તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીસૈલમ લેફ્ટ બેન્ક કેનાલ (એસએલબીસી) ટનલનો એક ભાગ શનિવારે નિર્માણકાર્ય વચ્ચે એકાએક ધ્વસ્ત થઈ ગયો હતો. એને કારણે અંદર કર્મચારીઓ કામદારો ફસાઈ ગયા છે. એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના પણ અહેવાલ છે. અકસ્માત થતાં બચાવકાર્ય આદરવામાં આવ્યું હતું જે હજી જારી છે. રાજ્યના અધિકારીઓ, અકસ્માત પ્રતિભાવ ટીમ અને લશ્કર ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામ કરી રહ્યા છે.

એસએલબીસી ભૂગર્ભ ટનલ મહત્વપૂર્ણ સિંચાઈ યોજનાનો ભાગ છે. શનિવારે નિર્માણકાર્ય વખતે એકાએક એનો એક ભાગ તૂટી પડ્યો હતો. ઉપલબ્ધ માહિતી અનુસાર ઓછામાં ઓછા આઠ કામદારો અંદર ફસાયા છે. ફસાયેલા કર્મચારીઓની ચોક્કસ સંખ્યા હજી જાણી શકાઈ નથી. બચાવ ટુકડીઓ હાલમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે કેટલાક ઈજાગ્રસ્ત કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે. અન્ય ફસાયેલા લોકો સાથે સંપર્ક સાધવાના પ્રયાસ ચાલુ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંદર્ભે તેલંગાણાના મુખ્ય પ્રધાન અનુમુલા રેવંત રેડ્ડી સાથે વાતચીત કરી હતી. તેઓએ બચાવકાર્યમાં કેન્દ્રની તમામ મદદની રેડ્ડીને ખાતરી આપી હતી. રાજ્ય સરકારે બચાવકાર્યમાં મદદ માટે નિષ્ણાતો અને લશ્કરી કર્મચારીઓને પણ બોલાવ્યા છે. ટનલની અસ્થિર માળખાકીય રચનાને કારણે બચાવકાર્ય પડકારજનક હોવાનું જાણવા મળ્યું છે.

તેલંગાણાના સિંચાઈ, ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ શનિવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અપડેટ મૂકી હતી. પોતાની પોસ્ટમાં રેડ્ડીએ લખ્યા પ્રમાણે, “હું આખો દિવસ એસએલબીસી ટનલના ઘટનાસ્થળે બચાવકાર્યની સમીક્ષા અને મૂલ્યાંકન કરી રહ્યો હતો, જે દુર્ઘટના પછી જારી છે. અમારી સરકાર અને સિંચાઈ મંત્રાલય ફસાયેલા કામદારોના બચાવમાં કોઈ કસર રાખી રહી નથી.”

દુર્ઘટનાએ લોકોમાં ગુસ્સો અને આક્રોશ ફેલાવ્યા છે. પ્રોજેક્ટમાં સલામતી ખામીઓની સંપૂર્ણ તપાસની માગ કરવામાં છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (સીપીઆઈ-એમ)એ ટનલનો ભાગ તૂટી પડવાનાં કારણોની તપાસની માગણી કરી છે. સાથે પ્રશ્ન ઉઠાવ્યો છે કે અયોગ્ય નિર્માણસામગ્રી અથવા લાપરવાહીને લીધે દુર્ઘટના ઘટી છે કે કેમ.
તેલંગાણાના પાણીની અછતગ્રસ્ત વિસ્તારોમાં કૃષ્ણા નદીનું પાણી પહોંચાડવા એસએલબીસી ટનલની યોજના આકાર લઈ રહી છે. ટનલનો ભાગ તૂટ્યાથી માળખાકીય પ્રકલ્પમાં સલામતી પગલાં અને આવી દુર્ઘટનાને રોકવા માટે પૂરતા પ્રયાસો થયા હતા કે નહીં તેના પર ચિંતાઓ વ્યક્ત થઈ છે.

બચાવકાર્ય જારી હોવાથી અધિકારીઓ અંદર ફસાયેલા કર્મચારીઓને બચાવવા માટે આકાશપાતાળ એક કરી રહ્યા છે. સરકારે ખાતરી આપી છે કે દુર્ઘટનાની સવિસ્તર તપાસ થશે અને લાપરવાહી જણાઈ તો કડક કાર્યવાહી લેવામાં આવશે.
દરમિયાન, ફસાયેલા કર્મચારીઓના પરિવારો એમના આપ્તજનોના સહીસલામત બહાર આવવાની બેચેનીથી રાહ જોઈ રહ્યા છે.