અમદાવાદના ચબૂતરા – વચલી શેરી
In brief · AI summary રાયપુરમાં કોઠની પોળ પાસેની વચલી શેરીમાં આવેલો પથ્થરનો આ ચબૂતરો સોએક વરસ જૂનો છે, અને તેનું મૂળ સ્ટ્રક્ચર આજે પણ સારી સ્થિતિમાં જળવાયેલું છે. તેના સંચાલનની જવાબદારી નવયુવાનોએ ઉઠાવી લીધી છે, જેઓ સ્વૈચ્છિક ભંડોળ દ્વારા ચણની વ્યવસ્થા સંભાળે છે અને બેએક વરસ પહેલાં રંગરોગાન સહિત તેનો પુનરોદ્ધાર કર્યો હતો. યુવાનોના આ પ્રયાસમાં સમાજનો સાથ મળે તે ઇચ્છનીય છે.
ખાસ્સા લાંબા સમય સુધી એ નિયમો અમલમાં રહ્યા. પછી જોકે નિયમો એક કોરાણે રહી ગયા અને દાણા-પાણી માટેની ગોઠવણ પણ તડકે મુકાઈ ગઈ

રાયપુરમાં કોઠની પોળ પાસે વચલી શેરીમાં પથ્થરનો એક આકર્ષક ચબૂતરો છે. આ ચબૂતરો ઘણા લોકો માટે પ્રોત્સાહક વિશેષતાઓ ધરાવે છે. તેમાંની સૌથી મહત્ત્વની વિશેષતા એટલે તેના સંચાલન માટે નવયુવાનોએ ઉઠાવી લીધેલી જવાબદારી.
સોએક વરસ જૂના આ ચબૂતરાનું મૂળ સ્ટ્રક્ચર આજે પણ એકદમ સારી સ્થિતિમાં જળવાયેલું છે. એના માટે શ્રેય આપવો પડે એના સમયાંતરે થતા રહેલા જિર્ણોદ્ધારને અને રહેવાસીઓએ તેની આપ્તજનસમી લીધેલી કાળજીને પોળના પંચે દસેક દાયકા પહેલાં આ ચબૂતરાનું નિર્માણ કરાવ્યા પછી સતત તેની જાળવણી માટે યોગ્ય નિયમો બનાવ્યા હતા. ખાસ્સા લાંબા સમય સુધી એ નિયમો અમલમાં રહ્યા. પછી જોકે નિયમો એક કોરાણે રહી ગયા અને દાણા-પાણી માટેની ગોઠવણ પણ તડકે મુકાઈ ગઈ. એ પછી પણ જોકે અહીંના યુવાવોના સજાગ પ્રયત્નોને કારણે અહીં એક સ્વૈચ્છિક ભંડોળ ચલાવવામાં આવે છે. આ ભંડોળમાં લોકો યોગદાન આપે છે અને યુવાનો ચણની જવાબદારી સંભાળી લે છે. યુવાનોએ જ બેએક વરસ પહેલાં રંગરોગાન સહિત ચબૂતરાના પુનરોદ્ધાર માટે પુરુષાર્થ ખેડ્યો હતો. ચબૂતરાનું અત્યારનું આહ્લાદક સ્વરૂપ એને જ આભારી છે.
ભાવસાર સમાજના લોકોની વિશેષ વસતિ ધરાવતી આ પોળના યુવાનો ચબૂતરાની ઉપયોગિતા વધારવા માટે ખાસ્સો ઉત્સાહ ધરાવે છે. જીવદયાનું સન્માન કરતા અને તેના માટે ખંતપૂર્વક કાર્ય કરતા યુવાનોને તેમના આ પ્રયાસમાં સમાજનો સાથ મળે તે ઇચ્છનીય છે. જે કાર્યરત છે તેવા ચબૂતરાઓને વધુ અસરકારક બનાવવામાં આવે તો નિષ્ક્રિય થઈ ગયેલા ચબૂતરાની આસપાસ રહેનારા લોકોમાં પણ પ્રેરણાનો સંચાર થાય!
તરસ્યાને કાજે મારે તો એક પરબ જ બાંધવી રે,
માટલા કે નળમાંથી પાણી પીવાની સગવડ કરવી રે,
તરસ્યો થઈ જેણે પરબ પાણી પીધું તે જ ખરેખર જાણે રે…
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.