લિઓનલ મેસી અને આર્જેન્ટિના જેને ભૂલી જવા ચાહશે એવી મેચમાં સ્પેન ઓલરાઉન્ડ છવાયેલું રહ્યું. મેચનો એકમાત્ર ગોલ સ્પેનના ફોરવર્ડ ફેરાન ટોરેસે કર્યો હતો

સંજય વિ. શાહ
રવિવારે ન્યૂ જર્સીના ઇસ્ટ રધરફોર્ડ સ્થિત, મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલી, ફિફા વિશ્વ કપ ૨૦૨૬ની રસાકસીવિહોણી ફાઇનલમાં, સ્પેને ગત વખતના વિજેતા આર્જેન્ટિનાને ૧-૦થી પરાજિત કર્યું હતું. ઇતિહાસમાં જેને એકતરફી ફાઇનલ તરીકે સ્થાન મળશે એવી મેચમાં સ્પેને લગાતાર જાદુભર્યું પ્રદર્શન કર્યું હતું. નોંધનીય છે કે આ પહેલાં ૨૦૨૩માં સ્પેનની મહિલા ટીમ ફિફા વિશ્વ કપ જીતી હતી. એ સાથે રમતના બેઉ ફોર્મેટમાં સ્પેન વિશ્વવિજેતા હોવાનું સન્માન ધરાવતો પહેલો દેશ બન્યો છે.
રવિવારે રમાયેલી ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આર્જેન્ટિના ગણતરીની મિનિટો માટે પણ સરસાઈવાળી સ્થિતિને આંબી શક્યું નહોતું. નિવૃત્તિ આરે આવેલા આર્જેન્ટિનિયન સિતારા લિઓનલ મેસી માટે એ અકલ્પનીય નિરાશા હતી. સ્પેને મેસીને સમગ્ર મેચમાં સજ્જડ બાંધી રાખ્યા હતા. સ્પેનના છક્કડ ખવડાવનારા ઓલ રાઉન્ડ પ્રદર્શન સામે છેવટે મેસી અને આર્જેન્ટિનાએ ઘૂંટણિયાં ટેકવવાં પડ્યાં હતાં.
ભાગ્યે જ જોવા મળે એવી ફાઇનલ મેચ આર્જેન્ટિના માટે તકવિહાણી અને સ્પેન માટે આક્રમકતાની ગજબ ચરમસીમા દર્શાવનારી રહી હતી. સ્પેન માટે, અને મેચનો એકમાત્ર ગોલ, ૧૦૬ મિનિટે ૨૬ વરસના ફોરવર્ડ ખેલાડી ફેરાન ટોરેસે કર્યો હતો.
મેચના પ્રથમ બે હાફમાં કોઈ ટીમ ગોલ કરી શકી નહોતી. જોકે પ્રથમ (અને બીજા) હાફમાં પણ સ્પેનનો અજેય દબદબો રહ્યો હતો. એટલો કે એના ખેલાડીઓએ વારંવાર બોલને ગોલપોસ્ટ સુધી પહોંચાડ્યો હતો. આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો ‘ડિબુ’ માર્ટિનેઝના જબરદસ્ત પરફોર્મન્સને કારણે સ્પેનના ગોલ કરવાનાં ઘણાં સપનાં ચૂર થયાં હતાં. એક્સ્ટ્રા ટાઇમમાં પણ સ્પેનના નિકો વિલિયમ્સે એકવાર બોલને નેટભેગો કરી દીધો હતો. જોકે માઇકેલ મેરીનોના નિકોલસ ઓટામેન્ડી સામેના અણધાર્યા ફાઉલને કારણે એ ગોલ માન્ય નહોતો કરાયો.
મેચની હાઇલાઇટ્સઃ
- ૪૧ મિનિટ – આર્જેન્ટિનાના ડિફેન્ડર લિસાન્દ્રો માર્ટિનેઝને એમની હરકત માટે યલો કાર્ડ બતાવાયું.
- ૪૫ મિનિટ – પહેલા હાફના અંતે મેચ પર સ્પેનના અફર પ્રભુત્વ છતાં બેઉ ટીમ ૦-૦ પર રહી.
- ૯૦+૩ મિનિટ (ઇન્જરી ટાઇમ) – આર્જેન્ટિનાના મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડિઝને બીજું યલો કાર્ડ પકડાવાતાં એ રેડ કાર્ડમાં ફેરવાયું. એ સાથે ફર્નાન્ડિઝ બહાર ગયા અને આર્જેન્ટિનાએ ૧૦ ખેલાડીઓ સાથે બાકીની મેચ રમવી પડી.
- ૯૫ મિનિટ – એક્સ્ટ્રા ટાઇમની પાંચમી મિનિટે સ્પેનના નિકો વિલિયમ્સે બોલને નેટમાં પહોંચાડી દીધો. છતાં, વિડિયો રેફરીએ ગોલ તપાસીને એને અમાન્ય કર્યો કારણ માઇકેલ મેરીનોએ અજાણતાં આર્જેન્ટિનાના એક ડિફેન્ડરના પગ પર, બરાબર ગોલ પહેલાં, પગ મૂકી દીધો હતો. સ્કોર તેથી ૦-૦ પર રહ્યો.
- ૧૦૬ મિનિટ – છેવટે સ્પેનનો ગોલ થયો. ફેરાન ટોરેસે એકદમ ચોખ્ખા અને સરસ શોટમાં એકલે હાથે બોલને ગોલપોસ્ટ પહોંચાડી દેતાં સ્કોર ૧-૦ પહોંચ્યો.
