સાદગી અને સંસ્કાર પિતાએ વારસામાં આપ્યા. સાહિત્યપ્રેમે સંતોષ તથા સફળ કારકિર્દી આપી. પરગજુપણાએ બનાવ્યા સાલસ માનવી. એટલે જ આ વડીલ સર્વપ્રિય છે, સદૈવ સ્મિતસભર છે
“જોઈ લેજો, આ છોકરો કાંઈ ભણવાનો નથી. કશું ઉકાળશે નહીં. છેલ્લે બાપ-દાદાની કંદોઈની દુકાનમાં ભજિયાં તળશે.” જે બાળક માટે આવો નિર્ણય અને વર્તારો નાનપણમાં અપાઈ ગયો એ આગળ જતાં અસંખ્ય વિશ્વ વિદ્યાર્થીઓના લાડલા પ્રોફેસર તરીકે, લેખક તરીકે, સંચાલક તરીકે અને ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા સહૃદયી માનવી તરીકે નામના મેળવે એના વિશે સાનંદાશ્ચર્ય થાય એ સહજ. કપોળો ભાગ્યે જેમનાથી અપરિચિત હશે તેવા આ સહૃદયી એટલે બીજા કોઈ નહીં પણ પ્રોફેસર અશ્વિનભાઈ મહેતા.
જીવનના સાડાપાંચ દાયકામાં અનેક અનોખી ઘટનાઓના તેઓ સાક્ષી બન્યા છે. સરસ્વતીના સાધક તરીકે જ્ઞાનપ્રસારના પ્રણેતા બન્યા છે. એટલે તેઓ વિશ્વાસપૂર્વક જણાવે છે, “સરસ્વતીને પૂજનારા ક્યારેય દુઃખી ના થાય કે ના થાય નાસીપાસ.” અશ્વિનભાઈનું મૂળ વતન જાફરાબાદ, જે અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ. ૧૯૫૩માં તેમનો જન્મ માતા જયાલક્ષ્મી અને પિતા ડૉ. હરગોવિંદદાસના ઘરે થયો.
છ સંતાનોમાં પાંચ ભણવામાં આગળ, એકમાત્ર અશ્વિનની ગાડી ડામાડોળ. સ્વાભાવિક છે કે એવું બાળક માનસિક રીતે લઘુતાગ્રંથિનો શિકાર બની શકે. આજે એ દિવસોનું સંસ્મરણ જોકે પીડા કરતાં વધુ સંસ્મરણોની સુવાસ માણવાની બાબત છે, “કોને ખબર પણ મને ભણવામાં રસ ઓછો. એમાં વળી ગણિતમાં તો એવો કાચો… હું એસએસસી ત્યારે થઈ શક્યો જ્યારે પરીક્ષામાં મેં ગણિતના વિષયને પડતો મૂક્યો, બાકી…”
પિતાએ ૧૯૪૨ની ગાંધીજી પ્રેરિત ભારત છોડો ચળવળ વખતે જાફરાબાદ છોડી મુંબઈને કર્મભૂમિ બનાવી લીધી હતી. સંતાન અશ્વિનનો જન્મ આ શહેરમાં થયો. પરિવાર વસે ભૂલેશ્વર. ડૉક્ટર પિતા માટે બહોળા કુટુંબનો નિર્વાહ સહેલો નહીં અને બાળકોને ભણાવવાના મામલે તેઓ દૃઢ. તેથી બાળ અશ્વિનને મ્યુનિસિપાલિટી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ અપાવીને પણ સાક્ષરતાના માર્ગે વાળ્યો. પાંચમા ધોરણથી પ્રવેશ મેળવ્યો જી. ટી. સ્કૂલમાં. “મારાં ભાઈ-બહેનોમાં કોઈને ટ્યુશનની જરૂર પડતી નહીં. મને પડતી. ઘરે ભણાવવા આવે એ શિક્ષકો બાપડા માતા જયાલભીબહેનને સાંત્વન આપે કે ચિંતા કરો મા, થઈ જશે કંઈક આનું પણ, પાછું શું છે કે પાંચેય આંગળીઓ સરખી હોતી નથી.”
