કાદવના સામ્રાજ્ય વચ્ચે, ચારાની ભયંકર અછત વચ્ચે અને માંદાં પશુઓની સારવારના પ્રશ્ન વચ્ચે ચાલે છે આ સંસ્થા. સેવાભાવી જૈન સંઘો અને સંસ્થાઓ એને ટકાવવા સતત પ્રયત્નશીલ છે. આપ સૌએ પણ જોડાવું રહ્યું
નોંધઃ અહીં જણાવેલી માહિતી, પશુઓની સંખ્યા, વાર્ષિક ખર્ચ તથા સંસ્થાની આર્થિક જરૂરિયાતો વગેરે બધું ઓગસ્ટ 2017 મુજબ છે. સંસ્થાની હાલની સ્થિતિ વિશે વાચકે સ્વયં જાણકારી મેળવી લેવી. આ લેખ પ્રસિદ્ધ કરવાનો એકમાત્ર ઉદ્દેશ સંસ્થાનાં તથા સમસ્ત મહાજનનાં સુકૃતથી વાચકોને પરિચિત કરાવવાનો છે.
સંસ્થાની કરોડરજ્જુ જેવા ભરતભાઈ કોઠારી માત્ર આ પાંજરાપોળને ફરી બેઠી કરવા માટે દોડવામાં વ્યસ્ત નથી. એની સાથે તેઓ બીજી પાંજરાપોળો માટે પણ બનતી મહેનત કરી રહ્યા છે. ભરબપોરે, થંભી ગયેલા વરસાદ વચ્ચે, એમને મળવાનું થાય છે.
“ત્રણેક કમ્પાઉન્ડ વોલ અમારે ત્યાં જમીનદોસ્ત થઈ ગઈ છે,” પરિસ્થિતિનો અંદાજ આપતાં ભરતભાઈ વાતની શરૂયાત કરે છે. “એના લીધે પશુઓની સુરક્ષાનો મુદ્દો ગંભીર બન્યો છે. સાવ મેઇન રોડ લગોલગ છેને આ પાંજરાપોળ. એટલે વધારે ચિંતા છે. આપણા આ બધા કાર્યકર્તાઓ અહીં બહાર ખુરશી ઢાળીને એટલે જ બેઠા છે.” અહીં પાંજરાપોળની બહાર પણ ગાયો, બળદો, અશ્વો છે. અંદર તો ખરાં જ. આ સંસ્થામાં દસ હજારથી વધુ પશુઓ છે. ગાય, ભેંસ, ઘેંટા, બકરા, ઊંટ (જે લંગડો છે), શ્વાન, બિલાડા બધાં છે. શ્વાન હશે લગભગ બસોએક, જેમાંનાં અમુક વિદેશી ઓલાદનાં છે અને તેઓ માંદા પડ્યે માલિકોએ તેમની તરછોડી નાખ્યાં હતાં. કલકત્તાની એક કંપનીએ એના સંશોધનની ગરજ સર્યા પછી ચાલીસેક ઘોડાઓને આ પાંજરાપોળને સોંપી દીધા હતા. ૧૯ આવી ગયા છે, બીજા એકવીસ આવવાના.
ખુલ્લામાં પડેલી નહીં નહીં તો અઢારેક લાખનો ચારો અહીં વેડફાઈ ગયો છે. સવાબસો પશુઓ મર્યાં. બીજાં સિત્તેરેક જે ઘાયલ થયાં કે માંદાં પડ્યાં, એમની હાલત એટલી ગંભીર છે કે બચી જાય તો નસીબ. પોતે મુશ્કેલીમાં છતાં આ સંસ્થા ટૂંક સમયમાં ડીસા જિલ્લાનાં ત્રીસેક, રાધનપુરથી આવનારાં ૧૮૪ પશુઓને સાચવવા માટે તજવીજમાં હતી.
વાર્ષિક નવ કરોડનો ખર્ચ ધરાવતી આ પાંજરાપોળમાં માટે, પૂરની નુકસાની પછી, ખર્ચ કેટલો વધશે તેનો અડસટ્ટો હમણાં બાંધવો અઘરો થઈ ગયો છે. અહીં પાંજરાપોળમાં ચારો ઉગાડાતો નથી. બધો બહારથી આવે છે. કાદવની સ્થિતિ બહુ ખરાબ છે હાલમાં. એને ઉલેચવા માટે, જમીન સમતળ કરવા માટે, ફ્લોરિંગ માટે પાંજરાપોળને જેસીબી, ટ્રેક્ટરથી માંડીને અનેક પ્રકારની મદદની તાતી જરૂર છે. ઘાસ માટે નાણાભીડ અહીં શાશ્વત સમસ્યા છે.
