ગુજરાતીના એક અત્યંત લોકપ્રિય કવિ અને સાહિત્યકાર અનિલ જોશીનું આજે સવારે નિધન થયું હતું. છેલ્લા થોડા સમયથી અનિલભાઈ માંદગીને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બેએક અઠવાડિયાં તેઓ આઈસીયુમાં રહ્યા હતા. હજી 21 ફેબ્રુઆરીએ તેઓ સારવાર પછી ઘરે આવ્યા હતા.

આજે તેમના દીકરા સંકેત જોશીએ સોશિયલ મીડિયા પર લખીને અનિલભાઈના અવસાનની જાણ કરી હતી. સંકેતભાઈની પોસ્ટ પર અનેક સાહિત્યકારોએ અનિલભાઈને શ્રદ્ધાંજલિ આપી છે. સંકેતભાઈએ અંગ્રેજી પોસ્ટમાં જણાવ્યું હતું, “આપ સહુને જાણ થાય કે મારા પપ્પા હવે આપણી સાથે નથી રહ્યા. આજે વહેલી સવારે તેઓએ શાંતિપૂર્ણ વિદાય લીધી છે. તેઓએ (મૃત્યુને) ખૂબ લડત આપી. દાયકાઓ સુધી તેમના પર વરસાવેલા અપાર સ્નેહ માટે, ખાસ તો એમના વિશ્વભરના ચાહકો અને અનુયાયીઓનો, પપ્પા આભાર માને છે. અમે એ ડોક્ટર્સ અને નર્સોનો પણ આભાર માનીએ છીએ જેમણે એમની ખૂબ કાળજી લીધી.”
28 જુલાઈ 1940ના રોજ અનિલભાઈનો ગોંડલમાં જન્મ થયો હતો. અનિભાઈના પિતા રમાનાથ જોશી પણ ઉત્તમ શિક્ષક હતા. અનિલભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. 1964માં તેઓએ અમદાવાદની એચ. કે. આર્ટ્સ કોલેજથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બેચલર ઓફ આર્ટ્સની ડીગ્રી મેળવી હતી.

અનિલભાઈએ કારકિર્દીના પ્રારંભમાં સન 1962-1969 વચ્ચે હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. એ પછી મુંબઈમાં 1971-1976 દરમિયાન તેઓએ કોમર્સ સામયિકના તંત્રી વાડીલાલ ડગલીના અંગત સહાયક તરીકે ફરજ બજાવી હતી. ગુજરાતી ભાષાની નોંધનીય સેવા કરનારા પરિચય ટ્રસ્ટમાં તેઓએ 1976-77માં સહસંપાદક તરીકે સેવા આપી હતી. 1977થી હમણાં સુધી તેઓએ મુંબઈ મહાનગરપાલિકામાં ભાષા વિકાસ પ્રકલ્પમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી હતી.
અમદાવાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં અનિલભાઈનું સાહિત્યક્ષેત્રે ઘડતર થયું હતું. શહેરમાં રહેતા તેઓએ કુમાર કાર્યાલય, બુધસભા, રે-મઠ, યુનિવર્સિટીનું ભાષા-સાહિત્ય ભવન, સાહિત્ય પરિષદનાં અધિવેશવનો, હેવમોર હોટેલમાં નિરંજન ભગતની બેઠકો જેવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં ઊંડી રુચિ લીધી હતી.

