પહેલાં ચૂંટણી વખતે રાજકીય પક્ષો કલ્યાણ યોજનાઓ, રાહતો કે નવી સહાય યોજનાઓ, રસ્તાઓ, મકાનો બાંધવાનાં વચનો આપતાં હતાં. જોકે ખાનગીમાં કેટલાક પક્ષો ચાલીઓ, શેરીઓમાં દારૂ અને પૈસાની રેલમછેલ પણ કરતા હતા. હવે રાજકીય પક્ષો ચૂંટણી જીતવા, મતદારોને રિઝવવા મફત ચીજવસ્તુઓ, સવલતો અને દેવામાફીની લહાણી કરવા લાગ્યા છે. અમુક યુનિટ વીજળી મફત, પાણી મફત, ગેસ સિલિન્ડર મફત, બસમાં મુસાફરી મફત, લોન માફ, લેણાં વીજળી બિલ માફ, લોનના હપ્તા માફ, વ્યાજ માફ, અઢળક સબ્સિડી…

ઘણી લાંબી યાદી થાય એમ છે. રાજકીય પક્ષો ચૂંટણી આવે એટલે એકબીજાથી ચડિયાતી લહાણીઓ અને મફતિયાં વચનોથી છલકતા ઢંઢેરા બહાર પાડે છે. આમ આદમી પાર્ટી આવી ઘણી લહાણી કરીને અને સત્તામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એને રેવડી કહીને વખોડી હતી. પરંતુ હવે એવી રેવડી આપવામાં કોઈ પક્ષ પાછળ નથી.
હાલમાં દિલ્હીમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ, ત્રણેય પક્ષોએ રેવડીઓની લહાણી કરી હતી. હંમેશાં વિકાસના મુદ્દાને ચગાવતા ભાજપે આ વખતે આમ આદમી પાર્ટીથી ચડિયાતી રેવડીઓ જાહેર કરી હતી. આ રેવડીઓ દેશમાં, સમાજમાં કેવી ખરાબ અસર પેદા કરશે? પ્રજા દર વખતે મફતની લહાણીઓની અપેક્ષા રાખતી થઈ જશે. રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા રેવડીઓ વહેંચવાની ફરજ પડશે. તેના કારણે દેશ કે રાજ્યની તિજોરી પર મોટો બોજો પડશે. રેવડીઓ પાછળ ગંજાવર ખર્ચને કારણે વિકાસનાં કામો પાછળ નાણાં ઓછાં ખર્ચાશે, જે નુકસાનકારક છે. વળી, જે આવકવેરો ભરે છે તેવો મધ્યમ વર્ગ એના કારણે નારાજગી અનુભવશે કેમ કે તેને રેવડીઓનો બહુ લાભ મળતો નથી, ઊલટું તેના ટેક્સનાં નાણાં મફતિયા યોજનાઓ પાછળ ખર્ચાય છે તેને જોઈને તે કચવાશે.

એક ખરાબ સિલસિલો શરૂ થયો છે તેને રોકવો પડે. હા, ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ હોવી જોઈએ, પણ રેવડીઓ અને કલ્યાણકારી યોજનાઓ વચ્ચે મોટો ફરક છે.
બુધવારે સુપ્રીમ કોર્ટે પણ આવા વલણ પર ટકોર કરી છે. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન આપવામાં આવતાં મફતનાં વચનો પર નારાજગી વ્યક્ત કરી હતી. કહ્યું કે જો લોકોને મફતમાં રેશન અને પૈસા મળતાં રહેશે તો તેમને કામ કરવાની ઇચ્છા નહીં રહે. ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે એક અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી. અરજીમાં શહેરી વિસ્તારોમાં બેઘર લોકોને આશ્રય આપવાની માગ કરવામાં આવી હતી.

ન્યાયમૂર્તિ ગવઈએ કહ્યું હતું કે આ કહેવું દુઃખદ છે પરંતુ શું બેઘર લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ ન કરવા જોઈએ, જેથી તેઓ પણ દેશના વિકાસમાં યોગદાન આપી શકે? શું આપણે આ રીતે પરોપજીવીઓનો એક વર્ગ નથી બનાવી રહ્યા? મફત યોજનાઓને કારણે, લોકો કામ કરવા માગતા નથી. તેમને કોઈ કામ કર્યા વિના મફત રેશન મળી રહ્યું છે.
ચિંતાની વાત એ કે મફતિયા યોજનાઓથી લોકોનું ખાસ ભલું થશે નહીં. તેનાથી ખોટી ટેવ પડશે અને અપેક્ષાઓ વધશે. તેના બદલે બેઘર લોકોનો આશ્રય મળે, ગરીબોને કામ મળે, બેકારોને રોજગાર મળે, આર્થિક રીતે પછાત અને દલિતોને આર્થિક સહાય મળે કે જેથી તેઓ પગભર બને એવી યોજનાઓ લાવવી જોઇએ.
શું લાગે છે તમને?
Photo – Supreme court