વિકી કૌશલની ઐતિહાસિક એક્શન ફિલ્મ, છાવા, બોક્સ ઑફિસ પર તહેલકો મચાવી રહી છે. રિલીઝના પહેલા ત્રણ દિવસમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹100 કરોડની ગંજાવર કમાણીનો આંકડો પાર કરી દીધો છે. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન્સ ડેએ દર્શકો સમક્ષ ફિલ્મ આવી હતી. રોમાંચક કથા અને શાનદાર અભિનયથી એણે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. પરિણામે, જોતજોતામાં છાવા 2025ની સૌથી વધુ કમાણી કરનારી બોલિવુડ ફિલ્મ બની ગઈ છે.

પ્રથમ દિવસે છાવાએ ₹31 કરોડની શાનદાર આવક નોંધાવી હતી. એ સાથે ફિલ્મો વેલેન્ટાઇન્સ ડેએ રિલીઝ થનારી બોલિવુડની ફિલ્મોના મામલે નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. એની પહેલાં ગલી બોયના નામે આ રેકોર્ડ બોલી રહ્યો હતો. એ ફિલ્મો રિલીઝના દિવસે ₹19.40 કરોડનો વેપલો બોક્સ ઓફિસ પર નોંધાવ્યો હતો. શનિવારે પણ છાવાના ઝંડા ફરફરતા રહ્યા હતા. શનિવારે ફિલ્મે ખરેખર તો કલેક્શનમાં વૃદ્ધિ નોંધાવી હતી. એ દિવસે કલેક્શન 19.35% વધીને ₹37 કરોડ પર પહોંચી ગયું હતું.
ત્રીજા દિવસે એટલે કે રવિવારે તો કલેક્શનમાં એનાથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. છાવાએ રજાના આ દિવસે આશરે ₹48.5નું કરોડનું શાનદાર કલેક્શન નોંધાવ્યું હતું. એકંદરે, રિલીઝના વીકએન્ડના ત્રણ દિવસમાં ભારતમાં ફિલ્મની કુલ કમાણી ₹116.5 કરોડને આંબી ગઈ હતી. ફિલ્મના આવા શાનદાર પરફોર્મન્સે એટલું સુનિશ્ચિત કરી દીધું છે કે પહેલું અઠવાડિયું પૂરું થશે ત્યાં સુધીમાં છાવા બ્લોકબસ્ટર બની ગઈ હશે.
રોમાંચક કથા, દમદાર એક્શન સિક્વન્સ અને ઉત્તમ અભિનય માટે આ ફિલ્મ ચોમેરથી પ્રશંસા મેળવી રહી છે. વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજના પાત્રમાં દર્શકોને બેહદ ગમ્યો છે. વીકીનો વધતો સ્ટાર પાવર પણ ફિલ્મની તરફેણમાં કામ કરી રહ્યો છ. એમાં રશ્મિકા મંદાનાની હાજરી સોનામાં સુગંધ ભળવા જેવી બાબત બની રહી છે. બેઉ વચ્ચેની સ્ક્રીન કેમિસ્ટ્રી પણ લોકચર્ચાનો વિષય બની છે. એને માણવા દર્શકો સિનેમા હોલ્સ તરફ ખેંચાતા જઈ રહ્યા છે.
નોંધનીય છે કે છાવાએ એના કલેક્શનના પ્રારંભિક બોક્સ ઑફિસ અંદાજોને પાછળ મૂકી દેવા સાથે અન્ય ફિલ્મોને પણ પછાડી દીધી છે. અક્ષય કુમારની સ્કાય ફોર્સ અને હિમેશ રેશમિયાની બૅડૅસ રવિકુમાર બેઉની આગેકૂચ પર છાવાએ પોતાની વિજયી તલવારથી વાર કર્યો છે. ઇન ફેક્ટ, પહેલા ત્રણ દિવસમાં એ આ વરસની સૌથી વધુ આવક રળનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મના બોક્સ ઓફિસ પર આ અકલ્પનીય દેખાવ માટે એના તગડા પ્રચાર, રિલીઝના વિચારશીલ સમય અને દર્શકો તથા સમીક્ષકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિભાવ કામ કરી ગયા છે.
સવાલ એ થાય કે શું છે છાવાની આવી સફળતાનું રહસ્ય? તો, એના સુપર બોક્સ ઑફિસ પરફોર્મન્સ માટે નીચેનાં પરિબળો જવાબદાર છે:
રોમાંચક કથા: છાવાનો ઐતિહાસિક એક્શન ડ્રામા દર્શકો સાથે તાદાત્મય સાધી શક્યો છે. એમાં દેશભક્તિ, એક્શન અને ભાવનાનો સભગ સમન્વય થયો છે.

