કાર્ય છે ઈશ્વર – હેમેન્દ્ર રતિલાલ મહેતા
In brief · AI summary હેમેન્દ્ર રતિલાલ મહેતા હમાલોના અન્યાય સામેની લડતથી અનાયાસે જાહેર જીવનમાં આવ્યા, અને સફળ વેપાર, પરિવાર તથા સેવા તેમના જીવનનાં ત્રણ મુખ્ય પાસાં છે. ૧૯૮૯માં તેમણે વેપાર સંતાનોને સોંપીને સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો અને બોરીવલીના વિધાનસભ્ય તરીકે ત્રણ વખત ચૂંટાયા. તેઓ અનેક સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલા છે, જેમાં અમરેલીના તપોવન મંદિર સંકુલની સ્થાપના તેમણે કરી છે.
હમાલો વિરુદ્ધના અન્યાય સામે લડતા તેઓ અનાયાસે જાહેર જીવનમાં આવ્યા. સફળ વેપાર, પરિવાર અને સેવાનો પ્રસાર તેમના જીવનનાં ત્રણ મુખ્ય પાસાં છે
“સખાવતના મામલે આપણે કપોળો સદૈવ આગળ પડતા રહ્યા છીએ. આપણા સમાજમાં ક્યારેક અસાધારણ એકતા હતી. આજે એને પુનર્જીવિત કરવાની તાતી જરૂર છે. આપણે સંગઠિત હશું તો ભૂતકાળની ગરિમાને પાછી મેળવવામાં જરાય વાર નહીં લાગે.” સાધુસંતસેવાથી સમાજસેવા અને ત્યાંથી રાજકારણ થકી પ્રજાસેવા કરવા સુધીની સફર ખેડી છે હેમેન્દ્રભાઈ મહેતાએ. અનેક સેવાસંસ્થાઓ તેમણે કાં તો સ્થાપી છે અથવા તેમાં સેવા આપે છે. દોઢેક દાયકા સુધી તેઓ વિધાનસભ્ય રહ્યા છે. ભરયુવાનીમાં રાષ્ટ્રસેવા માટે, ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધ વખતે, લડાઈમાં ઊતરવાના જોશ સાથે તેમણે લશ્કરી તાલીમ સુધ્ધાં લીધી હતી. એ અલગ વાત કે પરિવારની પ્રબળ અનિચ્છા સામે નમતું જોખીને છેવટે તેઓ યુદ્ધમાં નહીં જોડાયા. તો શું થયું, જીવનના યુદ્ધમાં તેમણે સરસ વિજય પ્રાપ્ત કર્યો છે.
મૂળે અમરેલીના હેમેન્દ્રભાઈનો જન્મ ૧૯૪૪માં વતનમાં થયો. અમરેલીમાં તેમનું પારિવારિક ઘર, માતાપિતા સવિતાબહેન તથા રતિલાલભાઈ જેમાં રહે, એ ઘર, ગામમાં ઓળખાય સાધુસદન તરીકે. નદીકિનારે આવેલા આ ઘરે ગામથી પસાર થનારા સાધુસંતો પડાવ નાખે. હેમેન્દ્રભાઈના પરદાદા વિઠ્ઠલદાસ સાધુસંતોની સેવામાં કાયમ રચ્યાપચ્યા રહેતા હોવાથી વિઠ્ઠલસાધુ તરીકે ઓળખાતા. પરિવારનું ૭૮૮ વર્ષ જૂનું એ ઘર પચીસેક વરસ પહેલાં જોકે વેચી દેવાયું.
હેમેન્દ્રભાઈ અમરેલીની કામાણી ફોરવર્ડ સ્કૂલમાં મેટ્રિક એટલે આજના અગિયારમા ધોરણ સુધી ભણ્યા. પરિવારનો મૂળ વ્યવસાય ખેતીનો હતો. ખેતીના વ્યવસાયને કારણે ઘરમાં ગાય ભેંસ તથા બીજાં ઢોરઢાખરની સાથે ઘોડા પણ, તેથી નાનપણથી હેમેન્દ્રને ઘોડેસવારીનો શોખ. એ જોઈને મુંબઈમાં રહેતા તેમના સંબંધી કિશોરભાઈએ કહ્યું, “આવી જા મારે ત્યાં.” એ ભાઈ બૂકી હતા અને યુવાન હેમેન્દ્ર તેમના પ્રોત્સાહનમાં અશ્વોની રેસમાં મચી પડવાને હતો. થયું એમ કે ઊંચાઈ અને વજન બેઉ વધારે તેથી હેમેન્દ્ર અનફિટ જાહેર થયો. પત્યું.
