રામાયણ, મહાભારત જેવી આપણી કથાઓની જેમ ગ્રીક પુરાણકથા આધારિત આ ફિલ્મ ખાસ્સી ગાજી રહી છે. એની આઈમેક્સની ટિકિટના ભાવ આસમાને છે. ઘણાને સવાલ થઈ રહ્યો છે કે દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની આ ફિલ્મમાં એવું તે વળી શું છે કે… તો, એવું શું છે એ જાણવા વાંચો આ લેખ. ફિલ્મની વાર્તા અને ગ્રીક પુરાણકથાનાં અગત્યનાં પાત્રો અને સ્થળો વગેરેની વિગતો પણ અહીં છે. સાથે છે આઈમેક્સ કેમેરાની સમજણ આપતી રસાળ વિગતો. ગો અહેડ, એન્જોય!
સંજય વિ. શાહ
આઈમેક્સ કેમેરાથી, આઈમેક્સ ફોરમેટ માટે બનેલી અંગ્રેજી ફિલ્મ, સામાન્ય થિયેટરમાં જોવી જોઈએ? એ પણ હિંદીમાં? કોને ખબર… પણ શુક્રવારે એવું કર્યું. ધ ઓડિસી હિંદીમાં જોઈ, રેગ્યુલર થિયેટરમાં જોઈ. કદાચ 40-50થી ઓછા પ્રેક્ષકો વચ્ચે જોઈ. આશય હતો… સમયમર્યાદા વચ્ચે સૌથી પહેલા જ્યાં ક્રિસ્ટોફર નોલાનની આ નવતર અને સંપૂર્ણપણે આઈમેક્સ કેમેરા પર શૂટ થયેલી ફિલ્મ જોઈ શકાય ત્યાં પહેલા દિવસે જોઈ લેવી.
અને હા, આઈમેક્સની ટિકિટ તો લીધી છે જ. એમાં જોવાનું હવે થશે.
ફિલ્મ કેવીક છે? ટૂંકી ને ટચ વાત કરીએ તો, ઐતિહાસિક વિષયોની, ઊંડાણભરી ફિલ્મના શોખીનોએ એકવાર જોવી જ જોઈએ એવી. અત્યાર સુધી 13 ફિલ્મો બનાવનારા દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની આગવી ફિલ્મમેકિંગ સ્ટાઇલ છે. એકાદ-બેને બાદ કરતાં એમની બધી ફિલ્મો મુઠ્ઠી ઊંચેરી છે. એમાં 2008ની ધ ડાર્ક નાઇટ અને 2014ની ઇન્ટરસ્ટેલાર બેસ્ટ છે. લગભગ એટલી જ સરસ ઇન્સેપ્શન, ધ પ્રેસ્ટિજ અને નોલાનની આ પહેલાંની ફિલ્મ, ઓપનહાઇમર, છે.
ધ ઓડિસી પર આવીએ એ પહેલાં એક અગત્યની વાત.

ફિલ્મ આઈમેક્સમાં જ અને અંગ્રેજીમાં જ જોઈ હોત તો અનુભવ સદંતર અલગ રહ્યો હોત. મારો દીકરો જોઈ આવ્યો છે. વખાણ કરતાં એ થાકી નથી રહ્યો. સામે પક્ષે, હિંદીમાં જોવામાં પણ અલગ એક્સપિરિયન્સ અને થોડું આશ્ચર્ય રહ્યું. એવું કે મારા સાથી દર્શકોને ધ ઓડિસી (પુરાણકથા) કે નોલાન વિશે ખાસ ખબર નહોતી. ફિલ્મ ત્રણેક કલાકની છે એની પણ એમને કદાચ જાણ નહોતી. છતાં, અને આઈમેક્સ ઇફેક્ટ્સની બાદબાકી થઈ ગઈ હોવા છતાં, તેઓ ફિલ્મથી પ્રભાવિત થયા હતા. ધેટ્સ ધ પાવર ઓફ અ સુપર્બ ફિલ્મ.
વાંચનની પ્રવાહિતા માટે અહીં બેએક બાબતોની કાળજી લીધી છે. ફિલ્મની કથા અલગથી અને વિગતવાર જણાવી છે. બીજું, ફિલ્મમાં દેખાતા અને (પુરાણકથા ઓડિસીમાં હોવા છતાં) ફિલ્મમાં નહીં દેખાતાં પાત્રો, સ્થળો વગેરેનાં ગુજરાતી અને અંગ્રેજી નામની યાદી અલગથી આપી છે. એને જોઈ લેશો, ખાસ તો જો ફિલ્મ હવે જોવાના હોવ તો.
તો, ધ ઓડિસી મેં ક્યાં ખાસ હૈ?
