બોલિવૂડ અને મનોરંજન ઉદ્યોગને બે દાયકાથી વધુ સમય સુધી પત્રકાર તરીકે કવર કર્યા બાદ ફિલ્મમેકર અને સ્ક્રીનરાઇટર નીરુ શર્મા પોતાના દિગ્દર્શનના પ્રથમ પ્રોજેક્ટ ‘બાન્દરા બોય’ આવી રહ્યાં છે. ૨૧ મિનિટની આ હિન્દી થ્રિલર ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મીડિયા સંસ્કૃતિ અને જાહેર ધારણાની શક્તિ વિશેના તેમનાં અવલોકનોથી પ્રેરિત છે.

બાન્દરા બોયનું લેખન, દિગ્દર્શન અને નિર્માણ શર્માએ કર્યું છે. ફિલ્મ એવા વિશ્વની વાત કરે છે જ્યાં ધારણા ઘણી વખત સત્ય કરતાં શક્તિશાળી બને છે. દિગ્દર્શનક્ષેત્રે પ્રવેશ કરતાં પહેલાં શર્માએ ફિલ્મમેકર સુભાષ ઘાઈ સ્થાપિત વ્હિસલિંગ વૂડ્સ ઇન્ટરનેશનલમાં દિગ્દર્શનનો અભ્યાસ કર્યો હતો.

બોલિવૂડની દુનિયાને નજીકથી જોવાનાં વર્ષોના અનુભવ બાદ નીરુ શર્માએ એવી વાર્તા કહેવાનું પસંદ કર્યું છે જે તેમની અંદર લાંબા સમયથી ઊઠતા પ્રશ્નોને પ્રતિબિંબિત કરતી હતી. વાર્તાઓ કેવી રીતે રચાય છે, કેવી રીતે વિસ્તરે અને લોકો સુધી પહોંચે છે એની વાત બાન્દરા બોય કરે છે. ઘણી વખત હકીકતો બહાર આવે તે પહેલાં જાહેર અભિપ્રાય કેવી રીતે રચાઈ જાય છે તે ફિલ્મનો મુખ્ય વિષય છે.

મુખ્ય ભૂમિકામાં અહવાન કુમાર છે, જેઓ મ્યુઝિક વિડિયો, ટેલિવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ પરના કામ માટે જાણીતા છે. જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર ગોહિલ પણ મહત્તવપૂર્ણ ભૂમિકામાં છે. લોચન બરસાગડે, યશ પેડણેકર, શામ થોંબરે, પવન તિવારી, ઐશ્વર્યા મનોહર, હિમાંશી માંડલિયા અને નંદિની શર્મા અન્ય કલાકારો છે.

બાન્દરા બોય પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં એન્ટ્રીઓ મોકલીને ફેસ્ટિવલ યાત્રાની શરૂઆત કરી છે. 

પરંપરાગત થ્રિલર ફિલ્મોથી અલગ, આ ફિલ્મ ડિજિટલ યુગના મહત્ત્વપૂર્ણ મુદ્દા પર પ્રકાશ પાડે છેઃ કેવી રીતે મીડિયા નેરેટિવ્સ, જાહેર ધારણા અને સામાજિક પૂર્વગ્રહો સત્ય બહાર આવે તે પહેલાં કોઈ વ્યક્તિની છબિ સર્જી શકે છે, જ્યારે ધારણા હકીકતથી શક્તિશાળી બની જાય ત્યારે શું થાય?

મીડિયા, સત્તા અને જાહેર અભિપ્રાય કેવી રીતે કોઈકની છબિ બનાવે છે તેની રજૂઆત ફિલ્મમાં છે. લેખન અને દિગ્દર્શન શર્માએ કર્યું છે. નિર્માતા રાજીવ પરાશર છે. મુબારકાં, સડક ટુ અને ક્રેક માટે જાણીતા સંદીપ કુરુપે એડિટિંગ કર્યું છે. આયુષ શાહે સિનેમેટોગ્રાફી સંભાળી છે. કૌશલ મહાવીરે ઓરિજિનલ બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કર્યો છે.

ફિલ્મના પ્રોમોને સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમેકિંગના પ્રવાસની વાત કરતાં નીરુ શર્મા કહે છે, “વર્ષો સુધી ફિલ્મમેકરોની સફર વિશે લખ્યા અને સિનેમાને આવરી લીધા બાદ મારા માટે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવાનો સમય આવી ગયો હતો.” 

Subscribe Deshwale on YouTube

Join Our Whatsapp Group

Share.
Leave A Reply

Exit mobile version