મુંબઈ આગમન પછી અનિલભાઈએ કારકૂનની નોકરીથી શરૂઆત કરીને મહાનગરપાલિકાના ભાષા સલાહકાર અને ગુજરાતીના એક સૌથી લોકપ્રિય કવિ-નિબંધકાર અને સર્જક તરીકેની સફળ યાત્રા ખેડી હતી. મુંબઈ મહાનગરપાલિકામાં ગુજરાતી ભાષાના સલાહકાર બનવાની ક્ષણે અનિલભાઈ માટે ડિગ્રીનો પ્રશ્ન ઊભો થયો હતો. એ સમયે બાળાસાહેબ ઠાકરેએ, “એ (અનિલભાઈ) કવિ છે એ જ મોટી ડિગ્રી છે,” એમ કહીને અનિલભાઈની નિમણૂક શક્ય કરી હતી.
અનિલભાઈનું સાહિત્યસર્જન બહુમુખી હતું. લોકપ્રિય અને ઉત્કૃષ્ટ કવિ હોવા ઉપરાંત તેઓ અચ્છા નિબંધકાર હતા. પ્રદીર્ઘ સાહિત્ય પ્રવાસમાં અનિલભાઈએ ગીત, ગઝલ, મુક્ત પદો, ગઝલ, નિબંધ સહિતના સાહિત્યના પ્રકારનું ખેડાણ કર્યું હતું. અનિલભાઈનું મિત્રવર્તુળ વિશાળ હતું. મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, આદિલ મન્સુરી, નિદા ફાઝલી વગેરે સાથે તેઓને ગાઢ દોસ્તી હતી. તેઓએ વરસો સુધી જન્મભૂમિ જૂથનાં પ્રકાશનો સહિત અન્ય અખબાર-સામયિકોમાં પણ કટારલેખન કર્યું હતું. સાગમટે નામે અનિલભાઈની સમગ્ર કવિતાઓનો સંગ્રહ પણ પ્રસિદ્ધ છે.

અનિલભાઈ અનેક માન-અકરામોથી સન્માનિત થયા હતા. તેમના કાવ્યસંગ્રહ બરફનાં પંખીને જયન્ત પાઠક પારિતોષિક એનાયત થયું હતું. 1990માં તેઓને સ્ટેચ્યુ નિબંધસંગ્રહ માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જોકે કન્નડ ભાષાના પ્રખર સુધારવાદી એમ. એમ. કાલબુર્ગીની ઓક્ટોબર 2015માં થયેલી હત્યાના વિરોધમાં અનિલભાઈએ એ એવોર્ડ પરત કર્યો હતો. 2010માં અનિલભાઈ નરસિંહ એવોર્ડથી સન્માનિત થયા છે.
ગાંસડી ઉપાડી શેઠની નામે અનિલભાઈની આત્મકથા 2023માં પ્રસિદ્ધ થઈ હતી. નવજીવન ટ્ર્સ્ટે આત્મકથા પ્રસિદ્ધ કરી હતી.

બાવીસમી ફેબ્રુઆરીએ અનિલભાઈએ ફેસબુક પર એક પોસ્ટમાં સતસવીર લખ્યું હતું, “લગભગ બે અઠવાડિયાં આઈસીયુમાં રહ્યા પછી, હવે ખુલ્લા આકાશ નીચે ઊભો છું.”
આપણી વચ્ચેથી અનિલભાઈની વિદાય સાહિત્યવિશ્વ માટે, એમના ચાહકો માટે અને પરિવાર માટે બહુ મોટી ખોટ છે. ઈશ્વર એમના આત્માને ચિરશાંતિ આપે.
અનિલભાઈનાં નોંધનીય સર્જનોની ટૂંકી યાદી આ પ્રમાણે છેઃ
કાવ્યસંગ્રહઃ કદાચ, બરફનાં પંખી, ઓરાં આવો તો વાત કરીએ, સાગમટે (અનિલભાઈની સમગ્ર કવિતાઓનો સંગ્રહ).
નિબંધસંગ્રહઃ પવનની વ્યાસપીઠ, સ્ટેચ્યુ, શબ્દનો સહવાસ, બોલપેન, બારીને પડદાનું કફન, દિવસનું અંધારું છે, કાગડો ધોળા દિવસનું અંધારું છે, જળની જન્મોતરી, ઊર્મિનો ઓચ્છવ.
ચિંતનાત્મક લેખઃ રંગ સંગ કિરતાર.
અનિલભાઈનાં ચુનંદાં અમર સર્જનો માણવા માટે ટહુકો ડોટ કોમની આ લિન્ક પર જશોઃhttps://tahuko.com/?cat=70