પશુઓ માટે અહીં સોએક એકર જમીન છે. અહીં રોજ ૧૦૦થી ૧૨૦ ટન ચારાની ખપત છે. જમીન અનુપયુક્ત હોવાથી અહીં ચારો ઉગાડી શકાય તેમ નથી. સંસ્થાની સ્થિતિ એવી છે કે એની પાસે રિઝર્વ્ડ ફંડ નથી. શેડ સવાત્રણ લાખ ફૂટ હશે છતાં પશુ સંખ્યાને લીધે ઓછા પડે છે.
જમીનમાં ફ્લોરિંગ થાય તો જ અહીં પૂર જેવી સ્થિતિમાં ફરી મોટી તકલીફ સર્જાશે નહીં. સ્ટાફ માટે અહીં પૂરતાં ક્વાર્ટર્સ નથી. નર્યા છાપરા નીચે માણસો અત્યારે ગુજરાન ચલાવે છે.
આખા જિલ્લાનાં માંદાં પશુ અહીં લાવવા સતત તૈયારી હોવાથી હમણાં એસપીસીએની માગી લાવેલી એમ્બ્યુલન્સથી હાલમાં કામ ચલાવવું પડે છે. આ પૂરના પહેલા જ દિવસે એ એમ્બ્યુલન્સમાં આ પાંજરાપોળમાં બાવન પશુઓને લાવવામાં આવ્યાં હતાં. આ એમ્બ્યુલન્સ કલેક્ટરની ઓફિસમાં દોઢ વરસમાં સાડાપાંચ હજાર કિલોમીટર દોડી, તો રાજપુર-ડીસામાં છ મહિનામાં પચાસ હજાર કિલોમીટર!
પશુઓ માટે તમામ સંઘર્ષ ખેડતી આ સંસ્થાના માથે અનેક કાયદાકીય પળોજળો પણ છે. સંસ્થાની એક નાનકડી જગ્યા રાજપુરમાં છે. એને આપી છે વેટરનરી કોલેજ ચલાવવા, જેથી પશુ ચિકિત્સકો તૈયાર થાય જે આ પાંજરાપોળ સહિત બીજાં કેન્દ્રોને પણ મદદરૂપ થઈ રહ્યા છે. આટઆટલી લડાઈઓ લડતી આ સંસ્થાને મદદરૂપ થવાની ભાવના મનમાં જાગે તે માટે આટલી વિગતો પૂરતી નથી? પૂરી તાકાતથી આ સંસ્થાને મદદરૂપ થઈ પુણ્યનું ભાતું બાંધવા સૌને આમંત્રણ.
ઊણપો/જરૂરિયાતો
1. લાખો રૂપિયાના ચારાના, માળખાકીય સુવિધાઓના બહોળા નુકસાનને પહોંચી વળવા ભંડોળ, ચારો.
2. માંદાં પશુઓની સેવા કાજે એમ્બ્યુલન્સ.
3. કર્મચારીઓ માટે કવાર્ટર્સ.
4. નવા શેડ્સ, તૂટેલી કમ્પાઉન્ડ વોલનું નવનિર્માણ, કાદવ ઉલેચવા સાધનો, ખરંચા માટે સહાય.
સંસ્થાસંપર્ક
સરનામું: શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ, રિસાલા મંદિરની નજીક, ડીસા,
જિલ્લો, બનાસકાંઠા – ૩૮૫૫૩૫, ગુજરાત
સંપર્ક: ભરતભાઈ કોઠારી
મોબાઇલ: ૯૮૨૪૦ ૧૨૨૫૮
ઇમેઇલ: rdpdeesa@gmail.com
ચેક/ડ્રાફ્ટ મોકલવાનું નામ: રાજપુર ડીસા પાંજરાપોળ
આવકવેરામાં મુક્તિની પાત્રતા: હા
કુલ અબોલ જીવો: ૧૦,૦૦૦થી વધુ
વાર્ષિક ખર્ચ: આશરે નવ કરોડ રૂપિયા
બાંધકામનો ખર્ચ: આશરે ત્રણ કરોડ રૂપિયા
સંસ્થાને દાન આપવા કે કોઈ પણ રીતે મદદરૂપ થવા ઇચ્છનાર સમસ્ત મહાજનનો સંપર્ક પણ સાધી શકે છે
ઓગસ્ટ 2017માં ગુજરાત-રાજસ્થાનમાં અતિવૃષ્ટિ થઈ. તત્કાળ ધોરણે જીવદયાપ્રેમી સંસ્થા સમસ્ત મહાજન અને એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશભાઈ શાહના પ્રોત્સાહને બેઉ રાજ્યની ગૌશાળાઓ તથા પાંજરાપોળોની સ્થિતિ જાણવા સર્વેક્ષણ થયું. એ કાર્ય માંગરોળ મલ્ટીમીડિયાની ટીમે સંપન્ન કર્યું હતું. લેખક-પત્રકાર સંજય વિ. શાહે સર્વેક્ષણના આધારે, ગૌશાળા-પાંજરાપોળ પુનરુસ્થાન અભિયાન, પુસ્તક લખ્યું હતું. આ લેખ 2017માં પ્રસિદ્ધ એ પુસ્તકનો ભાગ છે.


