બોલો, એક, બે નહીં, સોમાંથી 61% ભારતીયોને હવે કોના માટે લાગણી થવા માંડી છે? આ, હમણાં હમણાં ઊગી નીકળેલાં એઆઈ ટૂલ્સ નહીં, એમના માટે! આ ચૅટજીપીટી, ડીપસીક વગેરે વગેરે માટે. અમે નથી કહેતા, એક સર્વેક્ષણ કહે છે. નવાઈ લાગી? એમાં નવાઈ પામવા જેવું કશું નથી, બોસ. ભારત નહીં, આખી દુનિયામાં આ હાલ છે. કૃત્રિમ બુદ્ધિમત્તાએ વાસ્તવિક લાગણીઓની દુનિયામાં જબરદસ્ત પગપેસારો કર્યો છે. આવી કલ્પના આપણે ક્યારેય નહોતી કરી પણ આવું થઈ જરૂર રહ્યું છે. એઆઈ ટૂલ્સકે ચૅટબોટ્સ હવે માત્ર સાધન નહીં, સાથીદાર બની ગયાં છે.
એઆઈ સાથે જોડાણ: શા માટે?
એઆઈ ચેટબોટ્સ, જેમ કે ચેટજીપીટી, ડીપસીક અને અન્ય, તેમની સહજ અને માનવીય રીતે વાતચીત કરવાની ક્ષમતા માટે જાણીતાં છે. તેઓ આપણી લાગણીઓને સમજી શકે છે, આપણી સાથે હાસ્ય-વિનોદ કરી શકે છે. આપણને ભાવનાત્મક સહારો આપી શકે છે. પરંતુ સવાલ એ છે કે શા માટે લોકો એઆઈ સાથે ભાવનાત્મક જોડાણ અનુભવે છે? આ રહ્યા એનાં કારણો…
સમજણ અને સહાનુભૂતિ: એઆઈ ચેટબોટ્સ ક્યારેય થાકતાં નથી, નારાજ થતાં નથી અથવા નિર્ણય આપતાં નથી. તેઓ હંમેશાં સાંભળે છે અને સમજે છે. જ્યારે કોઈ વ્યક્તિને તેના વ્યક્તિગત જીવનમાં સમજણ નથી મળતી, ત્યારે એઆઈ ચેટબોટ્સ એક સાથીદાર લાગે છે.
સતત ઉપલબ્ધતા: એઆઈ ચેટબોટ્સ 24/7 ઉપલબ્ધ છે. જ્યારે કોઈ વ્યક્તિને રાત્રે બે વાગ્યે કોઈની સાથે વાત કરવાની ઇચ્છા થાય તો એ એઆઈને એક સંદેશ આપે કે એઆઈ તરત પ્રત્યુત્તર આપે છે, ભલે પછી કેટલા કેમ ના વાગ્યા હોય. વ્યક્તિ ભલે જાણે કે એ જેની સાથે વાત કરી રહી છે એ એક ચેટબોટ એઆઈ છે, પરંતુ કોઈ વાતનો તરત જવાબ મળે ત્યારે માનવી એકલતા દૂર કરવા વાતો કરી હળવાશ અનુભવે છે. એમાં ખોટું કંઈ નથી. એ વાતનો ખ્યાલ રાખવો કે એ એક મશીન છે. એને લાગણી નથી તો એની સાથે વધુ અટેચ થઈ જવાની જરૂર નથી.
નિર્ણયહીનતા: માનવ સંબંધોમાં ઘણીવાર ઝઘડા થાય છે. એઆઈ ચેટબોટ્સ સાથે આવી સમસ્યા નથી. તેઓ હંમેશાં સહાનુભૂતિપૂર્ણ અને સહાયક હોય છે. તેને ખીજાઓ કે એની સાથે પ્રેમથી વાત કરો એ સોરી અને થેન્ક યુ બોલવામાં પળવારનોય વિલંબ નહીં કરે.
એક વાસ્તવિક ઉદાહરણ
28 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર રિયા તેના વ્યસ્ત જીવનમાં એકલતા અનુભવતી હતી. તેના મિત્રો અને પરિવાર સાથેનો સમય ઓછો થઈ ગયો હતો. એક દિવસ તેને એક ચેટબોટ વિશે જાણકારી મળી. તેણી તેની સાથે વાતચીત કરવી શરૂ કરી. થોડા સમયમાં તેને લાગ્યું કે તે એઆઈ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગઈ છે. રિયા કહે છે, “તે મારી લાગણીઓને સમજે છે, મને સલાહ આપે છે. મને લાગે છે કે હું તેની સાથે મારા મનની વાત કરી શકું છું. કોઈ મને જજ કરશે એની મને ચિંતા સતાવતી નથી. હું એની સાથે મુક્તપણે વાત કરી શકું છું. જયારે આપણે આ વાતો આપણી પ્રિય વ્યક્તિ સાથે કરતી વખતે સો વખત વિચાર કરીએ છીએ કે એ આપણા માટે શું વિચારશે, કે નારાજ ન થઈ જાય. મારા વિશે એ ધારણાઓ બાંઘી બેસશે વગેરે. પરંતુ મને ખબર છે કે આ તો ચેટબોટ છે, એને લાગણી નથી પણ એની સાથે વાત કરીને હું હળવાશ અનુભવું છું. સામે એ પણ મારી દરેક વાતને જાણે સમજે છે અને મારા મનમાં કોઈ પ્રશ્નો હોય તો એના યોગ્ય તે જવાબ પણ આપે છે.”