હરિલાલ વેલજી ગાંધી (મસાલાવાળા) હેમેન્દ્રભાઈના ફુવા થાય. તેમણે એમને મુંબઈમાં પાટે ચડે તે પહેલાં પાંચેક વરસ સાચવ્યો. એક વખત તેઓ કૌટુંબિક વડીલ મિત્ર ચીમનલાલ સાકરલાલ એન્ડ કંપનીની લોખંડ બજારની ઓફિસમાં બહાર પાટીએ બેઠા હતા. તે સમયે બજારમાં હમાલ-મજૂરોએ હડતાળ પાડી હતી. એ વિશે હેમેન્દ્રભાઈ અજાણ હતા. આવા સમયે કોઈક વડીલ વ્યક્તિએ યુવાન હેમેન્દ્રભાઈને વિનંતી કરી કે મેં લોખંડનાં પતરાં ખરીદ્યાં છે. થોડી મદદ કરો અને હાથગાડીમાં મુકાવી દો. હેમેન્દ્રભાઈએ માનવતાની દૃષ્ટિએ પતરાં ઉપાડી ગાડીમાં મૂકી દીધાં. આ દૃશ્ય આસપાસ ઊભેલા હડતાળિયા મજૂરોએ જોયું. તેઓ બીજા મજૂરોને ભેગા કરી લાવ્યા અને હેમેન્દ્રભાઈને ગાળો દઈ ધમકાવવા માંડ્યા. હેમેન્દ્રભાઈએ સ્વરક્ષણકાજે બે-ત્રણ હમાલોને આડે હાથ લીધા અને ધોલધપાટ કરી. હેમેન્દ્રભાઈ આગળ કહે છે, “સાંજે ઘણી હમાલ ટોળીના મુકાદમો ભેગા થયા. તેઓ મને ડરાવવા લાગ્યા. મેં કહ્યું મને તમારી હડતાળ બાબત ખબર નથી. મેં તો માનવતાની દ્રષ્ટિએ મદદ કરી હતી. એ પછી વિવાદનો અંત લાવતાં હું મજૂર ભાઈઓ સાથે હમાલીકામ કરવા માંડ્યો.” એ ક્રમ લગભગ સાત-આઠ મહિના ચાલ્યો. તેના લીધે તેમણે તેમનાં સુખ-દુઃખ નજીકથી જોયા. પછી હમાલો માટે લડતાં, મજૂરના આકસ્મિક અવસાને વેપારીઓ માંડ જે પાંચસો રૂપિયાનું વળતર આપતા, તેને વધારીને રૂપિયા દસ હજાર સુધી લઈ ગયા!
ન્યાય માટેની લડતના આ ગુણ પાછળ કદાચ સંસ્કારો પણ નિમિત્ત બન્યા હશે. હેમેન્દ્રભાઈના દાદા નાથાલાલભાઈ સ્વાતંત્ર્યસેનાની હતા. આઝાદી પછી ગાંધીજી સાથે તેમણે પણ કોંગ્રેસ પક્ષ છોડ્યો હતો. પછી તેઓ આરએસએસમાં સક્રિય રહ્યા હતા. દાદાના એ ગુણ આગળ જઈને પૌત્રમાં વધુ વિકસવાના હતા. તેઓ પણ સામાન્ય વર્ગ અને ગરીબોના રક્ષણ અને ન્યાય માટે ગુંડાગીરી, અસામાજિક તત્વો સામે લડત આપવાના હતા.
હમાલીવાળા પ્રકરણ પછી હેમેન્દ્રભાઈએ ક્લાર્ક કમ ગોડાઉનકીપર તરીકે એકાદ વરસ નોકરી કરી. લોખંડ બજારમાં તેઓ કામ કરતા રહ્યા. ૧૯૬૯માં સાવરકુંડલા નજીકના પીથવડી ગામનાં મીનાક્ષી સાથે તેમનાં લગ્ન થયાં. નિકુલ, ભાવેશ અને ભાવના એમ ત્રણ સંતાનો તેમને થયાં. લગ્ન પછી ૧૯૭૨માં હેમેન્દ્રભાઈએ કાર્યક્ષેત્ર બદલ્યું, “લોખંડ બજારના અનુભવે મને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને નજીકથી સમજવાની તક પૂરી પાડી. મને થયું કે જો ખંતપૂર્વક અને ગણતરી સાથે આ ઇન્ડસ્ટ્રીમાં ઊતરીએ તો ખાસ્સી પ્રગતિ થાય.” એકાદ દાયકો આ ઉદ્યોગમાં અનુભવ મેળવ્યા પછી તેમણે ગ્લોરિયસ કન્સ્ટ્રક્શન કંપની અને પછી, સાંઈકૃપા ડેવલપર્સ, એમ બે કંપની સ્થાપી.