સંતાનો પુખ્ત થતાં ગયાં તેમ તેમને થાળે પાડવાનો ક્રમ શરૂ થયો. અશ્વિનથી મોટાભાઈ ચંદ્રકાંતભાઈનાં વેવિશાળ થયાં સરલા સાથે. દિયરના વ્યક્તિત્વને પારખીને તેઓ તેમને લઈ ગયા અમૃતલાલ યાજ્ઞિક પાસે, જેઓ ત્યારે મીઠીબાઈ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા. અશ્વિનભાઈ કહે છે, “ભાભીનાં ખાસ બહેનપણી યાજ્ઞિકસાહેબનાં દીકરી. મારું ઇન્ટર થઈ ચૂક્યું હતું. યાજ્ઞિકસાહેબની સલાહ અનુસરતાં મીઠીબાઈ કોલેજમાં પ્રવેશ લઈ મેં ગુજરાતી તથા હિન્દીમાં બી.એ.નો અભ્યાસ શરૂ કર્યો.” ગાડી પાટે ચડી. આગળ તેમણે એમ.એ. અને એમ. ફિલ. પણ કર્યું. આ બધાં વચ્ચે શરૂ થઈ ચૂક્યો હતો ભાષા સાથેનો ક્યારેય નહીં છૂટનારો લગાવ.
ભણતાં ભણતાં જાગેલા લેખનપ્રેમથી પ્રેરાઈને અશ્વિનભાઈએ અખબારોમાં ચર્ચાપત્રો લખવા માંડ્યા. તે જોઈને સાહિત્યનાં સાધિકા ડૉ. ધૈર્યબાળાબહેન વોરાએ, જન્મભૂમિના તેમના સંપાદિત વિભાગ સંસારચક્રમાં લખવા આમંત્રિત કર્યા, “એ લખાણના પુરસ્કાર તરીકે પાંચ-દસ રૂપિયાના મનીઓર્ડર આવતા. ત્યારે ખબર પડ્યું નાણાંનું મહત્ત્વ.” સાથે પ્રશ્ન ઉદ્ભવ્યો નિશ્ચિત અને નિયમિત આવકનો. ચર્ચાપત્રો સાથે અશ્વિનભાઈ જાહેરાત એજન્સી માટે ભાષાંતરનું, જિંગલ્સ લખવાનું તથા યશવંત દોશીના પ્રોત્સાહનથી પુસ્તકના અવલોકન લખવાનું કામ પણ કરતા હતા.
આ તબક્કે ભાભીએ અને યાજ્ઞિકસાહેબે ફરી અશ્વિનભાઈનું માર્ગદર્શન કર્યું, “મને તેમની ભલામણથી પાર્લાની મીઠીબાઈ કોલેજમાં કલાકના પંદર રૂપિયા લેખે લેક્ચરરશિપ મળી. એ કામ ક્યારેય કર્યું નહોતું તેથી, પહેલા લેક્ચર વખતે એવો અટવાયો કે દસ મિનિટમાં લેક્ચર પૂરું!” સદનસીબે, પ્રિન્સિપાલે અશ્વિનભાઈને માર્ગદર્શિત કર્યા અને એકાદ અઠવાડિયામાં બધું પાટે ચડી ગયું.
દરમિયાન, ૧૯૮૦માં હંસાબહેન અને દ્વારકાદાસ સંઘવીનાં દીકરી ભારતીબહેન સાથે તેમનાં લગ્ન થયાં. ભારતીબહેન મૅ એન્ડ બૅકરમાં નોકરી કરે. આ તરફ યાજ્ઞિકસાહેબની નિવૃત્તિ પછી પ્રો. ઉષા સટ્ટાવાલા મીઠીબાઈમાં ગુજરાતી વિભાગનાં વડાં બન્યાં. તેમણે અશ્વિનભાઈને કોલેજમાં પૂર્ણકાલીન લેક્ચરરશિપ ઓફર કરી. નિમણૂક થઈ અશ્વિનભાઈના આદર્શ મનસુખલાલ ઝવેરી હસ્તક. જોકે ભારતીબહેનનો પગાર હજાર તો અશ્વિનભાઈનો છસો રૂપિયા!
