દક્ષિણ ભારતીય અભિનેત્રી રાન્યા રાવની કથિત સોનાની દાણચોરીનો કિસ્સો દેશને ચોંકાવનારો છે. પ્રશ્ન એ કે સમૃદ્ધ પરિવારની સભ્ય, એક અભિનેત્રી રાન્યાએ સોનાની દાણચોરી માટે શાને નામ, જીવન… બધું જોખમમાં મૂક્યું?
સોનું મૂલ્યવાન છે, ખાસ કરીને ભારત અને ભારતીયો માટે. આપણે વિશ્વના કોઈ પણ અન્ય દેશ કરતાં વધુ સોનું વાપરીએ છીએ. આપણે ઘરેણાં, બચત અને રોકાણ, ધાર્મિક વિધિઓ માટે સોનાના દીવાના છીએ. દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગમાં પણ સોનું વપરાય છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઔદ્યોગિક ઉત્પાદનોમાં પણ સોનાની જરૂર પડે છે. સરકાર પણ વિદેશી મુદ્રા સંચયનો એક ભાગ સોનામાં રાખે છે. કપડાંથી મીઠાઈ સુધી ઘણી જગ્યાએ સોનાનો અનેક રીતે ઉપયોગ થાય છે. હકીકતમાં, ભારતીયો માટે સોનું પરિવારના સભ્ય જેટલું મૂલ્યવાન છે!
ભારત અને ચીન સતત સોનાના ટોચના ખરીદદારો છે. 2024માં ભારતે ઘરેણાં માટે સોનાની ખરીદીમાં ચીનને પાછળ મૂકી દીધું હતું. 2024માં ભારતીયોએ 563 ટન સોનું ઘરેણાં માટે ખરીદ્યું હતું. ચીને 511 ટન ખરીદ્યું હતું. આપણે સોનાના તમામ પ્રકારના વપરાશને ધ્યાનમાં લઈએ તો 2024માં ભારતે 802 ટન સોનું ખરીદ્યું હતૂું. ચીનમાં એ આંકડો 985 ટન હતો. 24 કેરેટ સોના માટે આજના ₹88,000 પ્રતિ 10 ગ્રામના દરે આ સોનું લગભગ ₹7 લાખ કરોડનું થાય છે.
આવી ઊંચી માગ હોવાને કારણે ભારત સોનાની દાણચોરી માટે આકર્ષક સ્થળ છે. ઘણા દેશો ભારત કરતાં ઓછી કિંમતે સોનું વેચે છે એ પણ એનું એક કારણ છે. ભારતમાં સોનું દાણચોરી લાવનારાને એટલે ખાસ્સો નફો થાય છે.
ઉદાહરણ તરીકે વિવિધ દેશોમાં 24 કેરેટ સોનાની 10 ગ્રામની આજની આશરે કિંમત જોઈએ:
ભારત: ₹88,000
દુબઈ: ₹82,000
શ્રીલંકા: ₹79,000
બાંગ્લાદેશ અને મ્યાનમાર: ₹81,000
જો કોઈ કસ્ટમ ડ્યૂટી ચૂકવ્યા વિના ભારતમાં સોનું દાણચોરીના માર્ગે લાવે, તો એ સારો નફો કમાઈ શકે છે. દર 10 ગ્રામ દાણચોરી કરેલા સોનામાં વ્યક્તિ આશરે ₹7,000થી ₹9,000નો નફો કમાઈ શકે છે. કોઈ રોજ માત્ર 100 ગ્રામ સોનું દાણચોરીથી લાવે અને આખો મહિનો એવું કરે તો એની માસિક આવક ₹2-2.5 લાખની થઈ શકે છે.
એના પરથી સમજી શકાય છે કે સોનાની દાણચોરી લાભદાયી વ્યવસાય શા માટે છે.

