રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને તથા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષભાઈ સંઘવી, દેશ-વિદેશથી પધારેલા અગ્રણીઓ તેમ જ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એનએપએસયુ)નો તૃતીય પદવીદાન સમારોહ હાલમાં યોજાયો હતો. વિવિધ ફેકલ્ટીઝના કુલ 1,562 વિદ્યાર્થીઓને તેમાં પદવી એનાયત કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિએ ઉતીર્ણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં ન્યાય આધારિત વિકસિત ભારતના નિર્માણમાં તેમની મહત્ત્વની ભૂમિકા બાબતે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. મુર્મુએ વિવિધ ક્ષેત્રમાં અને દેશ-વિદેશમાં સંસ્થાના વ્યાપનો ઉલ્લેખ કરવા સાથે દેશની સુદ્રઢ ન્યાયપ્રણાલી અને ફોરેન્સિક એક્સપર્ટ્સની મહત્તા અંગે પણ સૌને જણાવતાં પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

પટેલે આ અવસરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ સ્થાપિત એનએફએસયુ ફોરેન્સિક ક્ષેત્રમાં શિક્ષણ અને સિદ્ધિઓ થકી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત સંસ્થા બની છે. તેમણે પદવી પ્રાપ્ત કરનારા સૌ વિદ્યાર્થીઓને ગુનાખોરી મુક્ત, સુરક્ષિત અને વિકસિત ભારતના નિર્માણમાં તેમના વિશિષ્ટ કૌશલ્ય થકી યોગદાન આપવા પ્રેરણા આપવા સાથે વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના આપી હતી.