કવિ, સાહિત્યકાર અનિલ જોશી આપણી વચ્ચે નથી. એમનું અનન્ય સાહિત્યસર્જન જોકે સદૈવ આપણી વચ્ચે રહશે અને એમની હયાતીની અનુભૂતિ કરાવશે. એમની સાથે ઘરોબો ધરાવતા અનેક લોકોમાં એક નાટ્યકર્મી નિરંજન મહેતા. સહુ જેમને વહાલથી નિરુભાઈ સંબોધે છે એવા આ વડીલ સાથે દેશવાલે માટે કરિશ્મા રાઠોડે વાત કરી. અનિલભાઈ સાથેના દાયકાઓના પરિચયનાં સંસ્મરણો એમાં નિરુભાઈએ વાગોળ્યાં. આ રહ્યો વાતચીતનો અને સંસ્મરણોનો સાર… નિરુભાઈના શબ્દોમાં…

“અનિલ જોશી સાથે મારો પરિચય પચાસેક વર્ષ પહેલાં થયો હતો. એક રમેશ દવે નામના સજ્જન હતા. ગુજરાતના બધા મોટા કવિઓના તેઓ અંગત મિત્ર હતા. રમેશભાઈ શોખીન અને સાહિત્યના ચાહક હતા. નરીમાન પોઇન્ટ પર એમનો એક ફ્લેટ હતો. એમાં જાણીતા કવિઓ અવારનવાર ભેગા થતા. એમાં એક અનિલ જોશી પણ હતા. રમેશભાઈ નાટ્યસર્જક કાન્તિ મડિયાના અને મારા પણ ખાસ મિત્ર હતા. એમને કારણે મારે પણ અનેક કવિઓ સાથે ઓળખાણ થઈ હતી. ગુજરાત વસતા આપણા કવિઓ મુંબઈ આવે ત્યારે રમેશભાઈના ફ્લેટમાં મહેફિલ જામતી. એ સમયે પણ મહેફિલમાં અનિલ જોશી જુદા તરી આવતા. એમનો શબ્દવૈભવ, એમનું ભાષા પરનું પ્રભુત્વ એમને નોખા તારી પાડતી બાબતો હતી.
અનિલભાઈનું એક બહુ જાણીતું ગીત – નેજવાને પાંદડે પોઢયા માધવ તમે, એટલે હું પાન નહીં તોડું. અનિલભાઈ જાતે આ પંક્તિ બોલે ત્યારે પોઢ્યાને બદલે પોયઢા બોલે. એમનું એમ બોલવું આહ્લાદક હતુ. અમે સૌ તેમને વારંવાર આ ગીત ગણગણવા કહેતા.
એ સમયે એક સામાન્ય છાપ એવી હતી કે અનિલ સૌરાષ્ટ્રથી આવેલો એક સરળ સામાન્ય, સીધોસાદો માણસ છે. એમના પર શહેરી રંગ નથી ચડ્યા એ પણ દેખાઈ આવતું હતું. એમનામાં છળકપટ બિલકુલ નહોતાં. કાન્તિભાઈ એ સમયથી જ અનિલભાઈને પ્રેમપૂર્વક ‘કવિ’ તરીકે સંબોધવા લાગ્યા હતા. પછી તો એવું થયું કે ઘણા લોકો એમને ‘કવિ’ સંબોધવા માંડ્યા. અનિલભાઈને ફોન કરનાર તેઓને, “કેમ છો કવિ?” એ રીતે વાતચીતનો પ્રારંભ કરે. અમે ઘણીવાર કહેતા કે અનિલભાઈ, કવિઓ તો ઘણા થઈ ગયા પણ જે કવિ તરીકે જ ઓળખાય એવા તમે એકમાત્ર હશો!
એમની બોલીમાં એક ગજબની મીઠાશ હતી. અનિલભાઈ બોલે ત્યારે સાંભળનારને થાય કે તેઓ તેઓ બધું જ નિર્દોષભાવથી બોલી રહ્યા છે. પણ આગળ જતાં ખબર પડી કે તેઓ જેટલા ભોળા દેખાય છે તેટલા ભોળા નથી! મારો મતલબ કે તેઓ વિચક્ષણ અને હોંશિયાર પણ હતા. એમની આ શક્તિ સારા માટે જ હતી. અમને સમય જતાં એનો ખ્યાલ આવ્યો હતો. પછી ક્યારેક અમે અનિલભાઈને કહેતા, “તમે તો અલગ માટીના નીકળ્યા, કવિ!”