રાન્યા રાવ અને દાણચોરીનો આરોપઃ અભિનેત્રી રાન્યા રાવ સોનાની દાણચોરીમાં સંડોવાયેલી હોવાના અહેવાલો છે. અહેવાલો સૂચવે છે કે છેલ્લા એક વર્ષમાં રાન્યાએ દુબઈની 30થી વધુ યાત્રાઓ કરી. દર વખતે એ ત્યાંથી કિલોબંધ સોનું પોતાની સાથે લાવી.
રાન્યા કર્ણાટકના એક વરિષ્ઠ આઈપીએસ અધિકારીની દીકરી છે. દુબઈના દરેક પ્રવાસમાં એ ખાસ્સું સોનું પોતાની સાથે લાવી એવો આરોપ છે. દરેક કિલો સોનાએ રાન્યા આશરે ₹ એક લાખ કમાઈ એવો પણ અહેવાલ છે. ધારો કે રાન્યા દુબઈથી વળતાં દરેક પ્રવાસમાં 12-13 કિલો સોનું લાવી હોય તો એવા પ્રત્યેક પ્રવાસમાં એ નહીંનહીં તોય ₹12-13 લાખ કમાઈ હશે. એટલે, આ એક વરસમાં એણે, 30 પ્રવાસમાં, અંદાજિત ₹3.5-4 કરોડની કમાણી કરી.
રાન્યાના પિતા કર્ણાટકના હાઉસિંગ કોર્પોરેશનના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ રામચંદ્ર રાવ હોવાનું માનવામાં આવતું હતું. જોકે એનડીટીવીના એક અહેવાલે સ્પષ્ટ કર્યું છે કે રાવ ખરેખર તેના સાવકા પિતા છે. તેના જૈવિક પિતા, કે. એસ. હેગડેશ છે, જેઓ રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ છે. રાન્યાના પતિ જતિન હુક્કેરી આર્કિટેક્ટ છે.
રાન્યાએ 2014માં કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ સાથે મણિક્યા ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. પછી એ ફક્ત બે ફિલ્મોમાં દેખાઈ હતી. તામિલ ફિલ્મ વાઘા અને કન્નડ ફિલ્મ પાટાકીમાં, જે 2017માં રિલીઝ થઈ હતી. છેલ્લાં આઠ વર્ષથી રાન્યા કોઈ ફિલ્મમાં દેખાઈ નથી.
સોનાની દાણચોરી: એક વૈશ્વિક ગુનોઃ ભારતમાં સોનું અનેક રીતે દાણચોરી થાય છે. વિમાનમથકો પર અવારનવાર મુસાફરોને નવીન પદ્ધતિઓથી દેશમાં ગેરકાયદે સોનું લાવતા ઝડપવામાં આવે છે. જોકે સોનાની દાણચોરી ફક્ત ભારતની સમસ્યા નથી. એ એક વૈશ્વિક સમસ્યા છે. સોનું વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી વધુ દાણચોરી કરાતી વસ્તુ છે, ડ્રગ્સ અને શસ્ત્રો પછી. શા માટે? કારણ તેની ઊંચી કિંમત અને એની અનેક પ્રકારની માગ. દાણચોરી કરેલું સોનું કાળાં બજાર, ગુનાખોરોની સિન્ડિકેટ્સ અને આતંકવાદને પણ ઉત્તેજિત કરે છે. દાણચોરી કરેલા સોનાને કારણે સરકારોને મહેસૂલી આવકનું નુકસાન થાય છે. ગુનાખોરોનેે એનાથી આર્થિક તાકાત મળે છે. આ અસર એટલી ગંભીર છે કે તે વૈશ્વિક સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે.
