પાકિસ્તાનના 241 રનના લક્ષ્યાંકને ભારતે 42.3 ઓવરમાં આંબી લીધું. મેન ઓફ મેચ વિરાટ કોહલીએ અણનમ રહી કારકિર્દીની 51મી વન-ડે સદી ફટકારી. ભારતનું સેમી ફાઇનલમાં પહોંચવું લગભગ તય. પાકિસ્તાન પર ટુર્નામેન્ટ બહાર ફેંકાઈ જવાનો ભય.
ભારતીયોની આશાને ચાર ચાંદ લગાડતાં આપણી ક્રિકેટ ટીમે રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને ભૂંડો પરાજય ભેટ દીધો હતો. ટોસ જીતવા છતાં પાકિસ્તાન એનો કોઈ ફાયદો ઉઠાવી શક્યું નહોતું. પહેલાં બેટિંગ અને પછી ફિલ્ડિંગમાં પાકિસ્તાન સદંતર નિસ્તેજ અને અસમર્થ ટીમ સાબિત થયું હતું. મેચમાં વિરાટ કોહલીએ શાનદાર શતક નોંધાવવા સાથે વન-ડે કારકિર્દીના 14,000 રનનું મહત્ત્વનું સીમાચિહ્ન પાર કર્યું હતું.
દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી કટ્ટર પ્રતિસ્પર્ધીઓ વચ્ચેની મેચનો બપોરે પ્રારંભ થયો હતો. મહમ્મદ રિઝવાનના સુકાનમાં પાકિસ્તાન ટોસ જીત્યું હતું. પહેલાં બેટિંગ લેતાં પાકિસ્તાને ઠીકઠીક શરૂઆત કરી હતી. ધીમા પણ મક્કમ દરે રન બનાવતા ટીમ એક તબક્કે સંગીન સ્થિતિમાં પહોંચવા યોગ્ય જણાતી હતી. ખાસ તો 47 રને બે વિકેટ પછી ત્રીજી વિકેટની ભાગીદારીમાં મહમ્મદ રિઝવાન અને સાઉદ શકીલે સોથી વધુ રન ઉમેરી દીધા ત્યારે. જોકે અક્ષર પટેલે રિઝવાનને ક્લીન બોલ્ડ કર્યા પછી પાકિસ્તાનની હાલત છેલ્લે સુધી પ્રવાહી રહી હતી. પછી તૈયબ તાહિર અને સલમાન આગાએ બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો છતાં, ટપોટપ વિકેટ્સ તો પડતી જ રહી હતી. છેલ્લે, પાકિસ્તાન એની પચાસ ઓવર પૂરી કરવાના બે બોલ પહેલાં જ, 241 રનમાં તંબુભેગું થઈ ગયું હતું.
ભારત વતી બોલિંગ કરતાં કુલદીપ યાદવે નવ ઓવરમાં 40 રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી. હાર્દિક પંડ્યાએ આઠ ઓવરમાં 31 રન આપીને બે વિકેટ લીધી હતી. હર્ષિત રાણા, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ મેળવી હતી. બે બેટ્સમેન રનઆઉટ થયા હતા.
પાકિસ્તાનની સમગ્ર ઇનિંગ્સ એવી સાધારણ હતી કે ક્યાંય એવું લાગ્યું નહોતું કે ભારત જેવા પ્રતિસ્પર્ધી સામે એ મેદાનમાં છે.

વળતા જવાબમાં ભારતે બહુ આસાનીથી રમતને પોતાની તરફેણમાં જાળવી રાખી હતી. ઓપનિંગ બેટ્સમેન, સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે, સંગીન શરૂઆત કરી હતી. પહેલી વિકેટ રોહિતની પડી ત્યારે બોર્ડ પર 31 રન હતા. પછી શુભમન અને વિરાટ કોહલીએ કોઈ ભૂલ નહીં કરતા પાકિસ્તાની બોલર્સને હતોત્સાહ કરી નાખ્યા હતા. શુભમનની વિકેટ ભારતના સો રનના સ્કોરે ખરી હતી. એ સમયે શુભમન અડધી સદીથી ચાર રન દૂર હતો. એના સ્થાને આવેલા શ્રેયસ ઐયરે કોહલીનો સબળ સાથ આપ્યો હતો. બેઉએ મળીને 114 રન ઠોકી દીધા હતા. ઐયર 56 રન કરીને આઉટ થયો ત્યાર સુધીમાં મેચ સંપૂર્ણપણે ભારતની તરફેણમાં આવી ગઈ હતી. પછી હાર્દિક પંડયાએ આઠ રનના વ્યક્તિગત સ્કોરે વિદાય લીધી હતી પણ વિકેટનું પડવું ગૌણ બાબત થઈ ગઈ હતી. અણનમ રહેતાં વિરાટ કોહલીએ ચોગ્ગાથી મેચને સમાપ્ત કરવા સાથે, એની મદદથી પોતાની એકાવનમી વન-ડે સદી પણ પૂરી કરી હતી.
ભારતે એનું ટારગેટ 42.3 ઓવરમાં પાર કરી લીધું હતું. છ વિકેટની આ જીત સાથે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત બીજી જીત નોંધાવી છે. એ સાથે ગ્રુપ એમાં ભારત ટોચના સ્થાને પહોંચ્યું છે. એના લીધે ભારતનું સેમી ફાઇનલમાં પહોંચવું લગભગ તય છે. રહી વાત પાકિસ્તાનની તો લગાતાર બે પછડાટ પછી ટુર્નામેન્ટમાંથી એની વહેલી વિદાય થવાની શક્યતા નિર્માણ થઈ છે.

આ પણ જાણી લો
- સમગ્ર મેચ, પહેલેથી છેલ્લે સુધી, ભારતની તરફેણમાં રહી હતી. પાકિસ્તાન એકદમ નિસ્તેજ અને પડકાર ફેકવા અસમર્થ ટીમ સાબિત થઈ હતી.
- વિરાટ કોહલીએ કારકિર્દીની એકાવનમી વન-ડે સદી ફટકારી હતી. સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર થવાનું બહુમાન પણ એ ખાટી ગયો હતો.
- વિરાટ કોહલીને આજની મેચના પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
- પાકિસ્તાન માટે સન્માનજનક સ્કોર ખડો કરવામાં સાઉદ શકીલના 62 રન અને રિઝવાન 46 રન મહત્ત્વના રહ્યા હતા.
- પાછલા બેટ્સમેનનમાં ખુશદિલ શાહે 39 બોલમાં 38 રન ફટકારીને પાકિસ્તાનને 200 પાર કરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
- ગ્રુપ મેચમાં હવે ભારત આવતા રવિવારે ન્યુ ઝીલેન્ડ સામે ટકરાશે. મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.