખે છે. અતિવૃષ્ટિ પછી ચારાનો નાશ થતાં સંસ્થાને ચારા, વીજળી કનેક્શન અને બોરવેલ માટે તાત્કાલિક મદદની જરૂર છે. સંસ્થા સોલાર લાઇટ, ચારા માટે ગોડાઉન, નવા કોડ અને એમ્બ્યુલન્સને પોતાની પ્રાથમિકતા ગણાવે છે.
નાની જમીન છતાં મોટી સંખ્યામાં પશુઓ આ પાંજરાપોળમાં છે. ફેન્સિંગ, કમ્પાઉન્ડ વોલથી માંડીને એની અનેક જરૂરિયાતો આપણા સાથ-સહકારની અપેક્ષા રાખે છે, જેથી વધુ સારી જીવદયા થઈ શકે
નોંધઃ અહીં જણાવેલી માહિતી, પશુઓની સંખ્યા, વાર્ષિક ખર્ચ તથા સંસ્થાની આર્થિક જરૂરિયાતો વગેરે બધું ઓગસ્ટ ૨૦૧૭ મુજબ છે. સંસ્થાની હાલની સ્થિતિ વિશે વાચકે સ્વયં જાણકારી મેળવી લેવી. આ લેખ પ્રસિદ્ધ કરવાનો એકમાત્ર ઉદ્દેશ સંસ્થાનાં તથા સમસ્ત મહાજનનાં સુકૃતથી વાચકોને પરિચિત કરાવવાનો છે.
માંડ ચારેક એકરની જમીન છતાં કુવાળાની આ પાંજરાપોળ ૬૦૦થી વધુ પશુઓને પ્રેમપૂર્વક સાચવી રહી છે. દૂઝણાં પશુઓ તો માંડ દસેક છે એમાંથી. અને અત્યારે પંદરેક મોસમી બીમારીથી ગ્રસ્ત છે. આમ તો અહીં વ્યવસ્થાપન સારું છે પણ, દીર્ઘદૃષ્ટિ, સમાજમા સબળ સાથ થકી એને જીવદયાના ક્ષેત્રે નવી ઊંચાઈઓ આંબવાને સક્ષમ બનાવી શકાય તેમ છે.
અતિવૃષ્ટિ અને ચારેકોર પાણી થયા પછી આ પાંજરાપોળમાં ચારાનો ખો નીકળી ગયો. ચારાના સ્થળાંતર માટે માણસો મળ્યા નહીં તેથી લાચાર થઈને ચારો ભીંજાતો અને નષ્ટ થતો જોવા સિવાય અહીં છૂટકો નહોતો. હા, એટલી રાહત રહી ખરી કે પાંજરાપોળની જમીન ઊંચાઈવાળા ભાગ પર હોવાથી અતિવૃષ્ટિ અહીં પશુઓની બલિ લઈ શકી નહીં.
દિયોદરથી ૧૪ કિલોમીટરે આવેલી આ સંસ્થાને દસેક ટ્રસ્ટીઓ, વીસેક કર્મચારીના સહયોગમાં શક્ય તેટલી સારી રીતે ચલાવે છે. લીમડા, પીપળા અને અશોકનાં વૃક્ષો અહીં છે. નથી એવી બાબતોની યાદી પણ ટૂંકી નથી. શરૂઆત કરીએ તો આ પાંજરાપોળને તાત્કાલિક ધોરણે ચારા માટે, વીજળી કનેક્શન માટે અને બોરવેલ માટે મદદ મળવી જરૂરી છે. સંસ્થા વતી વાત કરતાં જયંતીભાઈ જણાવે છે, “અમને મદદ મળ્યે પાંજરાપોળની કામગીરી ખરેખર ઘણી સુધરી શકે તેમ છે. સોલાર લાઇટ, ચારા માટે ગોડાઉન, પશુઓ માટે નવા કોડ અને એમ્બ્યુલન્સ અમારી પ્રાથમિકતા છે.” અત્યારે એવું છે પશુઓ માંદાં પડે ત્યારે બહારથી ડોક્ટર બોલાવવા પડે છે અને મામલો યેનકેન સચવાઈ જાય છે. છતાં પશુ ગંભીર બીમારીથી ગ્રસ્ત થાય ત્યારે આ ગોઠવણ પૂરતી નથી હોતી. એવા સમયે તો પોતાની એમ્બ્યુલન્સ હોય તો તરતોતરત પશુને સારવાર માટે યોગ્ય સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી પહોંચાડી શકાય, બાકી…
પાણીના મામલે આત્મનિર્ભર થવું પણ સંસ્થા માટે આવશ્યક છે. અત્યારે અહીં એક જ બોરવેલ છે જે જરૂરિયાત સંતોષવા માટે પૂરતી નથી. સંસ્થા અત્યારે યોગદાન તથા વિવિધ દાતાઓ તરફથી મળતાં ડોનેશનના આધારે પોતાના ખર્ચને પહોંચી વળે છે. ભંડોળનો પ્રવાહ નિશ્ચિત અને સિસ્ટમેટિક થાય, વિકાસ માટે જરૂરી બાબતો માટે પીઠબળ મળે તો સંચાલનમાં આવતી અનેક અડચણો અહીં દૂર થઈ શકે તેમ છે.