ઓથેન્ટિસિટી… અન્ય ફિલ્મોની તુલનામાં ધ ઓડિસી ક્યાંય વધુ વાસ્તવિક લાગે છે. કૃત્રિમ, નકલી ઇફેક્ટ્સની જગ્યાએ અહીં રિયલિસ્ટિક જાદુ છે. શૂટિંગ માટેનાં મોરોક્કો, આઇસલેન્ડ, માલ્ટાનાં જે લોકેશન્સ જાદુમાં ઉમેરો કરે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક (લુડવિગ ગોસાન્સન) એક બળુકું પાત્ર છે. આઈમેક્સમાં ફિલ્મ જોનારા એનો જબરદસ્ત અનુભવ કરી શકશે.
પાત્રોનાં કોસ્ચ્યુમ્સ વગેરે ખાસ અપીલિંગ નથી. ઇન ફેક્ટ, ફિલ્મના ફર્સ્ટ લૂકની જ્યારે રજૂઆત થઈ હતી ત્યારે મૅટ ડેમનના ઓડિસિયસ લૂકની આલોચના થઈ હતી. નોલાનચાહકો અને જાણકારઓ જોકે એને ચોક્કસ ગણતરી લેખાવી હતી. એક દાવો એવો હતો કે ફિલ્મ એમિલ વિલ્સનના એ ભાવાનુવાદથી પ્રેરિત છે જેમાં ઓડિસિયસને રજવાડી ઠાઠમાં મહાલતો નહીં, વ્યવહારુ, સંઘર્ષરત યોદ્ધા દર્શાવાયો છે. સાથે, ગ્રીક સૈનિકના નિયમો કરતાં ઓડિસિયસનાં વસ્ત્રોમાં દસ વરસ રઝળપાટ કરનારા, ઘેર પાછા જવા તલસતા રાજાની છબિ ઝળકે એની કાળજી રખાઈ છે એવું પણ જણાવાયું હતું. ઓડિસિયસનાં વસ્ત્રોને એક કોરાણે મૂકીએ તો પણ અન્ય પાત્રોનાં વસ્ત્રોમાં પણ ઐતિહાસિક ફિલ્મોમાં ક્યારેક વર્તાઈ જતી ખૂબીઓ અહીં ભાગ્યે જ વર્તાય છે.

અભિનય? ફિલ્મમાં મૅટ ડેમન અતિશય કમાલ છે જ, અન્ય અમુક કલાકારો પણ પ્રભાવશાળી છે. શિરમોર રોબર્ટ પેટિન્સન છે, જેઓ એન્ટિનોઅસનું પાત્ર ભજવે છે. પેટિન્સનની વિલનગીરી દાદુ છે. ચુનંદાં સિક્વન્સીસમાં પેનેલોપી તરીકે એની હેથવે, સિર્સ તરીકે સામંથા મોર્ટોન, અથેના તરીકે ઝેન્ડાયા, યુમેઅસ તરીકે જોન લિગ્યુઝામો મસ્ત છે. આપણો ગુજરાતી કલાકાર હિમેશ પટેલ યુરિલોકસના વજનદાર પાત્રમાં રંગ રાખે છે. કેલિપ્સો તરીકે ચાર્લીઝ થેરોન એના ચાહકોને ગમશે.
હિંદીમાં ફિલ્મ જોવાના છો? તો માનસિક તૈયારી રાખજો… અસલ આઈમેક્સ વર્ઝન કરતાં હિંદીમાં ધ ઓડિસી ઓછી અસરકારક લાગશે. આપણી પુરાણકથા વિદેશી ભાષામાં કન્વર્ટ થયે જે સ્થિતિ સર્જાય એવું હિંદી વર્ઝનનું છે. અમુક સંવાદો સચોટ રીતે હિંદીફાઇડ થયા છે પણ અનેક સંવાદોને એવું સૌભાગ્ય નથી મળી શક્યું. છતાં, જેઓ અંગ્રેજી વર્ઝન માણવા પૂરી રીતે સજ્જ નથી તેમના માટે, “ન મામા કરતાં…” ન્યાયે આ હિંદી વર્ઝન કામની છે.
હિંદીમાં ધ ઓડિસી લાંબી લાગી શકે છે. 172 મિનિટ લંબાઈ છે. આઈમેક્સમાં લંબાઈ કઠશે નહીં એની ગેરન્ટી. બારીકીભર્યા ડિટેઇલિંગને કારણે આઈમેક્સમાં ફિલ્મ પળેપળ જકડી રાખશે.
