પોપ ફ્રાન્સિસ ગંભીર શ્વાસોચ્છવાસની તકલીફથી પીડિત હોવાથી નાજુક સ્થિતિમાં છે, 87 વરસના પોપને રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને ત્યાં બ્લડ ટ્રાન્સફ્યુઝન સહિતની સારવાર આપવામાં આવી રહી છે. વેટિકને તેમની સ્થિતિને નાજુક લેખાવતાં જણાવ્યું છે કે તે પરિસ્થિતિ પર બારીક નજર રાખી રહ્યું છે. પોપની સ્વાસ્થ્ય સ્થિતિ ખરાબથી સમગ્ર વિશ્વમાં ચિંતા પ્રસરી છે.
છેલ્લા ઘણા મહિનાથી પોપની સ્વાસ્થ્ય સ્થિતિ ખરાબ રહી છે. એમની તકલીફોમાં શ્વાસનળીના ચેપ, હરવાફરવાની સમસ્યાઓનો સમાવેશ થતો હતો. ગયા મહિને સાપ્તાહિક પ્રાર્થના સભામાં તેમણે યાત્રાળુઓને જણાવ્યું હતું કે તેઓ તીવ્ર શરદીથી પીડાઈ રહ્યા છે. વેટિકને પછીથી એમની તકલીફ બ્રોન્કાઇટિસ હોવાની પુષ્ટિ કરી હતી.

શુક્રવાર 14 ફેબ્રુઆરી 2025એ પોપને તપાસ અને સારવાર માટે જેમેલી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બીમાર હોવા છતાં તેઓ વ્યસ્ત સમયપત્રકને અનુસરતા રહ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થવાના દિવસે પણ તેઓએ સ્લોવાકિયાના વડા પ્રધાન રોબર્ટ ફિકો સાથે મુલાકાત કરી હતી.
પોપની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની તવારીખ આ પ્રમાણે છેઃ
– ડિસેમ્બર 2024માં પોપ પોતાના વેટિકન સ્થિત નિવાસસ્થાનમાં બે વખત પડી ગયા હતા. તેમાં તેઓને પહેલાં હડપચીમાં અને જાન્યુઆરી 2025માં હાથમાં ઈજા થઈ હતી.
– જૂન 2023માં પોપના પેટના હર્નિયાનું ઓપરેશન થયું હતું. એ સમયે તેઓ નવ દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા.
– પાછલાં બે વરસમાં તેઓને ફ્લૂ અને બ્રોન્કાઇટિસની સમસ્યાએ સતાવ્યા છે.
જેમેલી હોસ્પિટલમાં પોપ ધર્મગુરુઓની સારવારની વિશેષ સુવિધા છે. પોપ ફ્રાન્સિસ ત્યાં દિવસ દરમિયાન આરામખુરશી પર સમય પસાર કરે છે. છતાં, તેઓનું સ્વાસ્થ્ય હાલમાં ગંભીર છે.

વેટિકનના નેતૃત્વ પર અનિશ્ચિતતા: પોપ ફ્રાન્સિસની સ્વાસ્થ્ય સ્થિતિ નાજુક હોવાથી પોપાસી (પોપની કચેરી)ના ભવિષ્યને લઈને અટકળો વધી છે. જોકે આ પહેલાં તેઓ રાજીનામાની અફવાઓને નકારી ચૂક્યા છે. પરંતુ પોપના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની નિરંતરતાને લીધે વેટિકનને આ વિશે વિચારવાની ફરજ પડી શકે છે.
પોપ પોતાની ફરજો અદા કરવામાં અસમર્થ થાય એવી સ્થિતિમાં, જાણકારો પ્રમાણે, કાર્ડિનલ સેક્રેટરી ઓફ સ્ટેટ વેટિકનનાં કાર્યોનું હંગામી વહન કરશે. નવા પોપની નિયુક્તિ કરવા માટે સભા બોલાવીને નિર્ણય લેવાય નહીં ત્યાં સુધી તેઓ એ જવાબદારી નિભાવી શકે છે. જોકે સંભવિત નેતૃત્વ પરિવર્તન પર વેટિકન તરફથી હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વૈશ્વિક પ્રતિક્રિયાઓ અને પ્રાર્થનાઓ: દરમિયાન, પોપ ફ્રાન્સિસની સ્વાસ્થ્ય સ્થિતિ કથળવાના સમચારથી વિશ્વના અનેક નેતાઓ, ધર્મગુરુઓ અને લાખો કેથલિક લોકોએ પ્રાર્થનાઓ અને સહાનુભૂતિનો પ્રવાહ વહાવ્યો છે. વેટિકન અધિકારીઓએ લોકોને સમતા જાળવવા અને પોપના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અરજ કરી છે. હોસ્પિટલની મેડિકલ ટીમ તેમની સ્થિતિની પર સતત દેખરેખ રાખી રહી છે.
પોપની નાજુક સ્વાસ્થ્ય સ્થિતિ આગામી દિવસોમાં કેથલિક ચર્ચના નેતૃત્વને તેઓ સંભાળી શકશે કે કેમ એનો નિર્ણય લેવામાં મહત્ત્વના બની શકે છે. વેટિકન સતત સજાગ છે. પોપની તબિયતની પળેપળની વિગત પર આખા વિશ્વની પણ નજર છે.