જીવન આ દરમિયાન ધીમેધીમે થાળે જરૂર પડવા માંડ્યું. ૧૯૮૧માં દીકરા નીરવ અને ૧૯૮૩માં જિગરના જન્મ પછી ટાઉનથી કાંજુરમાર્ગ જઈ નોકરીને ન્યાય આપવો અઘરો થતાં, ભારતીબહેને નોકરી મૂકી દીધી. એ વરસે પરિવાર શિફ્ટ થયો બોરીવલી. જુનિયરમાંથી સિનિયર પ્રોફેસર અને પછી ગુજરાતી વિભાગના વડા બનવા સહિત અશ્વિનભાઈએ કારકિર્દીમાં પ્રગતિ સાધવા માંડી. ઉપરાંત, પરાગ વિજય દત્ત ડ્રામા એકેડમી, હરકિસન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ જર્નલિઝમના કોઓર્ડિનેટર તરીકે સેવા, મુંબઈ યુનિવર્સિટીમાં ૧૭ વરસ એમ.એ.ના વર્ગમાં ગુજરાતી પત્રકારત્વના વિષયનું માર્ગદર્શન, ત્યાં જ બોર્ડ ઓફ ગુજરાતી સ્ટડીઝના ચેરમેન તરીકે સેવા તો આર્ટ્સ ફેકલ્ટીમાં તથા, રિસર્ચ એન્ડ રિકગ્નિશન કમિટીના સભ્ય તરીકે સેવા, ટીવાયબીએ માટે બોર્ડ ઓફ એક્ઝામિનર્સ તથા ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિસ્ટન્સ એજ્યુકેશન્સની એક્ઝામિનેશન કમિટીના ચેરમેન…
અનેક સેવાઓથી, પદોથી અશ્વિનભાઈનાં કાર્યકાળનાં વર્ષો ઝળહળ્યાં. ઉદ્યોષક તરીકે ફિલ્મ ડિવિઝનમાં ત્રણસોથી વધુ દસ્તાવેજી ફિલ્મો, લઘુપટો, ન્યુઝરીલ્સ, આકાશવાણી-દૂરદર્શનના કાર્યક્રમો સહિત પૂજ્ય ડોંગરે મહારાજ, પૂજ્ય મોરારિબાપુ, પૂજ્ય રમેશ ઓઝાની કથાનું તથા આરંગેત્રમનું સંચાલન પણ કર્યું. લગ્ન સમારંભના સંચાલક તરીકે પ્રસ્થાપિત થઈને તેઓ દેશ-વિદેશ ફરે છે.
કપોળ સમાજમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. કપોળ સમાજ દર્પણના પૂર્વ સહસંપાદક, કપોળમિત્ર માસિક માટે કટારલેખક તરીકે પ્રવૃત્ત રહેવા સાથે તેમને કપોળ ઇન્ટરનેશનલ ટ્રેડ આન્ત્રેપ્યોનરનો એવોર્ડ પણ એનાયત થયો છે. આધ્યાત્મિકતાને વધુ અનુસરનારા, યોગેશ્વર મહારાજ, નિર્મોહીમાતા, નિર્મળદેવી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ તથા રમણ મહર્ષિથી પ્રભાવિત એવા અશ્વિનભાઈ જીવનની બારીકીઓનું પૃથ્થકરણ કરતાં વિરમે છે, “ગાંધીવાદી પિતા, તેમનો ખાદી પહેરવાનો અને સ્વાવલંબી બનવાનો આગ્રહ અમને ફળ્યો. વાંચનના શોખે મને સાહિત્યનો સંગાથી બનાવ્યો. ધર્મને સમભાવ ગણતા હું મંદિરોની દાનપેટી છલકાવવાને બદલે જરૂરિયાતમંદોને મદદ કરતા શીખ્યો. આ બધાં થકી જે આત્મસંતોષ અનુભવું છું એ વિશે જણાવવાનું શું? એટલું કહીશ કે આ બાબતો જે કોઈ અપનાવશે એને જીવન ફળશે.”
મીઠીબાઈ કોલેજમાં કલાકના પંદર રૂપિયા લેખે લેક્ચરરશિપ મળી. એ કામ ક્યારેય કર્યું નહોતું તેથી,
પહેલા લેક્ચર વખતે એવો અટવાયો કે દસ મિનિટમાં લેક્ચર પૂરું!
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.