મેકિંગની સૌથી મોટી નબળાઈ એ છે કે ફિલ્મ કટકે કટકે કહેવાતી વાર્તાને જોડીને પીરસ્યા જેવી લાગે છે. કદાચ એટલે કે સવિસ્તૃત અને પથરાયેલી કથાને ત્રણ કલાકમાં કહી દેવાની મર્યાદા છે. વિરહવર્ણન અને લાગણીપ્રદર્શનમાં ધ ઓડિસી થોડી ઊણી ઊતરે છે. આવું જોકે નોલાનની ફિલ્મોમાં ભૂતકાળમાં પણ થયું છે. દર્શકોને ભવ્યતા, દૃશ્યોની ઓથેન્ટિસિટીથી અભિભૂત કરતી વખતે નોલાન અન્ય બાબતોને થોડી ગૌણ સમજી લેવાનો સર્જકીય સ્વભાવ ધરાવતા હશે?
સવાલ એ નથી કે ધ ઓડિસી દરેકને ગમશે કે નહીં. સવાલ એ છે કે આવી ફિલ્મો બનવી જોઈએ કે નહીં. જવાબ છે, હા. કારણ, આવી ફિલ્મો સિનેમાને નર્યું મનોરંજનનું સાધન રહેવા દેતી નથી. આવિ ફિલ્મો જ સિનેમાને સંસ્કૃતિ, ઇતિહાસ અને પુરાણકથાના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનું સશક્ત માધ્યમ બનાવે છે. નોલાને હોમરની અમર કથાને પોતાની શૈલીમાં પડદા પર ઉતારી છે. ક્યાંક ઝડપથી, ક્યાંક સંક્ષેપમાં, ક્યાંક પોતાની કલ્પનાશક્તિનો ઉમેરો કરીને. એના અર્કરૂપે, અંતે, જે પરિણામ સર્જાયું છે એ દરેક દૃષ્ટિએ પરફેક્ટ નહીં છતાં ભવ્ય ચોક્કસ છે.
છેલ્લી ટિપઃ માત્ર મસાલા મનોરંજન શોધતા હોવ તો ધ ઓડિસી કદાચ તમારા માટે નથી. પરંતુ મહાકાવ્યો, પુરાણકથાઓ, ભવ્ય દૃશ્યો અને વિચારપ્રેરક સિનેમા ગમતાં હોય તો નોલાનની સફરમાં જોડાવું રહ્યું. અને હા… શક્ય હોય તો આઈમેક્સમાં જ, અંગ્રેજીમાં જ. કદાચ ત્યારે સમજાશે કે વિશ્વભરમાં ધ ઓડિસી વિશે આટલી ચર્ચા શાને છે.
ધ ઓડિસીઃ કથાનક
નોંધઃ ધ ઓડિસીની કથા રામાયણ કે મહાભારતની જેમ અજાણ નથી. અજાણ હશે તો એમના માટે જેઓ એનાથી અપરિચિત હશે. આ કથાનક એમના માટે ઉપયોગી છે જેઓ ધ ઓડિસી જોતા પહેલાં એની કથા શું કહે છે એ જાણવા ચાહે છે. ફિલ્મ જોતા પહેલાં જેઓ ગ્રીક પુરાણકથાથી સુસંગત થવા ચાહતા હોય એમને પણ કથાનક કામ આવશે. સ્પોઇલર્સ કે રસક્ષતિ થાય એવું અહીં કશું નથી. વધુમાં વધુ એટલું હશે કે નોલાને જે રીતે કથા માંડી છે એનો ખ્યાલ આવી જાય. તેથી, જેઓ ફિલ્મ જોતા પહેલા, “પ્લીઝ, આ બધું નહીં કહેતા…” એવું મનમાં ધારી રહ્યા હોય તેઓ કથાનક વાંચે નહીં. બાકીનાઓ માટે, આ રહી ફિલ્મની કથા…
ધ ઓડિસીનો પ્રવાહ નોન-લિનિયર શૈલીમાં વહે છે. શરૂઆતમાં પડદે લખેલું આવે છે,”આભાસી જાદુના સમયમાં…” સ્થળ છે ઇથાકા ટાપુમાં સ્થિત ઓડિસિયસનો મહેલ. એમાં ભાટ (લોકગાયક) કથા કહી રહ્યો છે… “આ મહેલ લાંબા સમયથી તેના રાજા ઓડિસિયસ વિનાનો છે… ઓડિસિયસ ટ્રોજન યુદ્ધ પછી ગુમ થઈ ગયા હતા. ઉમરાવ એન્ટિનોઅસ સહિત કેટલાક મુરતિયા ઓડિસિયસ અને એની પત્ની પેનેલોપીના દીકરા ટેલેમેકસ પાસેથી ઇથાકાનું રાજપાટ છીનવી લેવા અને પેનેલોપીને પોતાની કરવા આક્રમક થયા છે. માત્ર પેનેલોપી, ટેલેમેકસ હવે અર્ધઅંધ યુમેઅસને વિશ્વાસ છે ઓડિસિયસના પુનરાગમનની…”
ટેલેમેકસ પિતાની ભાળ મેળવવા એના શિક્ષક અને ઓડિસિયસના મિત્ર મેન્ટર સાથે સ્પાર્ટાના રાજા મેનેલાઓને મળવા સ્પાર્ટા ટાપુ જાય છે. એન્ટિનોઅસને ખબર પડતાં એ જીભ કચરે છે, “ટેલેમેકસ પાછો ફરે કે એની હત્યા કરી નાખીશ.” પેનેલોપીના અન્ય દાવેદાર પોલીબસ સાથે એ ઇથાકાને લૂંટવાનું ષડયંત્ર પણ રચે છે.
