Read inEnglishहिन्दीગુજરાતી
Arts and Screen

અમદાવાદના ચબૂતરા – દેવશાનો પાડો

By Kalpana Shah  ·   ·  1 min read

એક તરફથી નમી ગયેલા ચબૂતરાની નીચે ટેલરિંગની એક દુકાન છે. તેની ઉપર નાની ઓરડીમાં ચણ માટેના જારનો સંગ્રહ કરવામાં આવતો હતો

અમદાવાદના ચબૂતરા – દેવશાનો પાડો

રિલીફ રોડથી નજીક આવેલા દેવશાના પાડામાં વિશાળ ચોક છે. જૈન મંદિર નજીકના આ ચોકમાં આવેલો બેઠા ઘાટનો ચબૂતરો નોખી ભાતનો હોવાની લાગણી કરાવે છે.

આ પાડાના ચબૂતરાનો ઉપલો ભાગ પીપળાના ભારથી તૂટી ગયો છે. સ્થિતિ નાજુક છે અને ચબૂતરાના ઉપરના ભાગમાં જવું જોખમી થઈ ગયું છે. આ ચબૂતરો ગોળાકાર છે. વિશાળ ચોકમાં આવેલા આ ચબૂતરા આસપાસ આજે ગોળાકાર ઓટલો પણ જોવા મળે છે. અનુમાન એવું છે કે પહેલાં ચબૂતરાનું અને પછી ઓટલાનું નિર્માણ કરવામાં આવ્યું હશે.

આ ચબૂતરાનું નિર્માણ કોણે કરાવ્યું તેની વિગતો ઉપલબ્ધ નથી. જોકે વરસો સુધી તેની જાળવણીની જવાબદારી સ્વ. બાબુભાઈ પૂજાલાલ દલાલે સ્વેચ્છાએ સંભાળી હતી. આજે તેમની ગેરહાજરીમાં પાસેના ઘરના રહેવાસીઓ અહીં ચણ-પાણી નિયમિત નાખે છે. આ ચણ-પાણી જોકે ચબૂતરાને બદલે ચોકમાં ચાંકા પર નાખવામાં આવે છે. પાડાનું પોતાનું કોઈ પંચ તો કાર્યરત નથી પણ પાડાના જૂના ભંડોળની રકમ બેન્કમાં ડિપોઝિટ તરીકે પડી છે. તેના વ્યાજમાંથી ચબૂતરાને ધબકતો રાખવાની ફરજ નિભાવવામાં આવે છે. જોકે ચબૂતરાની સ્થિતિ ખરેખર ચિંતાજનક છે.

એક તરફથી નમી ગયેલા ચબૂતરાની નીચે ટેલરિંગની એક દુકાન છે. તેની ઉપર નાની ઓરડીમાં ચણ માટેના જારનો સંગ્રહ કરવામાં આવતો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રિપેરિંગ માટે ચબૂતરા પર મ્યુનિસિપાલિટીના અધિકારીઓ નજર નાખી ગયા હતા. એ પછી હજી કોઈ આગળનું પગલું લેવામાં આવ્યું નથી.

આ પરિસરમાં આવેલાં સવાસોમાંથી આશરે પચ્ચીસેક ઘર આજે પણ ભર્યાંભાદર્યાં છે. ક્યારેક જ્યાં માત્ર જૈનોનાં ઘર હતાં એવા આ પાડામાં આજે મારવાડીઓ પણ રહેવા આવ્યા છે. શાંત અને રમણીય પરિસરમાં આવેલા આ ચબૂતરો પુનર્જીવન આપવામાં આવે તો એ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. 

વિશ્વમાં માણસ એક જ એવું પ્રાણી છે જે વૃક્ષ કાપે છે અને કાગળ બનાવી તેના પર લખે છે: વૃક્ષ બચાવો

Liked this? Get one story a day on WhatsApp.
Join

Read next

તો, આખરે ધ ઓડિસીમાં એવું શું ખાસ છે? પત્રકાર ટર્ન્ડ ફિલ્મમેકર નીરુ શર્માની શોર્ટ ફિલ્મ બાન્દરા બોય આવી છે  અરવિંદ વેકરિયાઃ મુઠ્ઠી ઊંચેરા રંગકર્મી, સર્વપ્રિય સ્વજન