ત્યાં વળી જીવનમાં વધુ એક વળાંક આવ્યો. હેમેન્દ્રભાઈના શબ્દોમાં કહીએ તો, “મારા અને મીનાક્ષીના જીવનમાં બધું સરસ ચાલે પણ એનું સમગ્ર ધ્યાન સેવાપૂજા તથા સંતાનોના ઉછેરમાં. એટલે, તેની તથા અમારા બેઉના પરિવારોની પૂર્ણ સંમતિ સાથે મારાં બીજાં લગ્નનો નિર્ણય લેવાયો.” ૧૯૮૬માં સાવરકુંડલાના વસંતરાય પારેખનાં દીકરી દક્ષા સાથે હેમેન્દ્રભાઈનાં બીજાં લગ્ન થયાં. આ લગ્નથી તેમને વિરલ નામનો દીકરો થયો.
ફાર્સ્ટ ફોરવર્ડ કરીએ. ૧૯૮૦ના દાયકામાં નવા વેપાર, નવા જીવનની શરૂઆત સાથે બોરીવલી રહેવા આવ્યા પછી તેમણે સામાજિક કાર્યો પર વધુ ધ્યાન આપવા માંડ્યું. સમાજસેવાનાં બીજ તો ૧૯૬૦ના દાયકામાં રોપાઈ ગયાં હતાં. ૧૯૮૯માં હેમેન્દ્રભાઈએ વધુ એક નિર્ણાયક પગલું ઉઠાવ્યું, “બીજાને મદદરૂપ થવાનો મારો સ્વભાવ મને સતત પ્રેર્યા કરે કે એકલા બિઝનેસથી તું ઘર સિવાય કોઈના ખપનો નથી. તેથી મેં વેપાર સંતાનોને સોંપીને પૂર્ણ લક્ષ જાહેર જીવન પર આપવાનું ઠરાવ્યું.”
તેઓ જોડાયા સક્રીય રાજકારણમાં. ૧૯૬૭માં જનસંઘથી રાજકીય કારકિર્દી શરૂ કરી, પછી ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ તરીકે હેમેન્દ્રભાઈ બોરીવલીના વિધાનસભ્ય તરીકે ત્રણ વખત ચૂંટાયા. ઉપરાંત વિવિધ સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા છે. વતન અમરેલીમાં તેમણે તપોવન મંદિર સંકુલની સ્થાપના કરી છે, જેમાં સાત મંદિરો સાથે વિશાળ અતિથિગૃહ છે. અમરેલીના બાલભવનના તેઓ પ્રમુખ તો ગિરિધરભાઈ સંગ્રહાલયના ચેરમેન છે. કાંદિવલીની ઠાકુર કોલેજના તેઓ સ્થાપક ટ્રસ્ટી છે. બીજી ઘણી સંસ્થાઓ ઉપરાંત કપોળ સમાજમાં પણ તેઓ સેવા આપી ચૂક્યા છે. ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન જીવરાજ મહેતા સ્થાપિત બે સંસ્થાના હેમેન્દ્રભાઈ ઉપપ્રમુખ છે.
કપોળો વિશે તેઓ કહે છે, “આપણી જે સંસ્થાઓ કાળથપાટ વચ્ચે પણ ટકી ગઈ છે તેમને મજબૂત કરવા માટે સૌએ સંનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. સંસ્થાની નિષ્ફળતા માટે સારા માણસોની નિષ્ક્રિયતા એટલી જ જવાબદાર છે જેટલી ખરાબ માણસોની સક્રિયતા.” મહેતા પરિવારમાં સમાજસેવા સાથે ધર્મભાવનાનો ખાસ્સો પ્રભાવ છે. ઉપરાંત, આ ઉંમરે પણ હેમેન્દ્રભાઈ દરરોજ અઢી કલાક જેટલો સમય વ્યાયામ માટે ફાળવે છે. નવાઈ નથી કે તેમના વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્યએ તેમનો સબળ સાથે ટકાવી રાખ્યો છે.
હેમેન્દ્રભાઈના બે દીકરા નિકુલ અને ભાવેશ આજે પરિવારના બિઝનેસને કુશળપણે આગળ વધારી રહ્યા છે. ત્રીજો દીકરો વિરલ લંડનમાં રહેતા સફળ કારકિર્દી માણે છે. દીકરી ભાવના પણ બધી રીતે સંતુષ્ટ જીવન માણી રહી છે. સાંજે બે રોટલા અને એક લિટર દૂધના સાત્વિક જમણનો નિયમ અનુસરનારા આ વડીલ ફાઇનલી કહે છે, “આપણા કામને નિષ્ઠાપૂર્વક ન્યાય આપવો એટલે ઇશ્વરની કસોટીમાં પાર પડવું. જીવનભર મેં એ માટે પ્રયત્ન કર્યો છે અને કાયમ કરતો રહીશ.”
મેં કહ્યું મને તમારી હડતાળ બાબત ખબર નથી. મેં તો માનવતાની દૃષ્ટિએ મદદ કરી હતી. એ પછી વિવાદનો
અંત લાવતાં હું મજૂર ભાઈઓ સાથે હમાલીકામ કરવા માંડ્યો.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.