ટેલેમેકસ પહોંચે છે સ્પાર્ટા. રાજા મેનેલાઓસ અને તેની પત્ની હેલન ટેલેમેકસનને ઓડિસિયસની કથાઓ કહે છે, જેમાં સામેલ છે ટ્રોજનના યુદ્ધની ઘટના…
પોતાના સાથી સિનોનનો ચાલાકીભર્યો ઉપયોગ કરીને અને કાષ્ઠના વિશાળ અશ્વમાં સંતાઈને ઓડિસિયસ અને સાથીઓ કેવી રીતે ટ્રોયમાં ઘૂસણખોરી કરે છે એની ઘટના…
સિનોન ટ્રોયના રાજા પ્રિયમ અને લોકો સમક્ષ પોતાને એક લાચાર અને નાસી ગયેલા સૈનિક તરીકે સફળતાપૂર્વક પેશ કરે છે. સાથે, એ પણ એમના ગળે ઉતારી દે છે કે દરિયાકિનારે પડેલો કાષ્ઠનો વિશાળ અશ્વ જો ટ્રોય નગરમાં રાખવામાં આવશે તો નગર પર અથેનાદેવીની એવી કૃપા રહેશે કે એ કાયમ અજેય રહેશે.
ટ્રોયના લોકો કાષ્ઠનો અશ્વ નગરમાં લઈ જાય છે. રાતે એમાંથી ઓડિસિયસ અને સાથીઓ બહાર નીકળીને નગરનાં દ્વાર ખોલી નાખે છે. એ સાથે બહારથી એમના સાથીઓની વણજાર પેસે છે ટ્રોયમાં. ભયાનક યુદ્ધમાં એ સાથે ટ્રોયનું પતન થાય છે. સાથે થાય છે દેવી અથેનાનું અપમાન.
યુદ્ધમાં ઓડિસિયસ સાથે રહેનારા પશ્ચાત અગામેમ્નન અને મેનેલાઓસ ઘરે પાછા જાય છે. ઓડિસિયસ સેના અને યુરિલોકસ સાથે અથેનાના માર્ગદર્શનમાં દરિયે આગળ વધે છે. પ્રવાસની ખાધાખોરાકી માટે એક તેઓ ટાપુએ પહોંચે છે. ત્યાં પોલિફેમસ નામનો સાયક્લોપ્સ (એક આંખવાળો રાક્ષસ) તેમને બાનમાં લે છે. એનાથી બચવા તેઓ પોલિફેમસની આંખ ફોડીને નાસી છૂટે છે. પછી ખબર પડે છે પોલિફેમસ દરિયાના દેવ પોસાઇડનનો દીકરો! ગિન્નાયેલા પોસાઇડનના કોપમાં તેઓ દરિયે રાહ ભટકીને પહોંચે છે ઐએઆ ટાપુ, જ્યાં કદાવર સાઇઝના લેસ્ટ્રિગોનિયન્સ તેમના પર તૂટી પડે છે. એમનાથી જાન બચાવવામાં સફળ થનારા થોડા સૈનિકો ઓડિસિયસને તરછોડીને સર્સી નામની ડાકણ-જાદુગરાણીનું તરણું ઝાલે છે. પેલી બધાને ભૂંડ બનાવી નાખે છે. ઓડિસિયસ એમને ફરી માણસ બનાવવા માનવમાંથી મૃગ બનેલા જીવને મારી નાખે છે. સર્સી ચેતવે છે, “તારે ઇથાકા પહોંચવું હોય તો ઓશનસ નદી પાર કરીને પાતાળલોક થઈને જ જવું પડશે.” કારણ, માત્ર ટાયરેસિયસનો આત્મા ઓડિસિયસને જણાવી શકે એમ છે કે પોસાઇડનના ક્રોધથી બચતાં ઇથાકા કેવી રીતે પહોંચવું.
