રવિવાર, જાન્યુઆરી 19

નવા વરસના આગમન સાથે નવું કંઈક કરીએ? માણીએ?

  • રોઇટર્સ ઇન્સ્ટિટ્યૂટનું એક તલસ્પર્શી સંશોધન કહે છે કે 36% લોકો સમાચારોથી એટલે દૂર રહે છે કે એમાં નકારાત્મકતા હોય છે. 
  • નકારાત્મક સમાચારો અને માહિતીએ વિશ્વમાં તંગદિલી પ્રસરાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. 
  • અમેરિકન સાયકોલોજિકલ એસોસિયેશનનો અભ્યાસ જણાવે છે કે 56% વયસ્કો સમાચારોના બીબાઢાળ, નકારાત્મક ચક્રને લીધે તાણ અનુભવે છે. 
  • હૂટસ્યૂટ કહે છે કે સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થતી સકારાત્મક સ્ટોરીઝ, નકારાત્મક સ્ટોરીઝ કરતાં 50% વધુ એન્ગેજમેન્ટ મેળવે છે. 
  • એવી જ રીતે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો એક અહેવાલ કહે છે કે રચનાત્મક સમાચારો 20% વધુ એન્ગેજમેન્ટ આકર્ષવા સાથે યુઝર્સનો વિશ્વાસ પણ વધુ સંપાદિત કરે છે.  
  • ઘરમાં, ટ્રેનમાં, ઓફિસમાં, બસમાં, પ્રવાસ માણવા જાય ત્યાં પણ હવે લોકો સોશિયલ મીડિયાને કારણે, હાથમાં મોબાઇલ હોવાને કારણે, જરૂર નહીં હોવા છતાં સતત માહિતી ગ્રહણ કરતા રહે છે. આ એક એવી આદત બની ગઈ છે જે સારી નહીં હોવાની સમજણ છતાં, લોકો એનાથી મુક્ત થઈ શકતા નથી. ઇન્ટરનેટે કરેલા માહિતીનો સ્ફોટ લોકોને બિનજરૂરી માહિતી તો પીરસે છે જ, સાથે એકની એક માહિતી વારંવાર પીરસીને ભ્રમિત પણ કરે છે. સૌ લગભગ જાણે છે કે જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી છતાં, સૌ એનો શિકાર બની ચૂક્યા છે. 

આવી કસોટીજનક પરિસ્થિતિમાં શું કરવું? આ પ્રશ્નનો જવાબ મેળવવા અમે ખાસ્સું મનોમંથન કર્યું. એમાંથી જન્મ થયો છે દેશવાલેનો… 

પ્રસ્તુત છે દેશવાલે. દેશવાલેમાં તમે માણી શકશો ઉપયોગી સમાચાર અને સંશોધનાત્મક અહેવાલો. એની વિગતો પહેલાં દેશવાલેના ઉદ્ભવ પાછળની અમારી ભાવના જાણી લઈએ. 

દેશવાલેની ટીમ પત્રકારત્વમાં ત્રણેક દાયકાનો અનુભવ ધરાવે છે. અમારામાંના ઘણાને સતત એ લગાણી રહી છે કે મીડિયા અને ટેક્નોલોજીના પ્રચંડ વિકાસ સાથે ગુણવત્તા ઘટી છે. સાથે નકારાત્મકતા વધી છે. માહિતીના પ્રસારણથી બૌદ્ધિક વિકાસ થાય તો માહિતી લેખે લાગી ગણાય. દેશવાલેની ટીમને એક સુદ્રઢ, શિષ્ટ પોર્ટલની સતત જરૂર વર્તાતી હતી. એ લાગણીમાંથી દેશવાલેનો જન્મ થયો છે. 

