સમાંતર પ્રવાહના દિવસોમાં ઇન્ટરનેટ, ટેક્નોલોજી, મોબાઇલ વગેરે કામ પર આટલાં હાવી નહોતાં થયાં. બટર પેપર પર તૈયાર કરેલું છાપું પ્રિન્ટમાં જતું. કચકચાવીને સંશોધન કરવું પડતું. એક ક્વોટ લેવા ઘણીવાર સંઘર્ષ કરવો પડતો. અખબારના તંત્રી, મારા ગુરુ અને પ્રસિદ્ધ મીડિયા બ્રાન્ડ હોટલાઇન ન્યુઝના સ્થાપક-તંત્રી વિક્રમભાઈ વકીલ, હસમુખ ગાંધી એટલે આપણા ગાંધીભાઈ, હીરેનભાઈ મહેતા વગેરે પાસેથી નાના પ્રકારે પત્રકારત્વ, સંશોધન, લેખન સહિત તસવીર, મથાળું, લેખની શરૂઆત અને એના અંતનું મહત્ત્વ સમજવું પડતું. ટૂંકમાં, તેલ નીકળી જતું પણ એ હતું બહુ સ્વાદિષ્ટ.
લેખન, ફોટોગ્રાફી, લેઆઉટ વગેરેના મહત્ત્વ અને એડિટિંગની કળા જાતઅનુભવે શીખવી પડતી. જો એમ ના થાત તો એટલું નક્કી કે આજે આ ક્ષેત્રમાં હોવાનો જે આનંદ છે એ કોઈ કાળે ના મળ્યો હોત.
આજે વરવી સ્થિતિ છે. પત્રકારત્વનાં લગભગ તમામ પાસાં ઇન્ટરનેટનાં ઓશિયાળાં છે. લખવું હોય તો ઇન્ટરનેટ, તસવીર હોય તો ઇન્ટરનેટ, ડિઝાઇન હોય તો ઇન્ટરનેટ… અહીં મૂકેલી તસવીર પણ ઇન્ટરનેટની દેન છે… મુદ્દે, સ્વાનુભવ, સંઘર્ષ અને એના મીઠા પરિણામનો આનંદ સાવ મોળો પડ્યો છે.
આ એટલે લખી રહ્યો છું કે માંગરોળ મલ્ટીમીડિયાનાં પંદરેક વરસમાં અનેક ટ્રેઇની, જુનિયર અને અમુક સિનિયર મીડિયાપરસન્સને મેં નજીકથી જોયા છે. ઘણાને મારી કંપનીમાં તક આપી છે. અમુક ઘડાયા તો અમુકે મને કશુંક નવું શીખવ્યું છે. પણ, હવેની વિચારપ્રક્રિયા જોઈને ખાસ્સો હતપ્રભ થતો રહું છું. ઇન્ટરનેટે સૌનાં મગજ કુંઠિત કરી નાખ્યાં છે. પારકા વિચાર હવે સર્જનનું કેન્દ્રબિન્દુ બને છે. લખાણ, તસવીરની મહત્તા, લેઆઉટની અક્કલ કેળવવાની કોઈને જાણે તસદી લેવી નથી. બાકી હતું એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પતાવવાને સજ્જ છે.
એ સમયે સૌપ્રથમ કામ થતું ચર્ચાનું. પછી કાગળ પર મહેનત થતી. લેખ અને ડિઝાઇન, બેઉ મોરચે. મહેનત ખાસ્સી પડતી પણ પરિણામ મૌલિક મળતાં. ચોરી કરવાની આવી વૃત્તિ ત્યારે નહોતી. અમુક કામમાં પત્રકારત્વમાં સદૈવ અને સર્વત્ર ચોરી થાય છેે, એ માન્ય. એ મુદ્દાને છંછેડવાની અહીં જરૂર નથી. લેખન, ફોટોગ્રાફી, ડિઝાઇન વગેરેમાં ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં, પ્રવેશતા નવા લોકો આમ પણ ઓછા છે. એ પણ પાછા ઇન્ટરનેટના ગુલામ. ફિલ્ડ વર્ક કોઈને કરવું નથી. ગૂગલદેવ આપે એ એમનું જ્ઞાન અને એના મુજબ પરિણામ.
કલ્પનાશક્તિ વિના, પ્રશ્નો વિના, કુતૂહલ વિના કે ભૂલો કર્યા વિના નાવીન્ય, નોખાપણું, ઉત્તરપ્રાપ્તિ કે સારું સર્જન શક્ય નથી એ વાત ગૂગલે ભુલાવી દીધી છે. વિચારવાનું, સર્જવાનું કામ હવે ગૂગલ કરે, સાસ (સોફ્ટટવેર એઝ અ સર્વિસ)ના પ્રમોટર્સ કરે. એઆઈ કરે. આપણે બસ આંધળું અનુકરણ કરીને પોરસાતા રહીએ કે મેં કંઈક કામ કર્યું.
અટકો, બાપડા. જાત ઘસો અને અખતરા કરો. બાકી એક દિવસ એવો આવશે જ્યારે સર્જનશક્તિ મોંઘી જણસ થઈ જશે. એને આપણે અમેરિકા અને યુરોપથી આયાત કરવી પડશે. આયાત કરશું ત્યારે ખબર પડશે કે આ સર્જનશક્તિ જેમણે આપણા સુધી પહોંચાડી એ કંપનીઓમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા લોકોમાં એવા ભારતીય વિરલાઓ પણ છે જેમણે ગૂગલ કે સાસ કે એઆઈ એવા કોઈ ચમરબંધીની ગુલામી સ્વીકાર્યા વિના મગજ કસવાનું કામ વટભેર કર્યું હતું…
(મૂળે 29 જૂન 2022માં ફેસબુક પર લખાયેલી પોસ્ટ. થોડા સુધારા સહિત અહીં પુનઃ મુદ્રિત)