ઓડિસિયસ ટાયરેસિયસના આત્માને મળે છે. એ ભવિષ્ય ભાખે છેઃ ઈશ્વરેચ્છા એવી છે કે માત્ર તમે જીવતા ઇથાકા પહોંચો. ઓડિસિયસ એની ભવિષ્યવાણીને પડકારે છે. ઓડિસિયસને સિનોનનો આત્મા પણ મળે છે. એ એન્ટિનોઅસના ષડયંત્રનો પર્દાફાશ કરતાં જણાવે છે કે તેને ગ્રીક સેનામાં એન્ટિનોઅસની જગ્યા લેવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. છેલ્લે, અગામેમ્નનનો આત્મા ખુલાસો કરે છે કે તેની પત્ની ક્લાઇટેમનેસ્ટ્રાએ એ સ્પાર્ટા પાછો પહોંચ્યો કે તેની હત્યા કરી નાખી હતી. એું કેમ? અનુકૂળ સમુદ્રીસફર માટે અગામેમ્નને આર્ટેમિસદેવીને પોતાની દીકરી ઇફિજેનિયાની બલિ અર્પી હતી અને તેથી લેવાયો બદલો.
ત્યાં ઓડિસિયસના મૃત સૈનિકોનાં ભૂતો ઓડિસિયસ સહિતના બચી ગયેલા સૈનિકોને પાતાળલોક બહાર નસાડે છે. ટાયરેસિયસને અનુસરતાં ઓડિસિયસ, યુરિલોકસ અને બાકીના સૈનિકો કેરિબ્ડિસ, સ્કિલ્લા અને સાયરન્સની આફતોમાંથી જીવતા બચી નીકળે છે. થ્રિનાસિયા ટાપુ પર ઓડિસિયસ એના માણસોને હેલિયોસનાં ગાય-બળદોને નહીં મારવાની ચેતવણી આપતાં કહે છે, “ટાયરેસિયસની ભવિષ્યવાણી મુજબ, જો હેલિયોસનાં ગાય-બળદ મારશો તો સૌ મરશો.” છતાં, ભૂખથી ટળવળતા સૈનિકો પશુઓની કતલ કરે છે અને ટાપુ પરથી ભાગવાનો પ્રયત્ન કરતાં પોસાઇડનનું વાવાઝોડું એમનું વહાણ ડુબાડી દે છે. ઓડિસિયસ સિવાયના સૌ પતી જાય છે.
એકલો ઓડિસિયસ સમુદ્રનાં મોજાંમાં અથડાતો-કુટાતો ઓગિજિયા ટાપુના કિનારે પહોંચે છે. ત્યાં અપ્સરા કેલિપ્સો તેના પોતાના પ્રેમમાં પાડવા સાથે, એને એનો ભૂતકાળ-પરિવાર ભુલાવી દેવા ખાસ કમળપુષ્પો ખવડાવીને નશામાં રાખે છે. છેવટે, સાત વરસે કેલિપ્સોને ઓડિસિયસના પારિવારિક ઝુરાપાની દયા આવે છે. કેલિપ્સો ઓડિસિયસને હંગામી તરાપા પર સવાર થઈ જવા દે છે. ઓડિસિયસ ઇથાકા પહોંચે છે. યુમેઅસ એને ઉત્પાત મચાવતા અને પેનેલોપીને પામવા તરફડતા મુરતિયાઓ વિશે જણાવે છે. સાથે જણાવે છે કે ટેલેમેકસ અને મેન્ટરની હત્યા કરવા આ ઉત્પાતિયાઓએ એક મંદિરમાં પૂજારીઓના વેશમાં હત્યારા મોકલ્યા છે. પછી મેન્ટર મૃત્યુ પામે છે પણ ઓડિસિયસ ટેલેમેકસને બચાવી લે છે. જોકે પોતાની ઓળખ છુપાવતા એ કહે છે કે હું સિનોન છું અને પેલા હત્યારાઓને પતાવી નાખે છે.