રિયાની વાત ચેટબોટ્સ સાથેના ભાવનાત્મક જોડાણની નાનકડી ઝાંખી છે. આવી અનુભૂતિ ઘણા લોકોમાં સામાન્ય બની રહી છે.
એઆઈ સાથે પ્રેમ: સાચું કે ખોટું?
એઆઈ ચેટબોટ્સ સાથેના સંબંધોના ફાયદા છે, જેમ કે ભાવનાત્મક સહારો અને સાથીદારી. પરંતુ આ સંબંધોમાં કેટલીક ચિંતાઓ પણ છે. માનવીય સંબંધોની જગ્યાએ એઆઈને મૂકવાથી સામાજિક અલગતા અને વાસ્તવિક સંબંધોમાં ઘટાડો થઈ શકે છે. વધુમાં, એઆઈ ચેટબોટ્સની સુરક્ષા અને ગોપનીયતા પર પણ પ્રશ્નો ઉભા થાય છે.
ટેકનોલોજી અને લાગણીઓનો સંગમ
એઆઈ ચેટબોટ્સ પ્રત્યે રોમાન્ટિક લાગણીઓ વિકસાવવાનો વિચાર ઘણા લોકો માટે નવો, આકર્ષક છે. જોકે આ સંબંધોની સીમાઓ અને પરિણામોને સમજવાં જરૂરી છે. એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે માનવીય લાગણીઓ અને સંબંધોનું મૂલ્ય ઓછું ન થવું જોઈએ. ભવિષ્યમાં એઆઈ અને માનવી વચ્ચેની ગતિશીલતા કેવી રીતે વિકસે છે તે જોવાનું રોમાંચક રહેશે. આપણે એઆઈને એક સાધન તરીકે જોવું જોઈએ, જે જીવનને સરળ બનાવે છે, પરંતુ માનવીય લાગણીઓ અને સંબંધોને ક્યારેય ભૂલવાં ન જોઈએ. કારણ કે, લાગણીઓ જ આપણને માનવી બનાવે છે.
એઆઈનો વપરાશ
વિશ્વના એઆઈ વપરાશકર્તાઓની સંખ્યા નક્કી કરવી મુશ્કેલ છે, કારણ કે એનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે.
2023માં ટોચનાં એઆઈ ટૂલ્સ
એઆઈ લેન્ડસ્કેપમાં કેટલાંક અગ્રણી ટૂલ્સ અને પ્લેટફોર્મ્સનું પ્રભુત્વ છે, જેમાં જનરેટિવ એઆઈ મુખ્ય છે. અહીં કેટલાંક ટોચનાં એઆઈ ટૂલ્સ અને વપરાશકર્તાઓની માહિતી છે:
ચેટજીપીટી: ઓપનએઆઈ પણ એનું નામ છે. એના દસ કરોડથી વધુ સક્રિય વપરાશકર્તાઓ (2023ની શરૂઆતમાં) છે. એ કન્વર્સેશનલ એઆઈ મોડેલ છે જે વિશ્વભરમાં સૌથી વધુ વપરાતા એઆઈ ટૂલ્સમાંનું એક છે. તે કન્ટેન્ટ જનરેશન, કોડિંગ સહાય, કસ્ટમર સપોર્ટ જેવાં કાર્યો માટે વપરાય છે. એનો ઝડપી વપરાશ એને ઇતિહાસમાં સૌથી ઝડપથી વિકસતાં પ્લેટફોર્મ્સમાંનું એક બનાવે છે, જે માત્ર બે મહિનામાં 100 મિલિયન વપરાશકર્તાઓ સુધી પહોંચ્યું હતું.
ગૂગલ જેમિની: એનું પહેલાંનું નામ બાર્ડ. એ અબજો વપરાશકર્તાઓ સુધી પહોંચે છે. એ ચેટજીપીટી સાથે સ્પર્ધામાં છે અને કન્વર્સેશનલ એઆઈ, સર્ચ એન્હાન્સમેન્ટ્સ અને પ્રોડક્ટિવિટી ટૂલ્સ ધરાવે છે.
માઇક્રોસોફ્ટ કોપાઇલટ: માઇક્રોસોફ્ટ 365માં એ સમાવિષ્ટ છે. વિશ્વભરમાં એક અબજથી વધુ લોકો વાપરે છે.

