By: Hiren Gandhi
ભારત અને વિયેતનામ વચ્ચે કાસિયા (Cassia) અને બાદિયાનની આયાતને લઈને છેલ્લા કેટલાક સમયથી ઊભી થયેલી દસ્તાવેજી અને પ્રમાણપત્ર સંબંધિત સમસ્યાનો હવે સફળ ઉકેલ આવ્યો છે. ઇનગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશનના સક્રિય હસ્તક્ષેપથી આ મુદ્દો ઉકેલાતા ભારતીય આયાતકારો, વિયેતનામના સાચા નિકાસકારો તેમજ બંને દેશોની સંબંધિત સરકારી એજન્સીઓને મોટી રાહત મળી છે.
ભારત વિશ્વમાં વિયેતનામમાંથી કાસિયા અને બાદિયાનનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. આ મસાલાઓ ભારતીય રસોડાં, ઔષધિ ઉદ્યોગ અને ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જોકે, તાજેતરમાં આયાત સંબંધિત દસ્તાવેજોની કડક તપાસને કારણે અનેક કન્સાઇનમેન્ટ અટકી રહી હતી, જેના કારણે વેપારમાં વિલંબ અને અનિશ્ચિતતા ઊભી થઈ હતી.
આ સમસ્યાનું મુખ્ય કારણ નીચી ગુણવત્તાની ચીની કાસિયાને વિયેતનામની કાસિયા તરીકે દર્શાવી નિકાસ કરવાનો પ્રયાસ હોવાનું સામે આવ્યું હતું. આવી કાસિયા ગુણવત્તામાં નબળી હોવા ઉપરાંત આરોગ્ય માટે પણ નુકસાનકારક માનવામાં આવે છે. આ પ્રકારની ગેરરીતિને અટકાવવા માટે ભારત સરકારે આયાતના નિયમોને વધુ કડક બનાવ્યા હતા, જેના કારણે સાચા વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
પરિસ્થિતિની ગંભીરતા સમજીને ઇનગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશને તરત જ મામલે હસ્તક્ષેપ કર્યો. સંસ્થાએ વિયેતનામ સરકારના સંબંધિત વિભાગો, વન વિભાગ અને અધિકારીઓ સાથે સતત સંકલન સાધ્યું. કાસિયા અને બાદિયાન ખરેખર વિયેતનામ મૂળના છે તે સાબિત કરતા અધિકૃત અને પ્રમાણિત દસ્તાવેજો મેળવવાની પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી.
આ પ્રયાસોના પરિણામે હવે સાચા દસ્તાવેજો સાથે પ્રમાણપત્ર જારી થવાનો માર્ગ ખુલ્લો થયો છે. તેના કારણે વિયેતનામના સાચા નિકાસકારો ફરીથી નિર્ભયતાથી ભારત નિકાસ કરી શકશે અને ભારતીય આયાતકારોને પણ ગુણવત્તાવાળા મસાલા સમયસર મળશે.
ઇનગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશનના સચિવ શ્રી હિરેન ગાંધીએ જણાવ્યું કે સંસ્થાનો ઉદ્દેશ હંમેશા સાચા વેપાર, ગુણવત્તા અને પારદર્શિતા જાળવવાનો રહ્યો છે. નીચી ગુણવત્તાની કાસિયા દ્વારા ભારતીય ગ્રાહકોના આરોગ્ય અને આયાતકારોના હિતોને નુકસાન ન થાય તે માટે આ ઉકેલ જરૂરી હતો. વિયેતનામ સરકાર અને અધિકારીઓના સહયોગ બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉકેલથી માત્ર હાલની સમસ્યા જ નહીં પરંતુ ભવિષ્યમાં ભારત–વિયેતનામ મસાલા વેપાર વધુ મજબૂત, વિશ્વસનીય અને પારદર્શી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇનગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન દ્વારા તમામ આયાતકારો અને નિકાસકારોને અપીલ કરવામાં આવી છે કે માત્ર સાચા મૂળના, યોગ્ય દસ્તાવેજો સાથેના મસાલાનો જ વેપાર કરે અને નિયમોનું સંપૂર્ણ પાલન કરે.

Secretary — InGlobal Business Foundation (IBF)
Director — ReNis Agro International LLP, Ahmedabad, India
Subscribe Deshwale on YouTube


