મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આગામી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર (બારમા) અને માધ્યમિક શાળા પ્રમાણપત્ર (દસમા)ની પરીક્ષાઓમાં સંવેદનશીલ કેન્દ્રોની દેખરેખ માટે ડ્રોનથી નિગરાની રાખવાનું છે. આ પહેલનો ઉદ્દેશ્ય રાજ્યભરમાં પરીક્ષામાં થતી ગેરરીતિઓ ખાળવાનો અને ચોખ્ખી પરીક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
રાજ્યનાં આશરે 8,500 પરીક્ષા કેન્દ્રોમાંથી 500 કેન્દ્રોને પાછલી ગેરરીતિઓના આધારે સંવેદનશીલ ગણવામાં આવ્યાં છે. આ કેન્દ્રો પર અનધિકૃત પ્રવેશ અને સંભવિત નકલ રોકવા પરીક્ષા કેન્દ્રોની આસપાસના 500 મીટરના વિસ્તારમાં આવેલાં ફોટોકોપી સેન્ટર્સને પરીક્ષા દરમિયાન દરમિયાન બંધ રાખવામાં આવશે. ઉપરાંત, આ વિસ્તારોમાં ગેરરકાયદેસર ટોળાં કરવા પર પણ પ્રતિબંધ મૂકવા 144મી કલમ અમલમાં મુકાશે.

આ રીતે, પહેલી વખત એવું થશે કે પરીક્ષાના સમયે બોર્ડ, એના ડિરેક્ટર અને સુપરવાઇઝર સહિતના કર્મચારીઓની ઓળખ સુનિશ્ચિત કરવા ચહેરા ઓળખવાની સિસ્ટમ લાગુ કરશે. એ પછી જ આ કર્મચારીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. અનધિકૃત વ્યક્તિઓને પરીક્ષા કેન્દ્રના પરિસરમાં પ્રવેશતા અટકાવવા માટે ડિવિઝનલ બોર્ડ સત્તાવાર ઓળખપત્રો પણ જારી કરશે.
રાજ્યમાં બારમા ધોરણની પરીક્ષા 11 ફેબ્રુઆરીથી 11 માર્ચ 2025 વચ્ચે યોજાશે. દસમા ધોરણની પરીક્ષાઓ 21 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 સુધી ચાલશે. પરીક્ષાઓ શરૂ થાય તે પહેલાં તમામ આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. પરીક્ષાના સમયમાં કેન્દ્રોની બહારના પરિસર પર ચાંપતી નજર રાખવામાં આવશે. સાથે, સમર્પિત ફ્લાઇંગ સ્ક્વોડ્સ અણધારી તપાસ પણ કરશે જેથી પરીક્ષાઓમાં પ્રામાણિકતા જળવાઈ રહે.
આ પગલાં બોર્ડની નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષાઓ યોજવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એ માટે શૈક્ષણિક પ્રામાણિકતાના મોરચે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.