ભાભર તાલુકામાં ચાલતી ઘણી પાંજરાપોળ, ગૌશાળાઓએ આપણા પશુધનને ટકાવી રાખવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને આપી રહી છે. દેશના આવા તમામ તાલુકા અને એની તમામ ગૌશાળા-પાંજરાપોળ જો સંપૂર્ણપણે આત્મનિર્ભર થાય તો ભગવાન મહાવીરનો જીવદયાનો સંદેશ વધુ અસરકારક રીતે સાર્થક થાય. એ માટે આપણે ઉત્સાહ બતાવવો રહ્યો, આગળ આવવું રહ્યું.
ઊણપો/જરૂરિયાતો
૧. ચારા, વીજળી અને બોરવેલ માટે સંસ્થાને ત્વરિત ધોરણે મદદ મળવી રહી.
૨. ફેન્સિંગ, કમ્પાઉન્ડ વોલ, શેડ, પાણીના કુંડ, એમ્બ્યુલન્સ, ગોડાઉન, પાણીનો પમ્પ વગેરે બાબતો માટે સંસ્થાને સૌનું પીઠબળ અપેક્ષિત છે.
૩. વીજળીના ધાંધિયા હોવાથી સોલાર પાવર યંત્ર હોવું જરૂરી છે.
૪. સ્ટાફ માટે નવા ક્વાર્ટર્સ પણ બાંધવા છે અને ખરંચો કરાવવાની અહીં જરૂર છે.
સંસ્થાસંપર્ક
સરનામું: શ્રી ખોડાઢોર પાંજરાપોળ, મુકામ પોસ્ટ કુવાળા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા – ૩૮૫૩૨૦, ગુજરાત
સંપર્ક: જયંતીલાલ જે. રાતડિયા
મોબાઇલ: ૯૯૭૯૭ ૮૭૨૬૨
ચેક/ડ્રાફ્ટ મોકલવાનું નામ: શ્રી ખોડાઢોર પાંજરાપોળ
આવકવેરામાં રાહતની પાત્રતા: હા
કુલ અબોલ જીવો: ૫૨૬
વાર્ષિક ખર્ચ: ૫૦ લાખ રૂપિયા
બાંધકામનો ખર્ચ: ૨૫ લાખ રૂપિયા
સંસ્થાને દાન આપવા કે કોઈ પણ રીતે મદદરૂપ થવા ઇચ્છનાર સમસ્ત મહાજનનો સંપર્ક પણ સાધી શકે છે
ઓગસ્ટ ૨૦૧૭માં ગુજરાત-રાજસ્થાનમાં અતિવૃષ્ટિ થઈ. તત્કાળ ધોરણે જીવદયાપ્રેમી સંસ્થા સમસ્ત મહાજન અને એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશભાઈ શાહના પ્રોત્સાહને બેઉ રાજ્યની ગૌશાળાઓ તથા પાંજરાપોળોની સ્થિતિ જાણવા સર્વેક્ષણ થયું. એ કાર્ય માંગરોળ મલ્ટીમીડિયાની ટીમે સંપન્ન કર્યું હતું. લેખક-પત્રકાર સંજય વિ. શાહે સર્વેક્ષણના આધારે, ગૌશાળા-પાંજરાપોળ પુનરુસ્થાન અભિયાન, પુસ્તક લખ્યું હતું. આ લેખ ૨૦૧૭માં પ્રસિદ્ધ એ પુસ્તકનો ભાગ છે.