ચબૂતરાની નીચેલા ભાગમાં એક દાનપેટી આજે પણ છે. બધી રીતે સરસ દેખાતા આ ચબૂતરાને જોકે રંગરોગાન સહિતના થોડા સુધારાવધારાની જરૂર તો છે જ
અમદાવાદની પોળોના કેટલાય ચબૂતરા ગોળ છે, ષટ્કોણ કે અષ્ટકોણ આકારના છે. તેમાં જોવા મળતાં પથ્થરનાં શિલ્પો વચ્ચે પણ એક સામ્યતા વર્તાઈ આવે છે. થોડા ચબૂતરા એવા પણ છે જેની રચના અલગ છે. પરબડીની પોળ, જે કાલુપુરમાં દોશી વાડીની પોળ પાસે છે, તેમાં બે મકાનો વચ્ચે શેરીના નાકે આવેલો આ ચબૂતરો તેમાંનો એક છે.

જેની માલિકી વિશે આજે કોઈ પાકી માહિતી ઉપલબ્ધ નથી એવા આ ચબૂતરાનું ચણતર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. નીચેના ભાગમાં ચણ રાખવા માટેની ઓરડી, વચ્ચેના ભાગમાં જાળીદાર ખંડ અને તેની ઉપર ચબૂતરો, એવી તેની રચના છે. ચબૂતરાની નીચે વટેમાર્ગુઓ માટે બેસવાનો બાંકડો છે. ચણ નીરવા છેક ઉપરના ભાગ સુધી સહેલાઈથી પહોંચી શકાય તેના માટે અહીં નીચે પથ્થરનાં પગથિયાં અને પછી લોખંડની સીડી છે. ચણ ઉપરાંત પાણી માટે ઉપલા ભાગમાં કૂંડું પણ છે. નહીં નહીં તોય આ ચબૂતરો દોઢસો વરસ જૂનો હશે.
નીચેના ભાગમાં જડેલા આરસપહાણને લીધે આ ચબૂતરો વધુ સુંદર લાગે છે. તેનું મૂળ સ્ટ્રક્ચર યથાવત સચવાયું છે. આ પોળમાં આદેશ્વરદાદા ભગવાન અને ભગવાન મહાવીર સ્વામીનું દેરાસર છે જે અઢીસોથી ત્રણસો વરસ જૂનું હોવાનો અંદાજ છે. આપણાં ગામડાં કે નગરમાં જોવા મળતા ટાવર જેવી આ ચબૂતરાની રચના તેના તરફ ધ્યાન આકર્ષિત કરનારી છે.
અહીંના રહેવાસીઓ પક્ષીઓ માટે ચણ-પાણીની વ્યવસ્થા પોતપોતાની રીતે કરે છે. જોકે તેના માટે કોઈ અલાયદી કે કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. ચબૂતરાની નીચેના ભાગમાં એક દાનપેટી આજે પણ છે. બધી રીતે સરસ દેખાતા આ ચબૂતરાને જોકે રંગરોગાન સહિતના થોડા સુધારાવધારાની જરૂર તો છે જ. એ કરવામાં આવે તો ચબૂતરાની શાનમાં ઉમેરો થવાનો જ.
એકસરખા લાગતા કાગડાના જુદા જુદા પ્રકાર આ રહ્યા: ઘરનો કાગડો, કાળો કાગડો અને રાની કાગડો.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.