મિશ્ર વસતિ ઘરાવતી આ પોળ મોકળાશભર્યું બાંધકામ અને ઘટાદાર વૃક્ષોની ઉપસ્થિતિમાં ચબૂતરા માટે એકદમ ઉપયુક્ત સ્થાન છે

વડી કોટડીની પોળમાં દાખલ થતાં જ શહેરની દડમજલથી દૂર એક શાંત અને નિરાંતભર્યા સ્થાને આવી ગયા હોવાની અનુભૂતિથી થયા વિના રહેતી નથી.
આવી આ પોળમાં મિશ્ર વસતિ છે. મોકળાશભર્યું બાંધકામ અને ઘટાદાર વૃક્ષોની ઉપસ્થિતિમાં ચબૂતરા માટે આ એક ઉપયુક્ત સ્થાન છે. આ પોળમાં એક નહીં પણ બે બે ચબૂતરા છે. પોળમાં રહેતા લોકોનાં હૃદયમાં છલકતા કરુણાભાવનાં પ્રતીક આ ચબૂતરા છે.
પોળનો આ જૂનો, લાકડાનો ચબૂતરો આશરે ૨૦૦ વર્ષથી વધારે જૂનો છે. કહેવાય છે કે તેનું બાંધકામ શાંતિલાલ છોટાલાલ ભાવસાર પરિવારે કરાવ્યું હતું. હાલમાં પણ ભાવસાર પરિવાર તેની દેખભાળ રાખે છે. સ્થાનિકો સ્વેચ્છાએ દાણા નાખે છે.
હાલમાં ચબૂતરાને યોગ્ય સમારકામ અને સુધારા-વધારાની જરૂરિયાત છે એ તેની સ્થિતિનો કયાસ કાઢતાં અનુભવી શકાય છે. સાગના લાકડાના બનેલા મજબૂત થાંભલા પર આ ચબૂતરો ઊભો છે. આ થાંભલાને લીધે એ ભૂકંપની ટક્કર ઝીલી શક્યો હતો. ઉપરની છતનાં પતરાં બે વર્ષ પહેલાં કટાઈ જવાને કારણે ચબૂતરો કંઈક અંશે જોખમી પણ બન્યો હતો. પછી સાવચેતીના પગલાંરૂપે ચબૂતરાના ઉપરનું છાપરું કાઢી નાખવામાં આવ્યું હતું.
હાલમાં પણ આ ખુલ્લો ચબૂતરો કાર્યાન્વિત છે. ચબૂતરામાં આવશ્યક સુધારા કરવા માટે ભાવસાર પરિવાર ઉત્સુક છે પણ તે માટે પરિવારે નિશ્ચિત રૂપરેખા બનાવી નથી. જો આવા સહૃદયી પરિવારને ચબૂતરાના નિભાવમાં સમાજનો સાથ મળે તો તેના થકી ચબૂતરાનો પુનરુદ્ધાર પણ થઈ શકશે અને પંખીઓની વધુ સારી સેવા પણ થઈ શકશે. યોગ્ય વ્યવસ્થા અને સહકાર થકી આ ચબૂતરો પુનઃ ધમધમતો બની જશે.
Compassion is the basis of morality.
– Arthur Schopenhauer
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.