વૈશ્વિક ચેસબોર્ડ પર ઇરાન કેન્દ્રમાં, ભારત સંતુલનમાં: હથિયાર વગરનું આર્થિક યુદ્ધ
In brief · AI summary આજનું વૈશ્વિક યુદ્ધ ટેન્ક કે મિસાઇલથી નહીં, પરંતુ આર્થિક સાધનો અને કૂટનીતિથી લડાય છે, જેમાં ઇરાન કેન્દ્રમાં છે અને ભારત સંતુલન જાળવે છે. અમેરિકા સીધું યુદ્ધ ટાળીને ઇરાન પર તેલ નિકાસ અને SWIFT સિસ્ટમ સંબંધિત પ્રતિબંધો લગાવે
By: Hiren Gandhi
વૈશ્વિક રાજનીતિમાં યુદ્ધનું સ્વરૂપ સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે. ૨૧મી સદીના યુદ્ધ હવે ટેન્ક, મિસાઇલ અથવા સૈનિકોની સીધી ટક્કરથી નથી લડાતા, પરંતુ તેલના બેરલ, ડોલર, વૈશ્વિક બેન્કિંગ સિસ્ટમ, પ્રતિબંધો, પ્રોક્સી દબાણ અને કૂટનીતિ દ્વારા લડાય છે. આ બદલાયેલા વૈશ્વિક ચેસબોર્ડ પર ઇરાન કેન્દ્રમાં છે, જ્યારે ભારત સંતુલન જાળવનાર એક મહત્વપૂર્ણ શક્તિ તરીકે ઉભર્યું છે.
ઇરાન Middle Eastમાં એવી પ્રાદેશિક શક્તિ છે જે ઇઝરાયેલને માન્યતા આપતી નથી, અમેરિકાના વ્યૂહાત્મક આદેશોને સ્વીકારતી નથી અને પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ પર અડગ છે. ઇરાક, સીરિયા અને લેબનાન સુધી તેનો પ્રભાવ ફેલાયેલો છે, જે અમેરિકા માટે તેને “નિયંત્રણ બહારની પ્રાદેશિક શક્તિ” બનાવે છે. તેથી સીધા યુદ્ધમાં ઉતર્યા વગર ઇરાનને નબળું પાડવાની વ્યૂહરચના અપનાવવામાં આવી છે.
આ વ્યૂહરચનાનું મુખ્ય હથિયાર આર્થિક પ્રતિબંધો છે. તેલ નિકાસ પર લાગેલા પ્રતિબંધો બાદ ઇરાનની આવકમાં ભારે ઘટાડો થયો છે. SWIFT સિસ્ટમથી બહાર ફેંકી દેવામાં આવતા અને ડોલરમાં વેપાર બંધ થતાં ઇરાની કરન્સી રિયલ ધરાશાયી થઈ છે. તેની સીધી અસર સામાન્ય નાગરિકો પર પડી છે. મોંઘવારી બેકાબૂ બની છે, દવાઓ અને ખોરાકની કિંમતો આકાશને અડી ગઈ છે અને યુવા બેરોજગારી ગંભીર સ્તરે પહોંચી છે. આર્થિક અસંતોષ ઊભો કરીને રાજકીય દબાણ સર્જવાનો હેતુ સ્પષ્ટ દેખાય છે.
અમેરિકા સીધું યુદ્ધ ટાળે છે કારણ કે ઇરાક અને અફઘાનિસ્તાનના અનુભવોએ બતાવ્યું છે કે સીધું યુદ્ધ ભારે ખર્ચાળ અને રાજકીય રીતે નુકસાનકારક છે. તેથી હવે “હથિયાર વગરનું યુદ્ધ” લડાય છે, જેમાં આર્થિક ગળું દબાવવું, પ્રોક્સી સંઘર્ષ અને કૂટનીતિક એકલાપણું મુખ્ય સાધન છે. આમાં ઇઝરાઇલ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે સીરિયા અને લેબનાનમાં ઇરાનના પ્રભાવને આસપાસથી કાપવાની નીતિ અપનાવે છે.
ચીન આ પરિસ્થિતિમાં લાભ લે છે પરંતુ ખુલ્લા સંઘર્ષથી દૂર રહે છે. ડિસ્કાઉન્ટમાં ઇરાની તેલ ખરીદી છુપાઈને વેપાર કરે છે, પરંતુ અમેરિકા સામે સીધો મોરચો લેતું નથી. રશિયા પોતે પશ્ચિમી પ્રતિબંધોમાં ફસાયેલું હોવાથી ઇરાન માટે મર્યાદિત સહયોગી બની રહે છે.
આ સમગ્ર દબાણ વચ્ચે ભારત સૌથી સંતુલિત અને વ્યૂહાત્મક ભૂમિકા ભજવે છે. ભારત અમેરિકા સાથે વ્યૂહાત્મક ભાગીદારી જાળવે છે, રશિયા સાથે પરંપરાગત સંબંધો રાખે છે અને ઇરાન સાથે ચાબહાર બંદર તથા ઊર્જા સુરક્ષા જેવા મહત્વપૂર્ણ હિતો જોડે છે. ભારત ઇરાનને સંપૂર્ણ રીતે છોડતું નથી, પરંતુ ખુલ્લો ટેકો પણ આપતું નથી. આ નીતિ Strategic Autonomy તરીકે ઓળખાય છે, જેમાં શાંતિથી હિતોની રક્ષા કરવામાં આવે છે.
આજની વૈશ્વિક હકીકત સ્પષ્ટ છે. આ યુદ્ધમાં હથિયાર નહીં, અર્થતંત્ર જીતે છે. અને ભારત આ યુદ્ધમાં જીતે છે સંતુલનથી.

Secretary – InGlobal Business Foundation (IBF)
Director – ReNis Agro International LLP, Ahmedabad, India
Subscribe Deshwale on YouTube