સ્ટાર પાવર: વિકી કૌશલની વધતી લોકપ્રિયતા અને એના શક્તિશાળી અભિનયે દર્શકોને પણ આકર્ષવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
સકારાત્મક મૌખિક પ્રચાર: સોશિયલ મીડિયા પર ફિલ્મીની ચર્ચા સારી થઈ રહી છે. વિવેચકોની ફિલ્મની તરફેણમાં આવેલી સમીક્ષાઓએ પણ દર્શકોની રુચિવૃદ્ધિ કરી છે.
યોગ્ય સમયની રજૂઆતઃ વેલેન્ટાઇન્સ ડે પર રિલીઝ થવાથી છાવાને સારું ઓપનિંગ વીકએન્ડ મળી શક્યું છે.એણે પણ દર્શકોને ફિલ્મ જોવાને પ્રેર્યા છે.
અને હા, અક્ષય ખન્ના ઝિંદાબાદઃ સો વાતની એક વાત. છાવાની તાકાતનો જશ જેટલો વિકી કે ઉત્તેકરને આપવો રહ્યો એટલો જ, એનાથી એક રતીભાર ઓછો નહીં એટલો, અક્ષય ખન્નાને આપવો રહ્યો. ખરા અર્થમાં એ ફિલ્મની જાન છે. એનો અભિનય જોઈને અચ્છા અચ્છા મોંમાં આંગળા નાખી જશે. સમગ્ર ફિલ્મમાં એ માત્ર અને માત્ર ઔરંગઝેબ લાગે છે. એટલું નક્કી છે કે ભલે સફળતાની પ્રારંભિક વાહવાહ અન્ય કલાકારોને ફાળે જઈ રહી છે પણ તવારીખ છેલ્લે એ વાતની સર્વ નોંધ લેશે કે છાવાની સફળતામાં અક્ષય ખન્નાનો સિંહફાળો હતો. માન ગયે.

મજાની વાત એ છે કે આવતાં બે અઠવાડિયાં સુધી બોલિવુડ કોઈ એવી ફિલ્મની રિલીઝ જોવાનું નથી જેમાં વિકી-રશ્મિકાનાં ટક્કરનાં સ્ટાર્સ હોય. મેરે હસબન્ડ કી બીવી આવતા અઠવાડિયે આવશે ખરી. એમાં અર્જુન કપૂર, ભૂમિ પેડણેકર અને રકુલ પ્રીત સિંઘ જેવાં કલાકારો છે છતાં, એની છાવા સાથે તુલના થઈ શકે નહીં. એ રીતે જોતાં છાવા માટે હજી ઘણા દિવસ મોકળું મેદાન છે. નિષ્ણાતોના મતે પ્રારંભિક સફળતાની રફ્તાર જો જારી રહી તો છાવા પહેલા અઠવાડિયે જ ₹200 કરોડનો ટપ્પો પાર કરી શકે છે. વિકી કૌશલ, રશ્મિકા મંદાના, નિર્માણ કંપની મેડોક ફિલ્મ્સના દિનેશ વિજન અને દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકર માટે આનાથી સારા સમાચાર કયા હોઈ શકે?


