અમદાવાદના ચબૂતરા – ટંકશાળની પોળ
In brief · AI summary અમદાવાદની ટંકશાળની પોળમાં આવેલો અષ્ટકોણ પથ્થરનો ચબૂતરો આશરે ૪૦૦ વર્ષથી વધુ જૂનો હોવાનું માનવામાં આવે છે. તેનો ઉપલો ભાગ અત્યંત સુંદર છે, પરંતુ ઓટલાનો ભાગ તાત્કાલિક સમારકામ માગે તેટલો જર્જરિત છે. રહેવાસીઓએ ચબૂતરા પર પક્ષીઓ માટે પાણીનું કૂંડું બાંધ
આ ચબૂતરો બે વિરોધાભાસ એકસાથે આપણી આંખ સામે લાવે છે. એક તો એ કે એનો ઉપલો ભાગ બેહદ સુંદર છે તો બીજો એ કે તેનો ઓટલાનો ભાગ ત્વરિત સમારકામ માગે તેટલો દુર્દશામાં છે

ટંકશાળની પોળમાં એક નહીં પણ બે ચબૂતરા છે. તેમાંનો એક એટલે પથ્થરનો બનેલો અત્યંત મનમોહક ચબૂતરો. અષ્ટકોણનો બનેલો આ ચબૂતરો પોળોના સૌથી જૂના ચબૂતરામાંનો એક હશે. આ ચબૂતરો આશરે ૪૦૦ વરસથી વધુ જૂનો હશે. આ ચબૂતરો બે વિરોધાભાસ એકસાથે આપણી આંખ સામે લાવે છે. એક તો એ કે એનો ઉપલો ભાગ બેહદ સુંદર છે તો બીજો એ કે તેનો ઓટલાનો ભાગ ત્વરિત સમારકામ માગે તેટલો દુર્દશામાં છે.
બાંધકામની દૃષ્ટિએ જોતાં એક સ્તંભ પર ઊભેલા આ ચબૂતરાનો મુખ્ય ભાગ ખૂબ જ સુંદર કોતરકામ ધરાવે છે. રહેવાસીઓએ ચબૂતરા પર પક્ષીઓને પાણી મળી રહે તે માટે બાંધેલું કૂંડું પણ દૃષ્ટિગોચર થાય છે. જોકે કૂંડા સાથે ચબૂતરાનો ઉપયોગ વસ્ત્રો સૂકવવા માટે દોરડીઓ બાંધવાની ભીંત તરીકે પણ થાય છે એ કેવી વાત!
આ ચબૂતરામાં અનાજ-દાણા માટે કોઈ નક્કર વ્યવસ્થા આવી નથી. ભલે અહીં રહેવાસીઓનાં વસ્ત્રો સૂકાતાં દેખાય પણ ક્યારેક જે જૈનોની વસતિથી ધમધમતો વિસ્તાર હતો તે આજે વેપારી વિસ્તાર થઈ ગયો છે. છતાં પોતપોતાની રીતે લોકો ચણ નાખે છે એ એક રાહતદાયી બાબત છે.
ચણની સચોટ વ્યવસ્થા, ઓટલાનું સમારકામ અને આસપાસની ગંદકી વગેરેથી આ ચબૂતરાનો છુટકારો કરાવવા માટે જરૂર છે આપણી લાગણીની અને કાળજીની.
चींटी हमें दयावान बनाती है,
बुलबुल चहकना सिखाती है,
कोयल बताती है क्या होता है गान,
कबूतर सिखाता है शांति का सम्मान।
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.