મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ ૮૫ કરોડ રૂપિયાના છેતરપિંડી અને ગોટાળાના આરોપ હેઠળ લોઢા ડેવલપર્સના ભૂતપૂર્વ ડિરેક્ટર રાજેન્દ્ર નરપત્મલ લોઢાની ધરપકડ કરી છે. તેમની સામે એન.એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસભંગનો કેસ (એફઆઈઆર નં. ૦૫૬૪/૨૦૨૫) નોંધવામાં આવ્યો છે.
ગયા અઠવાડિયે રાજેન્દ્ર નરપત્મલ લોઢાની ધરપકડ બાદ, તેના પુત્ર સાહિલ રાજેન્દ્ર લોઢા અને તેમના ભાઈ દીપક નરપત્મલ લોઢા સાંજે પૈસા ભરેલી બેગ લઈને ભાગી ગયા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેઓ બંને હાલમાં ગુમ છે.
પોલીસ તપાસ દરમિયાન અનેક વ્યવહારોમાં સાહિલ લોઢાનું નામ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાહિલ લોઢાએ તપાસ એજન્સીઓ દ્વારા મોકલવામાં આવેલા વારંવારના સમન્સનો જવાબ આપ્યો નથી અને હાલમાં તે ગુમ છે. આ કારણોસર, તેમને દેશ છોડીને જતા અટકાવવા માટે તેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. રાજેન્દ્ર નરપત્મલ લોઢાની ધરપકડ બાદ, તેમના ઘણા સાથીઓ સમાન ભરેલી બેગ લઈને ભાગી ગયા છે.
રાજેન્દ્ર નરપત્મલ લોઢા પર આરોપ છે કે તેમણે લોઢા ડેવલપર્સની જમીન તેમના નજીકના સહયોગીઓને અનેક વ્યવહારોમાં વેચી, તેનું મૂલ્યાંકન ઓછું કર્યું અને પછી તે જ જમીન લોઢા ડેવલપર્સને ઊંચા ભાવે વેચી દીધી હતી.
મહારાષ્ટ્રમાં અનેક જમીન સોદાઓમાં તપાસ ચાલી રહી છે, અને ટૂંક સમયમાં ગેરરીતિઓ બહાર આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજેન્દ્ર લોઢાએ અગાઉ કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ આંતરિક તપાસમાં આ ગેરરીતિઓ બહાર આવી હતી. કંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


