ચબૂતરાને પ્રવૃત્ત રાખવાનું કાર્ય અહીંના રહેવાસીઓ સાથે મળીને સંભાળે છે. પક્ષીઓ ઉપરાંત અહીં ખિસકોલીઓ પણ સતત આવતી રહે છે

હજી થોડા મહિના પહેલાં જ આ ચબૂતરાના રિનોવેશનનું કાર્ય પાર પાડવામાં આવ્યું હતું. આ ચબૂતરો આશરે નેવું વરસ જૂનો હોવાની ધારણા છે. પોળ એક જમાનામાં સંપૂર્ણપણે રેસિડેન્શિયલ હતી અને તેની સોએ સો ટકા વસતિ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની હતી. અદાણી ગ્રુપવાળા ગૌતમભાઈનું ઘર પણ આ પાડામાં આવેલું છે. ભલે અદાણી પરિવાર હવે આ ઘરમાં રહેતો નથી પણ તેણે ઘરને સરસ મજાના પુસ્તકાલયમાં પરિવર્તીત કર્યું છે. પહેલાં ૧૮૦ ઘર સામે આજે અહીં વીસેક પરિવારો વસે છે. ઘરની ઘટતી સંખ્યાની સામે અહીં દુકાનો અને ઓફિસની સંખ્યામાં છેલ્લાં પાંચ વરસથી નિરંતર વૃદ્ધિ થઈ રહી છે, જે એક સાહજિક પરિવર્તન છે.
એક સ્થાનિક ભાઈ પાસેથી મળેલી માહિતી મુજબ ચબૂતરાનું નિર્માણ ભોળાભાઈ મોહનલાલ પરિવારે કરાવ્યું હતું. રિનોવેશન વખતે પથ્થરના ચબૂતરાના નીચેના ભાગમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. તેનું કારણ મૂળ ચબૂતરાના અમુક ભાગ ધ્વસ્ત થયા હતા એ હતું. ચબૂતરાના ઉપરના ભાગને જોકે યથાવત્ જાળવી રાખવામાં આવ્યો છે. ચબૂતરાને પ્રવૃત્ત રાખવાનું કાર્ય અહીંના રહેવાસીઓ સાથે મળીને સંભાળે છે. પક્ષીઓ ઉપરાંત અહીં ખિસકોલીઓ પણ સતત આવતી રહે છે.
એક જમાનામાં ચણ માટે અહીંના વાસુપૂજ્ય સ્વામી દેરાસરની વર્ષગાંઠના શુભ દિવસે ફાળો ઉઘરાવવાની પ્રથા પણ હતી. આ દેરાસરનું બાંધકામ લાકડાંનું છે. તેમાં થયેલું કોતરકામ ખરેખર મનોહર છે. આ દેરાસર બે માળના ઘર દેરાસર શૈલીનું છે તેનું નિર્માણ ૪૦૦ વરસ પહેલાં મોતીશા મુલચંદ કડિયાએ કરાવ્યું હતું તેવો ઉલ્લેખ અહીં જાણવા મળે છે. આ ઉપરાંત શીતલનાથજી, શાંતિનાથજી અને અજિતનાથજી ભગવાનનાં દેરાસર પણ અહીં આવેલાં છે.
I have just three things to teach: simplicity, patience, compassion. These three are your greatest treasures.
– Lao Tzu
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.