સંજય વિ. શાહ
સત્તા જેટલી જ પ્રચંડ અને અસાધારણ વિનમ્રતા પણ હોવી જોઈએ. આખરે તો લોકજીવન માટે કહી શકાય, “વીરા મોરા ગજથી હેઠા ઊતરો.” આ પંક્તિ આ ક્ષણે મોદી ખાસ્સી વધુ પ્રાસંગિક લાગી રહી છે.
જે પોષતું તે મારતું…
નરેન્દ્ર દામોદરદાસ મોદી પહેલીવાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા સાતમી ઓક્ટોબર ૨૦૦૧ના. પહેલીવાર વડા પ્રધાન બન્યા ૨૬ મે ૨૦૧૪ના.
આ બે તારીખો વચ્ચે ૯૦૫૮ દિવસો પસાર થઈ ગયા છે. અથવા કહો ૨૪ વરસ નવ મહિના અને ૧૮ દિવસ…
દેશમાં બે ઊંચાં પદ (એક તો સર્વોચ્ચ) પદ શોભાવનારા નરેન્દ્ર મોદી માટે ડિજિટલ અસ્તિત્વ ધરાવતી કોકરોચ જનતા પાર્ટીના ફિઝિકલ આંદોલન સામે ઝૂકી જવું અભૂતપર્વ નિર્ણય છે. વિધિની વક્રતા કે ડિજિટલ મીડિયાનો અમોઘ રાજકીય શસ્ત્ર તરીકે ઉપયોગ થઈ શકે એ મોદીએ શ્રેષ્ઠ રીતે સાબિત કર્યું. હવે એમણે પહેલીવાર નમતું જોખવાનો વારો પણ ડિજિટલ મીડિયાના પ્રતાપે જ આવ્યો છે.

આખી વાતમાં એમની સરકારે કરેલી એક પાયાની વાત, બહુ અગત્યની છતાં જે સદંતર વિસારે પડી જવાની છે એ એટલે, “મોદી સરકાર એના પ્રધાનોને નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપીને છૂટ્ટા થઈ જવાની મોકળાશ આપવાને બદલે પ્રધાનોને કામ કરવાની, ભૂલ સુધારીને ફરજ પાડે છે, કે કહો કે એ માટે પ્રોત્સાહન આપે છે…”
સત્તાના પ્રદીર્ઘ ગાળામાં મોદીએ અમિત શાહના સથવારે સતત એ કર્યું છે જે એમને ઠીક લાગ્યું. પ્રજાએ એમના નિર્ણયો કાં ઉમળકાભેર કા વિકલ્પવિહોણી સ્થિતિમાં સ્વીકાર્યા છે.
આ અરસામાં દિશાવિહીન અને નબળો, રણનીતિ ઘડવામાં મોદી સામે વામણો સાબિત થનારો વિરોધ પક્ષ ભાગ્યે જ મોટું રણશિંગું ફૂંકી શક્યો છે. લોકશાહી માટે મજબૂત અને અસરકારક વિરોધ પક્ષ એટલો જ જરૂરી છે જેટલી મજબૂત સરકાર. હાલની સ્થિતિમાં એનું કશું થઈ શકે એમ નથી. અત્યારે લોકસભામાં ભાજપની બહુમતી નથી છતાં વિપક્ષ એ તકનો કશો લાભ લઈ શક્યો નથી.
૨૦૨૧નું કિસાન આંદોલન યાદ કરો. લગભગ એક વરસ ખેડૂતો ખેતી કાયદા સામે ઝઝૂમતા રહ્યા. ત્યારે પણ સરકારે વિલંબિત પગલાં લીધાં હતાં, મોદીએ નીતિમાં બેશક પાછીપાની કરવી પડી હતી, પરંતુ એમના કોઈ પ્રધાનના રાજીનામા સુધી વાત પહોંચી નહોતી. એ પાછીપાની કદાચ એટલે હતી કે ૨૦૨૨માં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વિધાનસભા ચૂંટણી હતી. મોદી સરકારે જો ખેડૂત આંદોલનમાં વહેલાસર અને લોકાપેક્ષિત ફેસલો લીધો હોત તો પંજાબ આમ આદમી પાર્ટીની ઝોળીમાં ગયું હોત કે કેમ એ વિશ્લેષણનો મુદ્દો છે.