ટેલેમેકસ ઓડિસિયસને મહેલે લઈ જાય છે. વફાદાર શ્વાન આર્ગોસ પોતાના માલિક ઓડિસિયસને ઓળખી લઈને પ્રાણ ત્યજે છે. ટેલેમેકસ ઓડિસિયસનો પોતાના પિતા તરીકે સ્વીકાર કરે છે. છેલ્લે, તણાવપૂર્ણ ભોજન સમારંભ યોજાય છે. ઓડિસિયસ એન્ટિનોઅસને કહી દે છે કે તેં સિનોનને દગો આપ્યાની મને જાણ છે. ભોજન પછી એક સરસ દૃશ્યમાં હજી છદ્મવેશે રહેતો ઓડિસિયસ પેનેલોપી સમક્ષ પોતાના ગુનાની કબૂલાત કરે છે… મેં ટ્રોજન હોર્સની યોજના ઘડીને ઝિયસના કાયદાનું, પરસ્પર સન્માનનું, ઉલ્લંઘન કર્યું, મેં નિર્દોષ ટ્રોજન લોકોને માર્યા, મેં અથેનાદેવીની પૂજારણની હત્યા કરવા ઉપરાંત તેની મૂર્તિનું અપમાન કર્યું…
ઓડિસિયસ કબૂલ કરે છે કે મારાં અપકૃત્યોને લીધે લોહીતરસ્યા સમુદ્રી લોકોની વાર્તાઓ જન્મી છે. તે માફી માગે છે…
…પેનેલોપી પોતાના પુનર્લગ્નની ઘોષણા કરતાં ઉત્પાતિયા મુરતિયાઓને કહે છે, “જે કોઈ આ ધનુષ પર પણછ ચડાવશે અને તીરને કુહાડીઓના છિદ્રોની હારમાળાથી આરપાર કરશે એની સાથે હું પરણીશ.” પડકાર ઝીલવામાં તમામ મુરતિયા વિફળ જાય છે ત્યારે ઓડિસિયસ આગળ આવે છે. ભિક્ષુકવેશી ઓડિસિયસની હાંસી થાય છે પણ એ ધનુષ પર પણછ ચડાવીને તીર છિદ્રોની આરપાર કરી દે છે.
અંતે, પોતાની ઓળખ છતી કરવા સાથે ઓડિસિયસની એક પછી એક મુરતિયાઓને મોતને ઘાટ ઉતારે છે. જે બચી જાય છે એ શરણાગતિ સ્વીકારે છે. ઓડિસિયસ રાજપાટ ટેલેમેકસને સોંપે છે. મૃતકોના સન્માનમાં એ પેનેલોપી સાથે પશ્ચિમ તરફ સફર આદરે છે અને…
ધ ઓડિસીઃ ગાઇડ – મુખ્ય પાત્રો, સ્થળો અને શબ્દાવલી
ઓડિસિયસ (Odysseus) – ઇથાકાનો રાજા, ટ્રોજન યુદ્ધનો ગ્રીક નાયક અને ધ ઓડિસીનું મુખ્ય પાત્ર.
ઇથાકા (Ithaca) – ગ્રીસના આયોનિયન સમુદ્રમાં આવેલો ટાપુ અને ઓડિસિયસનું રાજ્ય. એની રાજધાનીનું નામ પણ ઇથાકા.
પેનેલોપી (Penelope) – ઓડિસિયસની પત્ની, પતિની વીસ વર્ષ સુધી વફાદારીથી રાહ જોતી રાણી.
ટેલેમેકસ (Telemachus) – ઓડિસિયસ અને પેનેલોપીનો પુત્ર.
મેન્ટર (Mentor) – ઓડિસિયસનો મિત્ર અને ટેલેમેકસનો માર્ગદર્શક; તેમના નામ પરથી અંગ્રેજી શબ્દ mentor પ્રચલિત થયો.
યુમેઅસ (Eumaeus) – ઓડિસિયસનો વફાદાર અને અર્ધઅંધ ડુક્કરપાળ.
એન્ટિનોઅસ (Antinous) – પેનેલોપી સાથે લગ્ન કરવા માગતા દાવેદારોમાં સૌથી શક્તિશાળી અને અહંકારી.
યુરિલોકસ (Eurylochus) – ઓડિસિયસનો વિશ્વાસુ અધિકારી, મુખ્ય સાથીઓમાંનો એક. આ પાત્ર ગુજરાતી કલાકાર હિમેશ પટેલ ભજવે છે.
અગામેમ્નન (Agamemnon) – માયસીનીનો રાજા, ગ્રીક સેનાનો સર્વોચ્ચ સેનાપતિ અને મેનેલાઓસનો મોટો ભાઈ.
મેનેલાઓસ (Menelaus) – સ્પાર્ટાનો રાજા, હેલનનો પતિ અને અગામેમ્નનનો નાનો ભાઈ.
હેલન (Helen of Sparta / Helen of Troy) – ગ્રીક પુરાણકથાની અતિસુંદર રાણી, જેના અપહરણથી ટ્રોજન યુદ્ધ શરૂ થયું.
પેરિસ (Paris) – ટ્રોયનો રાજકુમાર, જે હેલનને ટ્રોય લઈ જાય છે, એ ઘટના ટ્રોજન યુદ્ધનું કારણ બની.
પ્રિયમ (Priam) – ટ્રોયનો વૃદ્ધ રાજા અને પેરિસનો પિતા.
હેક્ટર (Hector) – ટ્રોયનો યુવરાજ અને મહાન યોદ્ધા, પેરિસનો મોટો ભાઈ.
