આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે ટૂંકમાં એઆઈ તરીકે ઓળખાય છે, તેના યુગની શરૂઆત થઈ ગઈ છે. એઆઈ અંગે ઘણી દહેશત અને શંકાઓ છે. એ લોકોના રોજગાર છીનવી લેશે, ખાસ કરીને સર્જનાત્મક કામગીરી કરનારા લોકો બેરોજગાર બની જશે, વગેરે. આ ભય સંપૂર્ણપણે ખોટો નથી. છતાં, એઆઈનો સર્જનાત્મક લોકો પોતાના હથિયાર તરીકે ઉપયોગ કરીને પોતાનું કામ વધુ સારું કરી શકે છે. આજે લેખન, સાહિત્ય, કળા, ડિઝાઇનિંગ, મેડિકલ, કાનૂન અને કન્સલ્ટન્સી સહિતના અનેક ક્ષેત્રોમાં એઆઈનો પગપેસારો થઈ ચૂક્યો છે. ફ્રાન્સમાં એઆઈ સમિટ યોજાઈ તેમાં વડા પ્રધાન મોદીએ સહઅધ્યક્ષતા કરી. આપણે વિદિત છીએ કે મોદી પોતે નવી ટેક્નોલોજીના ઉપયોગ માટે કાયમ ઉત્સાહી અને આગ્રહી છે.
મોદીના દૂરંદેશીભર્યા નેતૃત્વ હેઠળ દેશ એઆઈના યુગ તરફ આગળ વધી રહ્યો છે. ભારતના ઇતિહાસમાં પહેલીવાર સરકાર સીધી રીતે એક એવી એઆઈ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે જ્યાં કોમ્પ્યુટિંગ પાવર, ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (જીપીયુઝ) અને સંશોધનની તકો સરળતાથી ઉપલબ્ધ હોય.
ભારતની એઆઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં મોદી સરકારે 2024માં રૂ. 10,300 કરોડની ફાળવણી સાથે ઇન્ડિયાએઆઈ મિશનને મંજૂરી આપી. આગામી પાંચ વરસ માટેનું આ ભંડોળ ઇન્ડિયાએઆઈ મિશનને નવી ઊંચાઈએ લઈ જશે. ઉચ્ચ કક્ષાની સામાન્ય કોમ્પ્યુટિંગ સુવિધા ધરાવતું ઇન્ડિયાએઆઈ મિશન હવે ભારતીય ભાષાઓનો ઉપયોગ કરીને સ્વદેશી એઆઈ સોલ્યુશન્સ પહોંચાડવાની નજીક છે. આ મોડેલ લગભગ 10,000 GPUની ગણતરી સુવિધાથી શરૂ થઈ રહ્યું છે. બાકીના 8,693 GPU ટૂંક સમયમાં ઉમેરવામાં આવશે.
ઇન્ડિયાએઆઈ મિશન શરૂ થયાના 10 મહિનામાં સરકારને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આશરે 18,693 જીપીયુની એક ઉચ્ચ સ્તરીય અને મજબૂત સામાન્ય કોમ્પ્યુટિંગ સુવિધા બનાવવામાં આવી છે. આ ઓપન સોર્સ મોડેલ ડીપસીક કરતાં લગભગ સાતગણું ઝડપી છે. ચેટજીપીટી કરતાં એ લગભગ બે તૃતીયાંશગણું ઝડપી છે. ભારતીય જીપીયુ બજારને ખોલવામાં સરકારે અગ્રણી ભૂમિકા ભજવી છે. આનાથી નાનાં સ્ટાર્ટઅપ્સ, સંશોધકો અને વિદ્યાર્થીઓને ઉચ્ચ પ્રદર્શન કોમ્પ્યુટિંગ સંસાધનોની એક્સેસ મેળવવામાં મદદ મળી છે. આ મોટા દેશોથી વિપરીત છે, જ્યાં એઆઈ બજારમાં મોટી કંપનીઓનું વર્ચસ્વ છે. વધુમાં, ભારત આગામી ત્રણથી પાંચ વરસમાં સ્વદેશી જીપીયુ પણ વિકસાવશે.
સરકાર ટૂંક સમયમાં એક સામાન્ય કમ્પ્યુટિંગ સુવિધા શરૂ કરશે, જ્યાં સ્ટાર્ટઅપ્સ અને સંશોધકો કોમ્પ્યુટિંગ પાવરનો ઉપયોગ કરી શકશે. મોદી સરકાર તેને એક ડોલર પ્રતિ કલાકના દરે ઉપલબ્ધ કરાવશે, જ્યારે વૈશ્વિક સ્તરે જીપીયુ એક્સેસનો ખર્ચ લગભગ અઢીથી ત્રણ ડોલર પ્રતિ કલાક છે.