- ૧૨૦ મિનિટ – મેચ ખતમ અને સ્પેન વિશ્વવિજેતા ઘોષિત થયું.
- સ્પેનના ૧૯ વર્ષના ખેલાડી લેમિને યમાલે ફૂટબોલ ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તે યુરો કપ ફાઇનલ અને વર્લ્ડ કપ ફાઇનલ બેઉ રમનાર દુનિયાનો પહેલો યુવા ખેલાડી (ટીનેજર) બન્યો છે. જોકે ફાઇનલમાં તેણે ગોલ નહોતો કર્યો, પરંતુ આર્જેન્ટિનાના ડિફેન્સને તોડવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
- ટુર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડીનો ખિતાબ સ્પેનના સેન્ટર બૅક ખેલાડી પાઓ કુબારસીના ફાળે ગયો હતો. ૧૯ વર્ષના આ ડિફેન્ડરે ટુર્નામેન્ટમાં માત્ર એક ગોલ થવા દીધો હતો.
- સર્વશ્રેષ્ઠ ગોલકીપરનો ગોલ્ડન ગ્લોવ્ઝ ખિતાબ સ્પેનના ઉનાઈ સિમોનને ફાળે ગયો હતો. ટુર્નામેન્ટની આઠમાંની સાત મેચમાં સિમોને વિરોધી ટીમને એકપણ ગોલ કરવા દીધો નહોતો. એમાં ફાઇનલ મેચ પણ એક રહી હતી.
- ટુર્નામેન્ટમાં ૧૦ ગોલ કરનારા ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પેને ગોલ્ડન બૂટ, આઠ ગોલ કરાનારા મેસીને સિલ્વર બૂટ અને સાત ગોલ કરનારા ઇંગ્લેન્ડના જ્યુડ બેલિંગહામને બ્રોન્ઝ બૂટ એવોર્ડ એનાયત થયો હતો.
- ટુર્નામેન્ટનો ગોલ્ડન બોલ એવોર્ડ સ્પેનના સુકાની અને ડિફેન્સિવ મિડફિલ્ડર રોડ્રિગો હર્નાન્ડેઝ કેસ્કાન્ટે ઉર્ફે રોડરીને, સિલ્વર બોલ એવોર્ડ મેસીને અને બ્રોન્ઝ બોલ એવોર્ડ ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પેને એનાયત થયો હતો.
- આ પહેલાં ૨૦૧૦માં સ્પેન ફિફા વર્લ્ડ કપ જીત્યું હતું. એની ફાઇનલમાં સ્પેને નેધરલેન્ડ્સને ૧-૦થી પરાજિત કર્યું હતું.
- લિઓનલ મેસીની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. આ હાર સાથે તેમની પ્રભાવશાળી ફૂટબોલ વર્લ્ડ કપની સફરનો નિરાશાજનક અંત આવ્યો હતો.ફિફાની મેચમાં બે હાફ વચ્ચે સામાન્યપણે ૧૫ મિનિટનો બ્રેક હોય છે. આ મેચમાં ૨૭ મિનિટ લાંબો બ્રેક હતો. એમાં મનોરંજક ઇવેન્ટ થઈ હતી.
- આર્જેન્ટિનાની ટીમ બેઉ હાફની ૯૦ મિનિટમાં સ્પેનના ગોલપોસ્ટ પર એકપણ સીધો શોટ મારી શકી નહોતી.
- મેચમાં ૩૯ વર્ષના મેસી સામે સ્પેનના યુવા સુપરસ્ટાર લેમિન યમાલની ટક્કર જાણે વારસાની સોંપણી સમાન રહી હતી.
- હાફ ટાઇમના વિરામમાં કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિને ૧૧ મિનિટનું પરફોર્મન્સ આપ્યું હતું. સાથે શકીરાએ બર્ના બોય સાથે મળીને ટુર્નામેન્ટનું સત્તાવાર ગીત ‘દાઈ દાઈ’ ગાયું હતું. મેડોનાએ તેના હિટ મ્યુઝિક ટ્રેક પર, બીટીએસે તેના આંતરરાષ્ટ્રીય હિટ ગીત ‘ડાયનામાઇટ’ પર, જસ્ટિન બીબરે ‘એવરીથિંગ હેલેલુજા’ પર, ગુસ્તાવો દુદામલે ‘સિમોન બોલિવર સિમ્ફની ઓર્કેસ્ટ્રા’ સાથે અને એમેન્યુઅલ કેલીએ પરફોર્મ કર્યું હતું.
- મેચ પહેલાં પોસ્ટ મેલોને સ્વે લી સાથે, રોબી વિલિયમ્સે નિકોલ શેર્ઝિંગર અને લોરા પૌસિની સાથે ફિફાના ગીત ‘ડિઝાયર’ પર, જેનિફર હડસને અમેરિકાના રાષ્ટ્રગીત પર, મારિયા બેકેરાએ આર્જેન્ટિનાના રાષ્ટ્રગીત પર અને આઈશોસ્પીડે તેના વાઇરલ ગીત ‘વર્લ્ડ કપ ચેમ્પિયન્સ’ પર પરફોર્મ કર્યું હતું. આ પ્રસંગે હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રુઝે વિશેષ હાજરી નોંધાવીને વૈશ્વિક એકતા પર સંબોધન કર્યું હતું.