એકિલીસ (Achilles) – ગ્રીક સેનાનો સર્વશ્રેષ્ઠ યોદ્ધા.
સિનોન (Sinon) – ગ્રીક જાસૂસ, જેણે ટ્રોજન હોર્સ અંગે ટ્રોયના લોકોને છેતર્યા.
દેવીદેવતાઓ
ઝિયસ (Zeus) – દેવોના રાજા, આકાશ, વીજળી અને ગર્જનાના દેવ.
હેરા (Hera) – દેવોની રાણી, ઝિયસની પત્ની અને લગ્ન તથા પરિવારની દેવી.
પોસાઇડન (Poseidon) – સમુદ્ર, તોફાન અને ધરતીકંપના દેવ.
અથેના (Athena) – બુદ્ધિ, વ્યૂહરચના અને ન્યાયની દેવી; ઓડિસિયસની મુખ્ય રક્ષક દેવી.
એરેસ (Ares) – યુદ્ધ અને હિંસાના દેવ.
અપોલો (Apollo) – સંગીત, ભવિષ્યવાણી, કવિતા અને તીરંદાજીના દેવ.
આર્ટેમિસ (Artemis) – શિકાર, વન્યજીવન અને ચંદ્રની દેવી.
એફ્રોડાઇટ (Aphrodite) – પ્રેમ અને સૌંદર્યની દેવી.
હર્મિસ (Hermes) – દેવદૂત, પ્રવાસીઓ અને વેપારીઓના દેવ.
હેફેસ્ટસ (Hephaestus) – અગ્નિ, ધાતુકામ અને શિલ્પકળાના દેવ.
ડીમીટર (Demeter) – ખેતી, અનાજ અને ધરતીની ફળદ્રુપતાની દેવી.
ડાયોનિસસ (Dionysus) – દ્રાક્ષારસ, નાટ્યકળા, ઉત્સવોના દેવ.
હેડીસ (Hades) – પાતાળલોકના રાજા; બાર ઓલિમ્પિયન દેવોમાં સામેલ નથી.
રાક્ષસો અને પૌરાણિક પાત્રો
પોલિફેમસ (Polyphemus) – એક આંખવાળો સાયક્લોપ્સ અને પોસાઇડનનો પુત્ર.
સાયક્લોપ્સ (Cyclops) – એક આંખવાળો વિરાટ દૈત્ય.
સર્સી (Circe) – જાદુગરણી દેવી, જે માણસોને પ્રાણીઓમાં ફેરવી શકે છે.
કેલિપ્સો (Calypso) – અપ્સરા, જેણે ઓડિસિયસને સાત વર્ષ સુધી પોતાના ટાપુ પર રોકી રાખ્યો.
ટાયરેસિયસ (Tiresias) – અંધ ભવિષ્યવેત્તા, જેના આત્મા સાથે ઓડિસિયસ પાતાળલોકમાં મળે છે.
સ્કિલ્લા (Scylla) – અનેક માથાં ધરાવતો રૌદ્ર સમુદ્રી રાક્ષસ.
કેરિબ્ડિસ (Charybdis) – સમુદ્રમાં ભયંકર વમળ સર્જતું રાક્ષસી સ્વરૂપ.
સાયરન્સ (Sirens) – મધુર ગીતોથી નાવિકોને મૃત્યુ તરફ આકર્ષતી પૌરાણિક સુંદરીઓ.
લેસ્ટ્રિગોનિયન્સ (Laestrygonians) – માનવભક્ષી વિરાટ દૈત્યોની જાતિ.
સ્થળો
ટ્રોય (Troy) – હાલના તુર્કિયેમાં આવેલું પ્રાચીન કિલ્લેબંધ શહેર.
ટ્રોજન (Trojan) – ટ્રોયના રહેવાસી અથવા ટ્રોય સાથે સંબંધિત.
ટ્રોજન યુદ્ધ (Trojan War) – ગ્રીકો અને ટ્રોય વચ્ચે થયેલું પ્રસિદ્ધ પૌરાણિક યુદ્ધ. ઇસવી સન પૂર્વે આશરે તેરમી કે બારમી સદીમાં એકીઅન્સ (ગ્રીકો) અને ટ્રોય રાજ્ય વચ્ચે લડાયું હતું. કારણ ટ્રોયના રાજકુમાર પેરિસે સ્પાર્ટાનો રાજા મેનેલાઓસની પત્ની હેલનને ઉઠાવીને ટ્રોય લઈ ગયો એ હતું.
ઐએઆ (Aeaea) – સર્સીનો ટાપુ, જ્યાં સર્સી માણસોને ડુક્કરમાં ફેરવે છે અને ઓડિસિયસ મૃગવધ કરે છે.