એ પહેલાં ૨૦૧૯-૨૦માં સીએએ-એનઆરસી વિરુદ્ધ જનાક્રોશ, ૨૦૨૨-૨૩માં અગ્નિપથ વિરુદ્ધ જનાક્રોશ અને મણિપુરની સ્ફોટક પરિસ્થિતિ… આ પહેલાં ક્યારેય મોદીએ નમતું જોખ્યું નથી.
મોદી માટે ભાજપે પણ હંમેશાં એમની પાછળ અડીખમ ઊભા રહેવાનો અભિગમ અપનાવ્યો છે.
૨૦૦૨માં, કોમી રમખાણો પછી, મોદીના ગુજરાતના મુખ્ય પ્રધાન રહેવા વિશેનો વિરોધ પક્ષોનો હોબાળો નિરર્થક પુરવાર થયો હતો. આજે મોદીની પડખે બેઠક શોભાવનારા ચંદ્રાબાબુ નાયડુએ મોદીને પદભ્રષ્ટ કરવા લાલઘૂમ આંખો કરી હતી પણ અર્થ સર્યો નહોતો.
૨૦૧૫માં, મોદીના વડા પ્રધાન તરીકેના પ્રથમ કાર્યકાળમાં, આજના અભિજિત દીપકેની જેમ, હાર્દિક પટેલનો સિતારો ઝળહળ્યો હતો. ખાસ કરીને ગુજરાત પૂરતો. પાટીદાર આંદોલન ગુજરાતના રાજકારણનો પ્રવાહ બદલી નાખશે એવા જલ્લોષનું છેવટે કશું થયું નહોતું. ૨૦૨૨થી હાર્દિકસાહેબ ભાજપિયા થઈ ગયા છે, બસ.
વડા પ્રધાન બનતા પહેલાં મોદીએ જીએસટીનો વિરોધ કર્યો હતો અને પછી, ગાઈ-વગાડીને એનો અમલ કર્યો હતો…
મોદી… એમની જેમ એક પક્ષના સામાન્ય કાર્યકર્તાથી સર્વોચ્ચ પદે પહોંચનારા જૂજ છે. એમના જેવી ક્લીન ઇમેજ ધરાવનારા એમની પહેલાનાં વડા પ્રધાન ત્રણ જઃ લાલબહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ અને મનમોહન સિંઘ. નહેરુ સામે નેપોટિઝમ, ફેવર, લાઇસન્સ રાજને પ્રોત્સાહન, એલઆઈસીના ફંડ સાથે કનેક્ટેડ હરિદાસ મુન્ધ્રા સ્કૅન્ડલ (જેમાં તત્કાલીન નાણાપ્રધાન ટી. ટી. ક્રિશ્નામાચારીએ રાજીનામું આપવું પડ્યું હતું) જેવાં ઘેરાં વલયો રહ્યાં હતાં.
મોદી… પ્રદીર્ઘ સત્તાકાળ પછી પણ પ્રજાનો મોટો વર્ગ (બધા મોદીભક્ત ના હોય, બોસ) કહે છે, માને પણ છે, “મોદી ભ્રષ્ટ નથી જ,” એવા મોદી માટે નમવાનો પહેલવહેલો પ્રસંગ ભવિષ્યના કોઈ અંદેશા આપી રહ્યો છે?
1. મોદી ભ્રષ્ટ નથી પણ એમની આસપાસના ભ્રષ્ટોનું શું?
2. મોદી પત્રકાર પરિષદો ના યોજે, પ્રજાના પ્રશ્ને અને આંદોલને સવેળા મોકળા મને સ્પષ્ટતા ના કરે, સરકારી ભૂલો નિખાલસતાપૂર્વક ના સ્વીકારે એ કેવું? છતાં તેઓ લગાતાર મન કી બાત રિલે કરે તો લોકો શું સમજે?
