અત્યંત આકર્ષક લીલા રંગના આ ચબૂતરા પાસેથી પસાર થતાં ઘડીકવાર તેને ધ્યાનથી જોવા માટે ઊભા રહેવાનું મન થાય જ. અત્યંત મોહક, સરસ ઘાટ-ઘડામણવાળા અને સુંદર નકશીકામથી શોભતો આ ચબૂતરો. એ જ્યાં આવેલો છે એ પોળ, બેઉનું નિર્માણ દોઢસો વરસ પહેલાં થયું હોવાનો અંદાજ છે. લાકડાના બનેલા આ ચબૂતરામાં આજે ચણ નાખવામાં આવતું નથી.
લગભગ દસેક વરસ થયાં આ ચબૂતરાને તેના હાલ પર માનવીએ તરછોડી દીધાને. અકાકૂવાની પોળ બહુ મોટી છે. અહીં પહેલાં નાગરોની વસતિ મોટા પ્રમાણમાં હતી. આજે અહીં મિશ્ર પ્રજા વસે છે. પોળમાં આવેલું અંબાજી મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે પાવન સ્થળ છે. સાથે અહીં વેરાઈ માતાનું મંદિર છે. પોળના નામ સાથે સંકળાયેલો કૂવો અહીં છે પણ તેમાં હવે પાણી નથી. અહીંના ચબૂતરાને છેલ્લે રંગરોગાન થયાને પણ વીસ વરસ વીતી ગયાં છે.
પક્ષીઓને બદલે શ્વાન, બિલાડી અને વાનરો આજે આ ચબૂતરાનો આનંદ ઉઠાવે છે. વસતિમાં જૂની પ્રજા બહુ ઓછી રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જો કોઇ કાળજી લેવા માટે સહાય કરે તો આ ચબૂતરો ફરી કાર્યાન્વિત થાય તે માટે તેઓ સહયોગ આપવા માટે ઉત્સુક છે. જરૂર છે એ માટે કોઇકે આગળ આવવાની, પહેલ કરવાની. આ સ્થિતિ આ એકલા ચબૂતરાની નથી. અમદાવાદની પોળોમાં ઠેર ઠેર એવા ચબૂતરા છે જે ઇતિહાસનાં પ્રતીક છે અને માનવતા-જીવદયાનાં જ્વલંત દૃષ્ટાંત પણ છે. સવાલ એટલો જ છે કે પોતાનામાં રાચતા માનવીઓ પંખીઓના કલરવને ફરી પોતાના આંગણે સાંભળવાને કેટલા ઉત્સુક છે. તેના માટે જોઇએ છે થોડી ઉદારતા, બસ.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.