વૈશ્વિક તાપમાનમાં વધારો (ગ્લોબલ વોર્મિંગ), જળવાયુ પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) અને ગ્રીન હાઉસ ઇફેક્ટ આ બધી ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલી છે અને એકબીજાનું પરિણામ છે અને તેના કારણે પૃથ્વી પર પર્યાવરણ, માનવજીવન તથા સમગ્ર સજીવ સૃષ્ટિ પર ખતરો વધી ગયો છે. ઋતુચક્ર બદલાઈ ગયું છે, ક્યાંક અતિવૃષ્ટિ અને ક્યાંક અનાવૃષ્ટિ જોવા મળે છે, જંગલો સાફ થઈ રહ્યા છે, નદીઓ સુકાઈ રહી છે, જમીનો ધોવાઈ રહી છે. નદીઓના નીર સૂકાતા જાય છે. ધ્રુવો પર હિમનદીઓ ઓગળતા તેમનું પાણી સમુદ્રોમાં ઠલવાય છે તેથી દરિયાની સપાટી વધી છે જેના કારણે આગામી વર્ષોમાં વિશ્વના અનેક ખંડોના શહેરો પાણીમાં ગરકાવ થઈ જાય તેનો ખતરો વધ્યો છે. પર્યાવરણવાદીઓ અને હવામાન નિષ્ણાતો આ બધા સામે ચેતવણી આપી રહ્યા છે. આ બધા પર અનેક અભ્યાસો થઇ રહ્યા છે. નાસાનો એક અભ્યાસ આ સંદર્ભમાં બહાર આવ્યો છે.
નાસાના એક નવા અભ્યાસમાં દરિયાઈ સ્તરમાં વધારો થવાથી દરિયાકાંઠાના વિસ્તારો માટે ગંભીર ખતરો ઉભો થયો છે. સામાન્ય રીતે, હિમનદીઓનું પીગળવું અને આબોહવા પરિવર્તનને સમુદ્રની સપાટીમાં વધારો થવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે, પરંતુ આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેટલીક જગ્યાએ જમીન પણ ઝડપથી ડૂબી રહી છે. ઘણા કિસ્સાઓમાં સમુદ્રનું સ્તર વધી રહ્યું છે તેના કરતાં જમીન ઝડપથી ડૂબી રહી છે. આ અભ્યાસ સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત થયો છે.
નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL)ના નેતૃત્વ હેઠળના આ સંશોધનમાં 2015 અને 2023 વચ્ચે કેલિફોર્નિયાના દરિયાકાંઠે જમીનની ઊંચાઈમાં થયેલા ફેરફારોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને, વૈજ્ઞાનિકોએ એવા વિસ્તારો ઓળખી કાઢ્યા છે જ્યાં જમીન ખતરનાક દરે ડૂબી રહી છે. આનાથી દરિયાકાંઠાના શહેરોમાં અપેક્ષા કરતા ઘણા વહેલા પૂરનું જોખમ ઊભું થયું છે. જમીનનું આ ભૂસ્ખલન ફક્ત કુદરતી ટેક્ટોનિક ફેરફારોને કારણે નથી થઈ રહ્યું, પરંતુ માનવ પ્રવૃત્તિઓ પણ તેના માટે જવાબદાર છે. ભૂગર્ભજળનો વધુ પડતો ઉપયોગ, તેલ અને ગેસનું ડ્રિલિંગ અને ઝડપી શહેરીકરણ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યા છે.
અભ્યાસના તારણો અનુસાર, ઘણા વિસ્તારોમાં જમીન દર વરસે 10 મીમીથી વધુના દરે ડૂબી રહી છે. સાન ફ્રાન્સિસ્કો ખાડી જેવા વિસ્તારોમાં જ્યાં જમીન સંકોચાઈ રહી છે, ત્યાં 2050 સુધીમાં દરિયાનું સ્તર 45 સેન્ટિમીટરથી વધુ વધી શકે છે, જે અગાઉના અંદાજો કરતા બમણું છે. આ અભ્યાસ ભવિષ્યના પૂરના જોખમની સચોટ આગાહી કરવા માટે જમીનની ગતિને ધ્યાનમાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
સંશોધકોએ એવી કેટલીક જગ્યાઓ પણ ઓળખી કાઢી છે જ્યાં જમીન ઉપર ઊઠી રહી છે. ઉદાહરણ તરીકે, સાન્ટા બાર્બરા અને લોંગ બીચમાં, જમીન ઉપર ઊંચકાઇ રહી છે. જોકે, આ ફેરફારો ખૂબ જ સ્થાનિક અને અણધાર્યા છે, જેના કારણે તેમને આબોહવા પરિવર્તનના મોટા મોડેલોમાં સમાવિષ્ટ કરવાનું મુશ્કેલ બને છે.