જમાનો શોર્ટ્સ અને રીલ્સનો છે. વિડિયો અને ગ્રાફિક સ્ટોરીઝનો છે. દેશવાલેની ટીમે એટલે જ લખાણ સાથે વિડિયો અને ગ્રાફિકનો તાલમેળ સર્જવાનો પણ વિચાર કર્યો છે. 

ગુજરાતી ભાષામાં બેશક ગુણવત્તાયુક્ત થોડા પોર્ટ્લ્સ કાર્ય કરી રહ્યાં છે. એમાંનાં અમુક અનુભવ મેળવીને પોતાની કેડી કંડારનારા સ્વતંત્ર પત્રકારોની દેન છે. અન્ય ઘણી ભાષા જોકે ઓનલાઇન ન્યુઝ અને વ્યુઝ પોર્ટલ્સની સંખ્યા ગુજરાતી ભાષા કરતાં વધારે છે. દેશવાલે ઇચ્છે છે કે એ ગુજરાતી ભાષામાં ગુણવત્તાસભર માહિતી પીરસીને ભાષાની પ્રજાની સેવા કરે. 

સાથે અંગ્રેજી ભાષા પણ કરી, કારણ નવી પેઢીની, ઇન્ટરનેટની એક પ્રમુખ ભાષા અંગ્રેજી છે. બિનગુજરાતીઓ સુધી પહોંચવા માટે પણ અંગ્રેજી એક સશક્ત માધ્યમ છે. 

દેશવાલે એ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખેવના ધરાવે છે જેના પર સારા ન્યુઝ-વ્યુઝ પોર્ટલનું ધ્યાન હોવું જોઈએ. કોઈ મોટો દાવો કર્યા વિના અમે એટલું કહીશું કે જ્યાં પણ કશુંક નવું પીરસવાનો અવકાશ અમને વર્તાયો છે એ ક્ષેત્ર તરફ અમારો ઝુકાવ વધુ રહેશે. દેશવાલેનો પ્રયત્ન એ રહેશે કે વાચકોને, ભાવકોને એ એવી સામગ્રી પીરસે જે એમના વ્યક્તિત્વ ઘડતરમાં, એમના જ્ઞાનના વિકાસમાં કોઈક રીતે ઉપયોગી થાય. 

દેશવાલે ભાષાશુદ્ધિ અને ગુણવત્તાના મામલે પણ બને તેટલી સારપનું અનુયાયી રહેશે. કારણ, મશીનથી થતા ભાષાંતરે અને ટેક્નોલોજીના રાફડાએ અજાણપણે આપણને એ વિશે બેધ્યાન કરી નાખ્યા છે. 

દેશવાલે આપણું પોતાનું પોર્ટલ છે. આપણી ભાષામાં આપણને જેની જરૂર છે એવી માહિતીના પ્રસાર માટેનું નવુંનક્કોર માધ્યમ છે. 

દેશવાલે સમય સાથે તાલ મિલાવતાં, યુઝર્સની અપેક્ષાઓ સમજતાં, પોતાને ઘડશે. તમે જે માગશો અને માણશો એના પર દેશવાલેનું લક્ષ્ય રહેશે. એમાં એ પ્રમાણે વિભાગો ઉમેરાશે અને એમાંથી દૂર પણ થશે. 

2025નું આગમન એ રીતે દેશવાલે અને વિશ્વના સાડાછ કરોડ ગુજરાતીઓ માટે તાજી હવાની લહેરખી સાબિત થશે. 

દેશવાલેમાં એ સિતારાઓ કે સેલિબ્રિટીઝ વિશે બેશક જાણવા મળશે જે પ્રસિદ્ધ છે. સાથે દેશવાલેમાં સમાજના એ સિતારાઓને પણ આવરી લેવામાં આવશે જેમનું યોગદાન ઘણીવાર ધ્યાન બહાર રહી જાય છે. 


આવો, સાથે મળીને આપણી ભાષામાં માહિતી માણીએ. સકારાત્મકતા સાથે.

Leave A Reply

ગુજરાતી
Exit mobile version