વરુણ ચક્રવર્તીની પાંચ વિકેટે ન્યુ ઝીલેન્ડની ધજા ઉડાડી
દુબઈમાં રવિવારે રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની વન ડેમાં ભારતે ન્યુ ઝીલેન્ડને 44 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. વરુણ ચક્રવર્તીએ લીધેલી દમદાર પાંચ વિકેટે્સે (5/42) ન્યુ ઝીલેન્ડને 205 રનના લક્ષ્યને આંબવાથી સીમિત રાખવામાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી. ભારતે પહેલી બેટિંગ કરતાં ઊભો કરેલો 249/9નો સ્કોર સચોટ બોલિંગ અને સારી ફિલ્ડિંગથી છેવટે વિજયમાં પરિણમ્યો હતો.

ભારતની ઇનિંગ્સઃ ઐયર અને અક્ષરે અપાવી સ્થિરતા
પ્રથમ બેટિંગ કરતાં ભારતે પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આપણી શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર્સ રોહિત શર્મા (15) અને શુભમન ગિલ (2) સસ્તામાં પેવેલિનભેગા થઈ ગયા હતા. વિરાટ કોહલી (11) પણ ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. પરિણામે, ભારત માત્ર 30 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી બેઠું હતું. પછી જોકે શ્રેયસ ઐયર (98 બોલમાં 79 રન) અને અક્ષર પટેલે (61 બોલમાં 42 રન) ચોથી વિકેટ માટે 98 રનની ભાગીદારી નોંધાવી હતી. એ તબક્કે ભારત થાળે પડીને ઠીકઠીક રનનો લક્ષ્યાંક પ્રતિસ્પર્ધી ટીમને આપશે એવી આશા જાગી હતી.
હાર્દિક પંડ્યાએ (45 બોલમાં 45 રન) મૂલ્યવાન રન ઉમેર્યા હતા. 29 બોલમાં 23 કરને કે. એલ. રાહુલે પોતાની રીતે યોગદાન આપ્યું હતું. જોકે, પાછલા ક્રમે ખાસ રન નહીં બનવાથી છેવટે ભારત 50 ઓવરમાં 249/9 સ્કોર બનાવી શક્યું હતું. મેટ હેન્રી (5/42) ન્યુ ઝીલેન્ડ માટે મુખ્ય બોલર પુરવાર થયો હતો.
ન્યુ ઝીલેન્ડની ઇનિંગ્સઃ વિલિયમસન એકલો લડ્યો
ન્યુ ઝીલેન્ડની ઇનિંગ્સ સાવધાનીપૂર્વક શરૂ થઈ હતી. ભારતની સ્પિન બોલિંગ સામે એના મોટાભાગના બેટ્સમેન કશું સિદ્ધ કરવામાં છેવટે ઓછા પડ્યા હતા. વરુણ ચક્રવર્તી (5/42) મુખ્ય વિનાશક સાબિત થયો હતો જેણે વિલ યંગ (22), ગ્લેન ફિલિપ્સ (12), માઇકલ બ્રેસવેલ (2), મિચેલ સેન્ટનર (28), અને મેટ હેન્રી (2)ને આઉટ કરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સુકાની કેન વિલિયમસને લડત આપતાં 120 બોલમાં 81 રન બનાવ્યા હતા. પરંતુ અન્ય બેટ્સમેનોનો તેને સાથ મળ્યો નહોતો. ડેરિલ મિચેલ (17), ટોમ લેથમ (14), અને રચીન રવીન્દ્ર (6) ઇનિંગ્સને સ્થિર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ન્યુ ઝીલેન્ડના પાછલા બેટ્સમેન ભારતીય બોલિંગ અને ફિલ્ડિંગ સામે સરિયામ નિષ્ફળ રહ્યા હતા. કુલદીપ યાદવ (2/56) અને અક્ષર પટેલે (1/32) લીધેલી મહત્ત્વપૂર્ણ વિકેટ્સે ન્યુ ઝીલેન્ડને 45.3 ઓવરમાં 205 રન પર ઓલઆઉટ કરવામાં ફાળો નોંધાવ્યો હતો.
મેચના મુખ્ય પડાવ
- શ્રેયસ ઐયરના મહત્ત્વપૂર્ણ 79 રન, જેણે ભારતનો સન્માનજનક સ્કોર ઊભો કરવામાં સિંહફાળો નોંધાવ્યો હતો.
- વરુણ ચક્રવર્તીની પાંચ વિકેટ્સે ન્યુ ઝીલેન્ડની બેટિંગ લાઇન-અપની કરોડરજ્જુ તોડી નાખી હતી.
- કેન વિલિયમસનના 81 રન ન્યુ ઝીલેન્ડને બચાવવા પૂરતા નહોતા.
- મેટ હેન્રીની શાનદાર 5/42 બોલિંગે ભારતને નિયંત્રણમાં રાખ્યું પણ અન્ય બોલર્સ ખાસ કશું કરી નહોતા શક્યા.
તસવીરો સૌજન્યઃ આઈસીસી અને બીસીસીઆઈના એક્સ હેન્ડલ્સ