Sunday, January 19

ડો. મનમોહન સિંઘ દેશના નાણાપ્રધાન બન્યા ત્યારે આ લખનાર હજી વીસીમાં ડગલાં માંડી રહ્યો હતો. દેશની આર્થિક સ્થિતિ અત્યંત પ્રવાહી હતી. એમનું નામ દેશમાં બહુ ઓછા લોકો જાણતા હતા. વડા પ્રધાન પી. વી. નરસિંહરાવે ડો. સિંઘને નાણાપ્રધાનપદ સોંપ્યું ત્યારે સામાન્ય લોકોને આવનારાં સુખદ આશ્ચર્યોનો તો અંદાજ સુધ્ધાં નહોતો. વત્તા, ખાડે ગયેલી આર્થિક સ્થિતિ વચ્ચે પ્રવર્તમાન નિરાશાની ગર્તામાંથી દેશ બહાર આવશે એની પણ કલ્પના કોઈને નહોતી. 

રાવ-સિંઘની જોડીએ, સામા પૂરે તરીને, ચાર દાયકાની નીતિ કરતાં જુદી રાહ પર દેશને ચાલતો કરીને જે કાર્ય કર્યું એ હવે ઇતિહાસસિદ્ધ છે, અજરામર છે. 

આજની પેઢી જે પ્રગતિશાળી, મહાસત્તા બનવા થનગનતા ભારતનો આનંદ માણી રહી છે એના પાયામાં નિઃશકપણે ડો. સિંઘનું અનન્ય યોગદાન છે. એમના વિના પણ આપણે કદાચ છેવટે આ રાહ અખત્યાર કરી જ હોત પણ કેટલી મોડી કે કેટલી સારી રીતે એ બહુ મોટો પ્રશ્ન છે. 

સમય સાથે રાજકારણની વધતી સમજણ અને પત્રકારત્વની કારકિર્દીએ આ લખનારને ડો. સિંઘના યોગદાનની તાકાતથી પરિચિત મૂલવવાની તક પૂરી પાડી. ઉપરાંત, ક્યારેય વિવાદોમાં નહીં પડનારા, સૌમ્ય અને શાંત રાજકાણી તરીકેની એમની ખૂબીઓ માટે પણ માન કરાવ્યું. ભારતે એમના જેવા વિચક્ષણ, દૂરંદેશીભર્યા, ડિગ્નિફાઇડ રાજકારણીઓ ઓછા જોયા છે. ભારત શા માટે, એ દ્રષ્ટિએ તેઓ વિશ્વના મુઠ્ઠી ઊંચેરા રાજકારણીઓની યાદીમાં પણ સ્થાન ધરાવતા હતા. 

આર્થિક ઉદારીકરણના આર્કિટેક્ટ: 1991માં ભયંકર આર્થિક સંકટ વચ્ચે, તેમણે દેશની આર્થિક નીતિઓ કહો કે શૂન્યથી નવી શરૂ કરી. લાઇસન્સ રાજ ખતમ કર્યું. ઉદારીકરણનો પવન ફૂંક્યો અને સિદ્ધ કર્યું કે (ત્યારે) નેવુ કરોડ લોકોનો દેશ મોહતાજીમાંથી બહાર આવી શકે છે. 

શૈક્ષણિક શ્રેષ્ઠતા: ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી ડી.ફિલ. પદવી મેળવનારા ડો. સિંઘ ઉત્કૃષ્ટ જ્ઞાની હતા. એમના જ્ઞાન અને વૈશ્વિક દ્રષ્ટિકોણ આપણને બેહદ ફળ્યા. નાણાપ્રધાન બનતા પહેલાં વર્લ્ડ બેંક, યુનાઇટેડ નેશન્સ અને આરબીઆઈના ગવર્નર પણ તેઓએ ઉમદા કાર્યો કર્યાં હતાં.

શાંત સુધારક: બેન્કિંગ ક્ષેત્રમાં થયેલા સુધારા, આઈટી ક્ષેત્રને દેશની તાકાત બનાવવાનું અભિયાન પણ ડો. સિંઘના નાણાપ્રધાન તરીકેના કાર્યકાળમાં શરૂ થયું હતું. એવી જ રીતે, એમની અનુગામી સરકારોએ ગ્રામીણ ભારતના વિકાસનું મહત્ત્વ સમજ્યું એની શરૂઆત ડો. સિંઘે કરી હતી. એમણે જ દેશમાં મનરેગા યોજનાને લાગુ પાડી હતી. 

બેદાગ ઇમેજઃ જાહેર જીવનમાં લાંબો સમય કાઢનારી વ્યક્તિઓ માટે નિષ્કલંક રહેવું, ભ્રષ્ટાચાર કરીને ધન ઉસેડવું વગેરે બદીઓથી બચવું કમ સે કમ આપણા દેશમાં આસાન નથી. એવા જૂજ લીડર્સમાં પણ તેઓ એક હતા. 

વિચારશીલ વ્યક્તિત્વઃ રાજકીય લાચારીથી પ્રેરાઈને પણ ડો. સિંઘનાં વાણી-વર્તન ફસકી પડ્યાં હોય એવું જવલ્લે જ બન્યું છે. એમને ચોંડાવામાં આવેલાં અયોગ્ય ઉપનામો અને સંબોધનો પણ એમને ઉશ્કેરી શક્યાં નહોતાં. 

ડો. મનમોહન સિંહનું જીવન જ્ઞાન, નમ્રતા અને દ્રઢતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે સાબિત કર્યું કે ઉગ્ર ભાષણોથી નહીં, પરંતુ શાંત અને સુવ્યવસ્થિત કાર્યો નેતૃત્વ માટે વધુ ઉપયોગી છે. 

આજે દેશ આધુનિક ઉન્નતિના સ્તરે છે તો એનો મોટો જશ ડો. સિંઘના નેતૃત્વને આભારી છે. તમારો આભાર, સર, વિકસિત ભારતનું સપનું જોવા  અને એને સાકાર કરવાનો માર્ગ પ્રશસ્ત કરી આપવા માટે.

Leave A Reply

English
Exit mobile version