ઓગિજિયા (Ogygia) – કેલિપ્સોનો ટાપુ. ઓડિસિયસ એનો ભૂતકાળ કે પરિવાર ભૂલી જાય એ માટે કેલિપ્સો એને એ પ્રકારનાં કમળપુષ્પો ખવડાવતી રહે છે.
થ્રિનાસિયા (Thrinacia) – સૂર્યદેવ હેલિયોસની પવિત્ર ગાયોનો ટાપુ.
ઓશનસ (Oceanus) – ગ્રીક પુરાણકથા અનુસાર પૃથ્વીને ચારે બાજુથી ઘેરતી દૈવી નદી.
પાતાળલોક (Underworld) – મૃત આત્માઓનું રાજ્ય, જેના પર હેડીસનું શાસન છે.
અન્ય મહત્ત્વના શબ્દો
ટ્રોજન હોર્સ (Trojan Horse) – ગ્રીકોએ ટ્રોયમાં પ્રવેશવા માટે બનાવેલો કાષ્ઠનો વિશાળ અશ્વ, જેની અંદર સૈનિકો સંતાયા હતા.
એકીઅન્સ (Achaeans) – હોમરનાં મહાકાવ્યોમાં ગ્રીક સૈનિકો માટે વપરાતો પ્રમુખ શબ્દ.
ઓલિમ્પિયન્સ (Olympians) – ઓલિમ્પસ પર્વત પર નિવાસ કરતા ગ્રીક પુરાણકથાના બાર મુખ્ય દેવો.
આઈમેક્સ કેમેરા એટલે…

આઇમેક્સ (IMAX) કેમેરા ફિલ્મજગતની સૌથી શક્તિશાળી અને પ્રીમિયમ કેમેરા સિસ્ટમ છે. ફિલ્મોના ફલકને એના જેટલી કમાલની સ્પષ્ટતા કોઈ કેમેરા આપી શકતો નથી. સામાન્ય સિનેમા કેમેરાની સરખામણીમાં એની ટેક્નોલોજી તદ્દન અલગ રીતે કામ કરે છે. સામાન્ય કેમેરામાં 35 એમએમમાં ફિલ્મ શૂટ થાય અને આઈમેક્સ કેમેરામાં 70 એમએમમાં. આઈમેક્સની પટ્ટી સામાન્ય કેમેરાની પટ્ટી કરતાં ત્રણગણી હોય છે. આઈમેક્સ કેમેરામાં દૃશ્ય 1.43ઃ1ના આસ્પેક્ટ રેશિયોમાં કેદ થાય છે. સામાન્ય કેમેરામાં આસ્પેક્ટ રેશિયો 16ઃ9 હોય છે. તેથી, આઈમેક્સ કેમેરામાં શૂટ થયેલાં દૃશ્યો આડાં નહીં ઊભાં ફલકે ઉઘડે છે. એમ થતાં સામાન્ય સિનેમાની અલગ, ઉપર-નીચે, 40% વધુ એરિયા દર્શકોની આંખ સામે આવે છે. આપણે હવે 4-કે, 4-કે સાંભળીને એનાથી ખાસ્સા પરિચિત થઈ ગયા છીએ. આઈમેક્સ કેમેરા એનો બાપ કે બાપનો બાપ છે. એમાં રિઝોલ્યુશન 18-કે હોય છે. આવા રિઝોલ્યુશનમાં શૂટ થાય ત્યારે કેમેરા એવી રજેરજની વિગતો પડદે ખેંચી લાવે છે જેની કલ્પના કરવી પણ અઘરી છે. અને હા, એ પણ જાણી લો કે આઈમેક્સ કેમેરાનું વજન અધધધ 180 કિલો હોય છે. શૂટિંગ કરતી વખતે કેમેરા ખાસ્સો અવાજ કરે તેથી સાઉન્ડનું કામ અલગ પડકાર માગી લે છે.
નોલાનની પ્રસિદ્ધિ અને લોકપ્રિયતામાં એમણે આઈમેક્સ કેમેરા પર શૂટ કરેલી ફિલ્મોનો મોટો ફાળો રહ્યો છે. એમની આ પહેલાંની આઈમેક્સ ફિલ્મો છેઃ 2008ની ધ ડાર્ક નાઇટ (28 મિનિટનું ફૂટેજ), 2014ની ઇન્ટરસ્ટેલાર (એકાદ કલાકથી જરા વધુ ફૂટેજ), 2017ની ડન્કિર્ક (75%), ઓપનહાઇમર (લગભગ આખી ફિલ્મ અને એ પણ બ્લેક એન્ડ વ્હાઇટમાં) અને હવે, આખેઆખી, ધ ઓડિસી.