મને ભાઈદાસ સભાગૃહમાં થયેલો એક કાર્યક્રમ યાદ આવી રહ્યો છે. એમાં પૂજ્ય મોરારિબાપુ પ્રમુખપદે હતા. એમાં રમેશ પારેખ, મનોજ ખંડેરિયા અને અનિલ જોશી મંચ પર હતા. ત્યારે મનોજ ખંડેરિયાએ હળવા શબ્દોમાં કહેલું, “અમારામાં અને અનિલ જોશીમાં શો ફરક છે, જાણો છો? હું અને રમેશ જેવા દેખાઈએ છીએ એવા નથી અને અનિલ જોશી જે છે એવા દેખાતા નથી. અમે ચાલાક લાગીએ, હોંશિયાર લાગીએ પણ અમે એવા નથી. કવિ (અનિલભાઈ) ભોળા લાગે પણ છે નહીં…”
અમારો સંબંધ અને સ્નેહ સમય સાથે સતત વધતા રહ્યો હતો. અમે બેઉ અને કાન્તિભાઈ અવારનવાર મળતા. સન 1975માં કાન્તિભાઈનું એક નાટક બની રહ્યું હતું. રજૂઆત પછી એ સુપર હિટ રહ્યું હતું. નામ અમે બરફનાં પંખી. નાટકને આ નામ અનિલભાઈના એક સુપ્રસિદ્ધ કાવ્યસંગ્રહ પરથી આપવામાં આવ્યું હતું. નાટકને આ શીર્ષક મળ્યાનો પ્રસંગ મજાનો છે.
એકવાર કવિ, રમેશભાઈ, હું વગેરે મિત્રો ઇરાની રેસ્ટોરાંમાં ચા પીતા બેઠા હતા. કાન્તિભાઈના નાટકનું રિહર્સલ પ્રાર્થના સમાજના એક હૉલમાં ચાલી રહ્યું હતું. ટાઇટલ નક્કી થયું નહોતું. મડિયાનાં નાટકો માત્ર ઉત્કૃષ્ટ ગુણવત્તા માટે નહીં પણ ટાઇટલ માટે પણ બેહદ વખણાતાં હતાં. એમનાં ટાઇટલ, એમાંના શબ્દો અને ટાઇટલના અક્ષરો (ડિઝાઇન) પણ લોકોને મોહિત કરી દેતા હતા. એ સમયે મડિયાનાં નાટકોની પબ્લિસીટીનું તથા એમનાં નાટકોને શીર્ષક આપવાનું કામ પણ હું કરતો. એમણે મને કહી રાખ્યું હતું કે આ નવા નાટક માટે ઝટપટ ટાઇટલ નક્કી કરીએ. મેં આપેલા અમુક વિકલ્પ એમને ગમ્યા નહોતા. એવામાં, ઇરાની રેસ્ટોરામાં એદ દિવસે ચા પીતાં પીતાં કવિ એમના કાવ્યસંગ્રહ, અમે બરફનાં પંખીમાંથી અમને કવિતાઓનો આસ્વાદ કરાવવા માંડ્યા. એમાં એમણે અમે બરફનાં પંખી કૃતિ પણ સંભળાવી. સરસ રીતે, ગાઈને એમણે કૃતિ સંભળાવી કે મારા મનમાં ઝબકાર થયો. મેં એમને વચમાં જ અટકાવ્યા. એમનો હાથ દાબીને કહ્યું, “બસ બસ, કવિ… આગળ નથી સાંભળવું. તમે હમણાં ને હમણાં મારી સાથે ચાલો.”