ઇન્ડિયાએઆઈ ડેટાસેટ પ્લેટફોર્મ: એઆઈ સંશોધન અને નવીનતાને આગળ ધપાવતું ઇંધણ ડેટા છે. સમૃદ્ધ, વૈવિધ્યસભર અને વિપુલ ડેટાસેટ્સ વિના સૌથી કુશળ ડેટા વૈજ્ઞાનિકો અને વિકાસકર્તાઓની તાકાત પણ મર્યાદિત રહે છે. આ હકીકતને પિછાણીને મોદી સરકાર મોટા સંશોધન સમુદાય માટે ખુલ્લા ડેટાસેટ્સને સુલભ બનાવવા માટે સક્રિયપણે કામ કરી રહી છે.
સરકારે 2023માં દિલ્હીમાં ત્રણ એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની જાહેરાત કરી છે. આરોગ્યસંભાળ, કૃષિ અને ટકાઉ શહેરો વિકસાવવા પર એ ધ્યાન કેન્દ્રિત કરશે. 2025ના અંદાજપત્રમાં રૂ. 500 કરોડના ખર્ચ સાથે શિક્ષણ માટે એક નવું સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષણમાં એઆઈ માટે જાહેર કરાયેલું આ ચોથું કેન્દ્ર છે.
સરકારે કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવાની યોજનાની પણ જાહેરાત કરી છેઆ યુવાનોને ઉદ્યોગ આધારિત કુશળતાથી સજ્જ કરવા માટે એની રચના થઈ છે. આ કેન્દ્રો મેક ફોર ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ મેન્યુફેક્ચરિંગને ટેકો આપવા માટે વૈશ્વિક ભાગીદારી સાથે સ્થાપિત કરવામાં આવશે. ટૂંકમાં, ભારત ખરા અર્થમાં એઆઈ ક્રાંતિ માટે સજ્જ બની રહ્યું છે. એટલું જ નહીં, આગામી એઆઈ સમિટના યજમાન તરીકે પણ ભારત કાર્ય કરવાનું છે. આને કહેવાય, આગે આગે બઢતા હૈ ઇન્ડિયા.
જીપીયુની કોમ્પ્યુટિંગ અને એઆઈમાં ભૂમિકા
ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ કે જીપીયુ વિશિષ્ટ પ્રકારનું પ્રોસેસર છે. જટિલ ગણતરીઓ અને ગ્રાફિકલ પ્રક્રિયાઓ માટે એને ડિઝાઇન કરવામાં આવ્યું છે. સામાન્ય હેતુ માટે બનાવવામાં આવેલા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કે સીપીયુની તુલનામાં, જીપીયુ એક સાથે ચાલતી અનેક સમાંતર ચાલતી કોમપ્યુટિંગ પ્રક્રિયાઓ માટે વધુ અસરકારક છે. એટલે જ એ અનેક કામ, કે ગણતરીઓ, એકસાથે સંભાળી શકે છે. ગ્રાફિક્સ રેન્ડરિંગ, ગેમિંગ અને વૈજ્ઞાનિક કોમ્પ્યુટિંગ માટે એ ખૂબ ઉપયોગી છે.
કૃત્રિમ બુદ્ધિ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જીપીયુ મહત્તવપૂર્ણ ભૂમિકા ભજવે છે, ખાસ કરીને ડીપ લર્નિંગ મોડલની તાલીમ અને એના અમલ માટે. એઆઈ અલ્ગોરિધમ માટે વિશાળ ડેટા પ્રોસેસિંગની જરૂર હોય છે. જીપીયુ ઇમેજ રિકગ્નિશન, નેચરલ લેન્ગ્વેજ પ્રોસેસિંગ અને સ્વાયત્ત સિસ્ટમ્સ જેવાં ક્ષેત્રોમાં ઝડપ અને કાર્યક્ષમતા વધારવા માટે ઉપયોગી છે.
એઆઈ સિવાય, ડેટા સાયન્સ, ક્રિપ્ટોકરન્સી માઇનિંગ, અને હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગમાં પણ જીપીયુ વ્યાપકપણે વપરાય છે. ક્લાઉડ સેવા પ્રદાતાઓ પણ જીપીયુ આધારિત કોમ્પ્યુટિંગ શક્તિ પ્રદાન કરે છે. ડેટા પ્રેરિત ટેક્નોલોજી અને એઆઈની વિકાસશીલ દુનિયામાં, જીપીયુ આધુનિક કોમ્પ્યુટિંગ માટે લગભગ અનિવાર્ય સાધન છે, જે વધુ ઝડપી અને અસરકારક ડેટા પ્રોસેસિંગને સક્ષમ બનાવે છે.