પ્રમાણિકતા, સચ્ચાઈ, ભરોસો, વિશ્વસનીયતા, સંવેદનશીલતા, નિખાલસતા, ગુણવત્તા આ બધા ગુણો આજના જમાનામાં માત્ર શબ્દાર્થ બનીને રહી ગયા હોય એવું લાગે છે. દેશમાં સમસ્યાઓ છે અને સ્પર્ધા વધી છે તેથી લોકો શોર્ટ કટ અપનાવે છે અને પોતાના સ્વાર્થ માટે કપટો પણ કરે છે. આજે વેપાર-ધંધામાં પ્રપંચ, કપટ, છેતરપીંડી અને અપ્રમાણિકતા અને ભેળસેળ ખૂબ વધી ગયા છે. પૈસા ખર્ચતાય આપણે શુ્દ્ધ અને ગુણવત્તાવાળી વસ્તુઓ નથી મળતી. બજારમાં મળતી અનેક ખાદ્યચીજો ભેળસેળવાળી મળે છે. અનાજ, ઘી, તેલ, પનીર, માવો, મસાલા વગેરેમાં ભેળસેળ થાય છે અથવા હલકી ગુણવત્તાની ચીજો મળે છે. મંદિરોમાં ભગવાનના પ્રસાદમાં પણ ભેળસેળ પકડાઈ છે. આ હલકી ગુણવત્તાની અને ભેળસેળવાળી ચીજો આરોગવાથી આરોગ્યને નુકસાન છે. પરંતુ આરોગ્યને સાજુ કરતી દવાઓમાં પણ ભેળસેળ થવા લાગી છે. થોડા સમય પહેલા સમાચાર હતા કે કેટલાક રાજ્યોમાં બનેલી કફ સિરપના કારણે કેટલાકને આરોગ્યની ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. નકલી દવાઓનું બજાર ધમધમી રહ્યું છે. આવી એક તપાસમાં હલકી ગુણવત્તાની કે નકલી દવાઓના ઉત્પાદન અને વેચાણનો ઘટસ્ફોટ થયો છે.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) અને સ્ટેટ ડ્રગ ઓથોરિટીની તપાસમાં દેશભરમાં બનેલી 103 દવાઓના સેમ્પલ ફેલ થયા છે. આ સેમ્પલોમાં ઉધરસ, શરદી, એલર્જી, દર્દ નિવારણ, વિટામિન તેમ જ હૃદયરોગમાં પ્રયોગ થતી દવાઓના સેમ્પલોનો સમાવેશ થાય છે. સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં બનેલી 38 દવાઓ ખરાબ હોવાનું સામે આવ્યું છે.
દેશભરમાં દવા ગુણવત્તાની તપાસ કરાયા બાદ સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં બનેલી 38 દવાઓના સેમ્પલો ફેલ થયા છે. ત્યારબાદ ઉત્તરાખંડમાં 11, ગુજરાત અને પંજાબમાં 9-9 દવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, આસામ, તામિલનાડુના ઉદ્યોગોમાં બનેલી દવાઓના સેમ્પલ પણ ફેલ થયા છે.
સીડીએસસીઓના જણાવ્યા મુજબ દેશભરમાંથી 47 દવાઓના સેમ્પલ ફેલ હોવાનું સામે આવ્યું છે, જ્યારે રાજ્ય ડ્રગ ઓથોરિટીની તપાસમાં દેશભરની 56 દવાઓના ગુણવત્તા યોગ્ય મળી આવી નથી.
દવાઓની ટેસ્ટિંગ દરમિયાન મોટાભાગની દવાઓમાં ધૂળના કણો મળી આવ્યા છે. આ ઉપરાંત મિસ બ્રાન્ડેડ એટલે કે લેવલમાં પણ ભૂલો જોવા મળી છે. જે મુજબ દવાઓ પર માત્રા લખાઈ છે, તેટલી માત્રા પણ દવામાં ન હોવાનું સામે આવ્યું છે. તેમજ કેટલીક નકલી દવાઓ હોવાનો પણ ખુલાસો થયો છે. તપાસમાં હૃદય રોગ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરતી ટેલ્મા એચ 40 મિલિગ્રામ દવા નકલી હોવાનું સામે આવ્યું છે.
સીડીએસસીઓએ દવાના ધોરણો ચકાસતા હિમાચલ પ્રદેશની 21, ઉત્તરાખંડની 10, ઓડિશાની એક, ગુજરાતની સાત, મધ્ય પ્રદેશની એક, પંજાબની બે, કર્ણાટકની એક, બંગાળની બે, ઉત્તર પ્રદેશની એક, તેલંગણાની એક દવાનું સેમ્પલ ફેલ હોવાનો ખુલાસો થયો છે. જ્યારે રાજ્ય ડ્રગ્ર ઓથોરિટીએ દવાના ધોરણોની તપાસ કરતા હિમાચલ પ્રદેશની 17, પંજાબ અને કેરળની સાત-સાત, મધ્ય પ્રદેશની છ, પુડુચેરી અને તામિલનાડુની ચાર-ચાર, તેલંગણાની ત્રણ, ગુજરાતની બે અને હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, આસામ, બંગાળ, કર્ણાટકની એક-એક દવાના સેમ્પલ ફેલ થયા છે.