અમે તરત ચાના પૈસા ચૂકવીને રેસ્ટોરાંથી નીકળ્યા. અનિલભાઈ અને રમેશભાઈને અવઢવ કે આ નિરંજનને એકાએક શું થયું? અમે રમેશભાઈની કારમાં પહોંચી ગયા કાન્તિભાઈના નાટકના રિહર્સલમાં. એમાં બ્રેક મળતાં કાન્તિભાઈ આવ્યા. મને કહે કે રિહર્સલ પછી નાટકના ટાઇટલની વાત કરીએ. મેં કહ્યું હમણાં જ કરીએ વાત. હું તમને ટાઇટલ સજેસ્ટ કરું છું. મારું સૂચન તમને ગમી જશે. કાન્તિભાઈએ પ્રશ્નસૂચક નજરે જોયું. મેં અનિલભાઈની કવિતાની પંક્તિ સંભળાવી… અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટુહકે પીગળ્યાં… અને કહ્યું, “કાન્તિભાઈ, નાટકની વાર્તા સાથે અમે બરફનાં પંખી ટાઇટલ બંધબેસે છે. આપણી વાર્તા એક નાનકડી દીકરી આસપાસ ફરે છે, જેને કેન્સર છે, એ મૃત્યુ તરફ આગળ વધી રહી છે…” મેં નાટક માટે આ ટાઇટલ શા માટે એકદમ ઉપયુક્ત છે એનાં કારણો આપ્યાં. મારો વિચાર એવો હતો કે નાનકડી દીકરી એક પંખી જેવી, એનું ક્ષીણ થતું જીવન એટલે ટહુકે ટહુકે પીગળવું નહીં તો બીજું શું?
કાન્તિભાઈને મારો વિચાર જચી ગયો. નાટકને અમે બરફનાં પંખી નામ મળ્યું. અનિલભાઈનું ગીત પણ નાટકમાં લેવામાં આવ્યું. એ નાટકના પોણાબસો પ્રયોગ થયા. નાટક સાથે ટાઇટલ પણ કાયમ માટે અમર થઈ ગયું, અનિલભાઈના કાવ્યસંગ્રહની જેમ જ.
મારી અને અનિલભાઈના દોસ્તી સમય સાથે સતત પ્રગાઢ થતી રહી. અમે એકમેક સાથે સુખદુઃખની વાતો વહેંચતા. એક દિવસ તેઓ કહે કે “નિરુભાઈ, મોરબીમાં એક સંસ્થાએ મારું પ્રવચન રાખ્યું છે. પંદરેક દિવસ પછી જવાનું છે. તમે પણ ચાલો મારી સાથે.” મેં કહ્યું કે મારું ત્યાં શું કામ તો કહે, “તમારું બાળપણ રાજકોટમાં પસાર થયું અને મારું મોરબીમાં… તમે મને રાજકોટની ઘણી વાતો કરતા હોવ છો. મારો ખાસ્સો સમય મોરબીમાં વીત્યો છે. મારા પિતા ત્યાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા. એમની વારંવાર બદલી થતી તેથી અમે ગોંડલ, અમરેલી, મોરબી… ઘણી જગ્યાએ રહ્યા. તમે સાથે આવો તો હું તમને મોરબી દેખાડીશ. એ પણ દેખાડીશ કે હું ક્યાં ભણ્યો… આપણે જૂના દિવસો તાજા કરશું. રાજકોટ પણ જશું. ત્યાં તમારાં જૂના દિવસો તાજા કરશું.”
એમ અમે બેઉ શહેરની મુલાકાતે ગયા. ચાર દિવસ મોરબી અને બે દિવસ રાજકોટ રહ્યા. વીતેલા દિવસોને વાગોળતાં અને જીવનનાં સંસ્મરણોને તાજાં કરતાં વિતાવેલો એ સમય અમારા બેઉ માટે યાદગાર રહ્યો હતો.
