જે વેપારે આપ્યું છે તે પચાવી નહીં શકો તો વેપાર પાછું લઈ જશે. કોમોડિટીના કારોબારમાં ત્રીજી આંખ રાખવી પડે છે જેનાથી બજાર અણધાર્યું વર્તન કરે તો શું થાય તેના પર નજર રાખી શકાય! ધાણાના કારોબારમાં હાલમાં આવી ત્રીજી આંખ ખુલ્લી રાખવાની જરૂર છે. રવિ સીઝનનાં વાવેતર શરૂ થયાં ત્યારે સરસવ અને ઘઉંનાં વાવેતર વધવાની ધારણા સાથે ધાણાનું વાવેતર બહુ ઘટવાની ધારણા હતી. પરંતુ હાલમાં વ્યવસાયિક સર્વેક્ષણ કરી રહેલા સૌરાષ્ટ્રના વેપારીઓ કહે છે કે અત્યાર સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં પાકની સ્થિતિ સારી છે, હવામાન અનુકુળ છે, જોકે અમુક સ્થળોએ ધાણાની ગુણવત્તા સરેરાશ આવી શકે છે.
કદાચ આ કારણ છે કે એનસીડેક્સનો ધાણાનો વાયદા છેલ્લા બે મહિનાથી સાપસીડીની રમત રમી રહ્યો છે. બાવીસમી ડિસેમ્બરે ધાણાના વાયદાના ક્વિન્ટલ દિઠ ભાવ રૂ. ૧૦,૮૫૦ હતા, જે પાંચમી જાન્યુઆરીએ રૂ. ૯,૬૨૦ થઈ ગયા અને ફરી સપ્તાહાંતે રૂ. ૧૦,૨૨૦ની સપાટીએ આવ્યા હતા.
બીજી તરફ, રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં ધાણાના ઉતારા સારા આવવાનો અંદાજ છે. સરકારી આંકડા જોઈએ તો ગુજરાતમાં પાંચમી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ૧,૨૫,૦૦૦ હેક્ટરમાં ધાણાનું વાવેતર થયું છે જે ગત વર્ષે ૧,૨૯,૦૦૦ હેક્ટરમાં નોંધાયું હતું. જોકે વેપારીઓ વાવેતરના અંતિમ આંકડા ગત વર્ષ કરતાં ૧૦% ઘટવાની ધારણા રાખે છે. સામા પક્ષે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ વાવેતર% ટકા ઘટવાની ધારણા છે. જોકે હાલમાં ધાણામાં વાવેતર અંગે અહેવાલો કરતાં અટકળો વધારે ચાલે છે.
બજારોમાં આવકો ઘટી છે, છતાં નીચા ભાવે રમઝાન મહિનાની ખરીદી નીકળતી હોવાથી ક્યારેક ભાવમાં ઉછાળા દેખાય છે. ચાર્ટનાં સંકેત છે કે ધાણાના ભાવ રૂ. ૯,૬૦૦થી નીચે અને રૂ. ૧૧,૦૦૦થી ઉપર લાંબો સમય રહેતા નથી. હાલમાં ખેડૂતોનાં ધાણા ખેતરોમાં તૈયાર થઈ રહ્યા છે, જે ઊંચા ભાવે હાજર બજારમાં વેચી શકાય તેમ નથી. તેથી ખેડૂતોએ ઉછાળે પુટ ઓપ્શન ખરીદીને પાકનારી નિપજનો લઘુતમ નફો નક્કી કરી લેવાની જરૂર છે. ધાણાના ઓપ્શનમાં હાલમાં એપ્રિલ મહિનામાં ડિલિવરી માટેના રૂ. ૪૦૦નાં પ્રિમિયમ સાથે રૂ. ૧૦,૮૦૦ના ભાવ ગણીએ તો પણ ખેડૂતોને સારા ભાવ મળી શકે છે. વળી ડિલિવરી વખતે ભાવ રૂ. ૧૧,૦૦૦થી ઉપર હોય તો ખેડૂત પાસે હાજર બજારમાં માલ વેચવાનો અધિકાર રહે છે, તેથી ચિંતા કરવાની રહેતી નથી. બાકી હોય તો ઘણા કિસ્સામાં એફપીઓને પ્રીમિયમની ચુકવણીમાં રાહત મળતી હોય છે. એનસીડેકસના વાયદામાં હાલમાં સરેરાશ દૈનિક રૂ. ૧૦૦ કરોડનાં વોલ્યુમ છે. ૧૮૦૦૦ ટનના ઓપન ઇન્ટરેસ્ટ છે, તેથી વાયદો સુરક્ષિત છે.
ભારતે વર્ષ ૨૦૨૪-૨૫ માં ૬૦,૬૪૦ ટન ધાણાની નિકાસ કરી હતી જે ૨૦૨૩-૨૪ માં થયેલી ૧,૦૮,૬૧૫ ટન નિકાસ કરતા ઘણી ઓછી હતી. ઓક્ટોબર ૨૦૨૫માં ભારતે ૪,૩૦૦ ટન ધાણાની નિકાસ કરી હોવાના અહેવાલ છે. વ્યવસાયિક સૂત્રો જણાવે છે કે અગાઉ કેરી ફોરવર્ડ સ્ટોક ૧,૩૮,૦૦૦ ટન રહેવાના અહેવાલ હતા. જો આ સ્ટોકના આંકડામાં ફેરફાર થાય તો સીઝન ખુલતાં સમયે જ ધાણાના ભાવ ક્વિન્ટલ દિઠ રૂ. ૧૧૦૦૦ સુધી જઈ શકે છે. આવનારી સીઝનમાં દેશમાં પાંચ લાખ ટન ધાણાનું ઉત્પાદન થાય અને વપરાશ અંદાજે પાંચ લાખ ટન રહે તો નિકાસની માગ ઉપર ભાવની ચાલ નક્કી થશે. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો ભારતે ઉત્પાદન વર્ષ ૨૦૨૨-૨૩માં એકવાર ૧,૦૯,૦૦૦ ટન ધાણાની નિકાસ કરી છે. બાકી સરેરાશ ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ ટન ધાણાની જ નિકાસ થઈ છે. આટલી માગ કેરી ફોરવર્ડ સ્ટોકમાંથી પૂરી થઈ શકે છે.
Subscribe Deshwale on YouTube