3. મોદીરાજમાં અદાણીસમ પ્રગતિ કોઈ ઉદ્યોગપતિ નથી કરી શક્યો તો અદાણીની જ અંધાધૂંધ પ્રગતિ કેમ? અન્ય કોઈ ઉદ્યોગપતિની કેમ નહીં?
4. કામઢા, આબાલવૃદ્ધ સાથે સુપર્બ કમ્યુનિકેશન કરનારા નરેન્દ્રભાઈ કેમ ડિજિટલ ડોક્ટરેટ જેવી સમજણ છતાં, કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની સંભવિત અસરકારકતા વિચારવામાં થાપ ખાઈ ગયા? જૂનમાં શરૂ થયેલું આંદોલન ક્યાં પહોંચશે અને તે યુવાપેઢી તથા જનમાનસને કેવી રીતે પ્રભાવિત કરશે, તેનો અંદાજ મોદી કેમ ન લગાવી શક્યા? કે પછી સમજવા છતાં અવગણી બેઠા?
5. દેશને મોદીની જરૂર છે, ખાસ કરીને જ્યાં સુધી વિપક્ષ કે ભાજપમાં એમની આસપાસ પણ ફરકી શકે એવો સક્ષમ નેતા મળતો નથી ત્યાં સુધી તો ખરી જ. પ્રજાનો આટલો પ્રેમ અને ભરોસો હોવા છતાં મોદી અત્યાર સુધી જન આંદોલનોને કેમ ઉપેક્ષિત કરતા રહ્યા, કેમ જાણે ભરોસો પણ ખતરાનું કારણ હોય?
આવતા વરસે દેશનાં સાત રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ છે. એક ગુજરાત છે જ્યાં ભાજપ અતિશય શક્તિશાળી હોવાથી પરાજય લગભગ અશક્ય છે. બાકીનાં રાજ્યો પર કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની અવળી અસર નહીં પડે એવું કહેવું અઘરું છે.
નરેન્દ્રભાઈનો આગામી અને રહ્યોસહ્યો કાર્યકાળ સુવર્ણાક્ષરે લખાશે તો દેશ રાજી થવાનો જ છે. એ માટે લોકઉપેક્ષા, જન આંદોલનોની ઉપેક્ષા જેવી બાબતો વિશે તેમણે પુનર્વિચારણા કરવી રહી.
સત્તા જેટલી જ પ્રચંડ અને અસાધારણ વિનમ્રતા પણ હોવી જોઈએ. આખરે તો લોકજીવન માટે કહી શકાય, “વીરા મોરા ગજથી હેઠા ઊતરો.” આ પંક્તિ આ ક્ષણે મોદી ખાસ્સી વધુ પ્રાસંગિક લાગી રહી છે.
સોશિયલ મીડિયામાં મોદીના ફોલોઅર્સ
- એક્સ (ટ્વીટર): ૧૦,૯૬,૦૦,૦૦૦
- ઇન્સ્ટાગ્રામઃ ૧૦,૩૦,૦૦,૦૦૦
- ફેસબુકઃ ૬,૦૦,૦૦,૦૦૦
- યુટ્યુબઃ ૩,૧૧,૦૦,૦૦૦
- લિન્ક્ડઇનઃ ૫૫,૧૮,૧૦૮
- વ્હોટ્સએપ ચેનલઃ ૧,૫૩,૯૧,૮૭૯
- કુલ અનુયાયીઓઃ ૩૨,૪૬,૦૯,૯૮૭
નોંધઃ એક્સ પર મોદીના ૧૦,૭૦,૦૦,૦૦૦ ફોલોઅર્સ narendramodi હેન્ડલ પર અને ૨૬,૦૦,૦૦૦ ફોલોઅર્સ narendramdi_in હેન્ડલ પર. ઇન્સ્ટાગ્રામ પરના ૧૦,૩૦,૦૦,૦૦૦માંથી દસેક લાખ તો એમના હાલના મોડી રાતના મેસેજ પછી બન્યા.