આફ્રિકા: સોનાની દાણચોરીનું કેન્દ્રઃ આફ્રિકામાં વિશ્વની કેટલાક સૌથી સમૃદ્ધ સોનાની ખાણો છે. આ ખંડથી દર વર્ષે અબજો ડોલરના સોનાની દાણચોરી થાય છે. 2022માં આફ્રિકામાંથી 435 મેટ્રિક ટન સોનું દાણચોરી થયું હતું. એનું અંદજિત મૂલ્ય $30 અબજ હતું. આફ્રિકાથી દાણચોરીના માર્ગે નીકળતું સોનું સામાન્યપણે યુનાઇટેડ આરબ એમિરેટ્સના દુબઈના રૂટથી આખી દુનિયામાં પહોંચતું હોવાનું માનવામાં આવે છે. સોનાના આવા ગેરકાયદે વેપારથી આફ્રિકન અર્થવ્યવસ્થાને લાભ થતો નથી. એ ફક્ત ગુનાખોરીની જાળને મજબૂત બનાવે છે.
કોલમ્બિયા અને વેનેઝુએલામાં પણ સમાન સમસ્યા છે. ત્યાંથી પણ સોનું દાણચોરી થાય છે. 2010 અને 2021 વચ્ચે વેનેઝુએલામાંથી કોલમ્બિયા થઈને યુએસ અને આગળ, લગભગ 68 ટન સોનાની દાણચોરી થઈ હતી. એનું અંદાજિત મૂલ્ય $4 અબજ હતું. સોનાની દાણચોરી કાળાં નાણાંને ધોળાં કરવાનું એક મુખ્ય સાધન છે. ગેરકાયદેસર નાણાંને ઘણે સોનામાં રૂપાંતરિત કરવામાં આવે છે કારણ સોનું છુપાવવું પ્રમાણમાં સરળ છે. તેથી જ ગુનેગારો અનધિકૃત, અવળી ગેરકાયદેસર કમાયેલી આવકને સોનામાં પરિવર્તિત કરવા થનગનતા હોય છે.
ગેરકાયદેસર સોનું શસ્ત્રોની ખરીદી માટેનું અમોઘ શસ્ત્ર પણ છે. દુનિયાના ઘણા દેશોમાં એક અથવા બીજા કારણસર આંતરિક સંઘર્ય અને યુદ્ધ ચાલતાં રહે છે. આ યુદ્ધપીડિત રાષ્ટ્રોને શસ્ત્રોની ખરીદી માટે એમના સમર્થકો પાસેથી નાણાં મળે પણ એ રોકડ હોય. એનાથી શસ્ત્રો ખરીદવા શક્ય ના થાય એટલે તેઓ રોકડને સોનામાં ફેરવીને પછી, સોનાની એવજમાં શસ્ત્રો ખરીદે છે. એમને પણ કશેય તાગ ના મળે એમ આવા સોદા કરવાને દાણચોરીના સોનાનો ખપ પડે છે.
સોનાની દાણચોરીની પદ્ધતિઓઃ સોનું થેલીમાં છુપાવીને એની અહીંતહીં કરવાના, દરિયાઈ માર્ગે જહાજોમાં મોકલીને દાણચોરી કરવાના દિવસો હવે જૂના થયા છે. આજે સોનાની દાણચોરી માટે ગુનેગારો મૌલિક, અવનવી અને વધુ અસરકારક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તેઓ આંતરવસ્ત્રોમાં સોનું છુપાવે છે. તેઓ સોનાને કેપ્સ્યુલમાં નાખીને ગળી જાય છે. તેઓ ઈશ્વરની પ્રતિમાઓમાં પણ સોનું છુપાવે છે. અથવા લેપટોપની બેટરીમાં સોનું સંતાડી દે છે. કે પછી સોનાનો ભુક્કો કરીને કે એની પેસ્ટ બનાવીને એને સિફતપૂર્વક એક જગ્યાએથી બીજે લઈ જાય છે. ઘણા વળી સામાનના નામે લોજિસ્ટિક્સ કંપનીઓ થકી, કુરિયરમાં પણ સોનાની હેરફેર કરે છે.
ભારતમાં સોનાની દાણચોરીના માર્ગોઃ ભારતમાં ગેરકાયદેસર સોનું વિવિધ માર્ગોથી પ્રવેશે છે. આ રહ્યા એનાં થોડાં ઉદાહરણો.