એનો જ પ્રસંગ અનિલભાઈના દીકરા સંકેત સાથે સંકળાયેલો છે. સંકેત લંડનમાં ભણ્યો છે. મધ્ય પ્રદેશના મંદસૌર શહેરના એક મારવાડી સદગૃહસ્થની દીકરીના પ્રેમમાં એ હતો. છોકરીનું નામ શાલિની. બેઉએ પછી ભારત આવીને લગ્ન કર્યાં હતાં. એકવાર અનિલભાઈ કહે કે ચાલો, આપણે વેવાઈના ગામ જઈએ. મેં કહ્યું કેમ કવિ, તો કહે કે એમના પરિવારમાં કોઈકનાં લગ્ન છે… મારે જવાનું છે તો આપણે સાથે જઈએ, જેમ મોરબી ગયા એમ મંદસૌર જઈએ. મેં ના પાડી તો કહે, “તમે કહ્યું હતું કે તમારું જન્મસ્થળ ઇંદોર છે. ત્યાં તમારા કાકાનું ઘર પણ છે. આપણે ભેગા પ્રવાસ કરીએ. ઇંદોર ફરશું. કાકાને ઘેર પણ જઈ આવજો. જૂની યાદો તાજી કરી લેજો.” છતાં મેં કહ્યું કે તમારા વેવાઈના ત્યાં લગ્નપ્રસંગે વગર આમંત્રણે આવવું મને રુચતું નથી. અનિલભાઈ કહે સારું ત્યારે, પણ મારી બહુ ઇચ્છા છે તમે આવો…
બીજા દિવસે એમના વેવાઈનો મને ફોન આવ્યો. કહે કે તમારે લગ્નમાં આવવાનું જ છે. તમારા માટા ખાસ આમંત્રણ મોકલું છું. તમે અને વેવાઈ (અનિલભાઈ) આ પ્રવાસમાં ઇંદોર અને મંદસૌર માણશો એનો અમનેય આનંદ થશે. મેં એમને કહ્યું કે હું અનિલભાઈ સાથે વાત કરીને જણાવું છું… મેં કવિને ફોન કરીને કહ્યું, “અલા ભાઈ, મેં તમને ના પાડી તો તમે વેવાઈ પાસેથી ફોન કરાવ્યો?!”
…પછી શું. એમના પ્રેમાગ્રહ સામે હું નમ્યો. અમે બેઉ પ્રવાસે નીકળ્યા. અમે ઇંદોર અને મંદસૌરમાં પણ સરસ મજાનો સમય પસાર કર્યો હતો.
…એક કિસ્સો મારા પિતા સાથે સંકળાયેલો યાદ આવે છે. મારા પપ્પા જતુભાઈ મહેતા. તેઓ સ્વાતંત્ર્યસેનાની હતા. 1930-42ની સાલ વચ્ચે ચાર વખત જેલ જઈ આવ્યા હતા. પપ્પા લેખક હતા અને એમનાં પુસ્તકો પણ પ્રસિદ્ધ થયાં હતાં. રાજકોટથી તેઓ મુંબઈ આવીને વસ્યા હતા. રજનીશ એટલે ઓશો એ સમયે માત્ર જબલપુરમાં પ્રસિદ્ધ હતા. એમને એ શહેર બહાર નામના કમાવી આપવામાં પપ્પાનો મોટો ફાળો હતો. અનિલભાઈને એની ખબર હતી. એમણે ત્રણેક દાયકા પહેલાં એ વાતોનો સવિસ્તર ઉલ્લેખ એમની એક અખબારી કટારમાં કર્યો હતો. એમણે પપ્પા વિશે, દેશ માટે એમના યોગદાન વિશે, ઓશો સાથેના એમના પરિચય અને ઓશોને પ્રસિદ્ધિ અપાવવામાં આપેલા ફાળા વિશે પણ કટારમાં લખ્યું હતું. એ લેખ વિશે હું પણ ભૂલી ગયો હતો કારણ એ ને છપાયે વરસો થઈ ગયાં હતાં.
એવામાં એક દિવસ અનિલભાઈનો ફોન આવ્યો કે અમદાવાદમાં ઝેન ઓપસ નામે નવું પ્રકાશનગૃહ શરૂ થયું છે. એ મારાં બે પુસ્તકો પ્રકાશિત કરવા ચાહે છે. અનિલભાઈ કહે, “એક પુસ્તકમાં મારી સમગ્ર કવિતાઓ હશે. લગભગ 400-500 કાવ્યો એમાં હશે. બીજું પુસ્તક મારા લેખોનું કરવા માગે છે. વીસ-પચીસ વરસમાં મેં લેખો પણ 400-500 લખ્યા છે. એમાંના 45 પસંદ કર્યા છે. એક તમારા પિતાજી વિશેનો પણ લીધો છે. એકવાર તમે જોઈ જશો કે એમાં કોઈ ભૂલ તો નથીને? કઈ સુધારાવધારા કરવા હોય તો જણાવશો જેથી એને સમાવિષ્ટ કરીને લેખ પુસ્તકમાં લઈ શકાય.”
…અને પુસ્તક ‘વાત વિસામો’ છપાયું ત્યારે એમાં એ લેખ હતો. મારા પિતાને મળેલું એ સન્માન, એમને અપાયેલી એ પરોક્ષ શ્રદ્ધાંજલિ મારે મન બહુ સરાહનીય બાબત હતી.”