- દુબઈથી દાણચોરી કરીને.
- બાંગ્લાદેશ સાથેની આપણી ખુલી સરહદોનો ગેરલાભ લઈને.
- એવી જ રીતે નેપાળથી પણ આસાનીથી ભારતમાં સોનું લાવીને.
- શ્રીલંકા સાથેના આપણા સારા સંબંધ અને ત્યાં પણ અવરજવર પ્રમાણમાં આસાન હોવાથી એ દેશના માર્ગે થઈને.
- રાજકીય રીતે અસ્થિર મ્યાનમારના માર્ગે થઈને.
મ્યાનમારમાં સાગાઇંગ, કાચિન, મંડાલે અને બાગો પ્રાંતોમાં સોનાની ખાણ છે. એમાંથી બિનસત્તવાર અને અનધિકૃત રીતે મેળવેલું સોનું દાણચોરી માર્ગે આપણા દેશમાં પણ પ્રવેશે છે. આ દેશથી દાણચારીનું સોનું મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમ થઈને ભારતમાં પ્રવેશે છે. ખાસ કરીને મોરેહ (મણિપુર) અને ચંપાઈ (મિઝોરમ)ની સરહદોથી.
સોનાની વૈશ્વિક દાણચોરીમાં ગુનાખોરો, ભ્રષ્ટ અધિકારીઓ, હવાલા ઓપરેટર્સ અને અન્ડરવર્લ્ડની સિન્ડિકેટ્સની પણ મિલીભગત હોય છે. એ સિવાય આ દુરાચાર ચાલવો શક્ય ના થાય.
સોનાની કિંમચઃ સમય ગમે તે હોય, સોનું કાયમ મોંઘું થતું રહ્યું છે. દાખલા તરીકે, સન 1970માં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત લગભગ ₹184 હતી. સન 2000 એ વધીને ₹4,400એ પહોંચી હતી. એટલા લાંબે ના જઈએ અને 2010ના વરસની વાત કરીએ તો ત્યારે આ કિંમત ₹18,500 હતી. અને આજે? આજે છે ₹88,000 પ્રતિ 10 ગ્રામ.
શેરબજારોમાં કાયમ ચઢ-ઉતર થાય છે. એની તુલનામાં સોનાની કિંમતો સતત વધતી રહી છે, ભલે એ વધારો પ્રમાણમાં ધીમો હોય તો શું? શેરથી વિપરીત જ્યાં રોકાણકારે એકાએક ભારે નુકસાન થાય તો ખમવાની તાકાત રાખવી પડે છે. સોનામાં આવા અણધાર્યા નુકસાનની શક્યતા નહીંવત્ રહે છે. સોનું, ટૂંકમાં, પ્રમાણમાં સંતુલિત, સુરક્ષિત અને વિશ્વસનીય રોકાણ છે. એટલે જ ઘણા સુજ્ઞજનો અન્યત્ર રોકાણ નહીં કરતાં સોનામાં રોકાણ કરવાને પ્રાધાન્ય આપે છે.
આજે પણ અસ્થિર વૈશ્વિક બજારો વચ્ચે, સોનામાં રોકાણ કરનારાના ચહેરે સ્મિત છે. કારણ શેરબજારનો ભલે કચ્ચરઘાણ નીકળ્યો હોય પણ સોનું ચમકી રહ્યું છે.
ભારત, સોનાની ધરતીઃ ભારતમાં સોનાની માગ ક્યારેય ઘટી નથી. ક્યારેય ઘટશે પણ નહીં. આમ પણ, આપણા દેશનું એક હુલામણું નામ પણ તો સોને કી ચિડિયા છે. રહી વાત સોનાની દાણચોરીની, તો એનો અંત ક્યારેય નહીં આવે. સોનાનો મોહ હંમેશાં લોકોને લલચાવશે.