કોંગ્રેસી નેતા સોનિયા ગાંધીએ દર દાયકે થતી દેશની વસ્તી ગણતરીમાં થયેલા વિલંબ માટે સોમવારે રાજ્યસભામાં મોદી સરકાર પર પસ્તળ પાડી હતી. સોમવારે જારી અંદાજપત્ર સત્રમાં ગાંધીએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી કરવામાં સરકારની નિષ્ફળતાએ કારણે કરોડો ભારતીયોને ખાદ્ય સુરક્ષા લાભ સહિતના મૂળભૂત અધિકારોથી વંચિત રાખ્યા છે.
વસ્તી ગણતરીના વિલંબથી 14 કરોડ લોકોને અસર
સોનિયાએ પોતાના વક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી. એ પછી 2021ની વસ્તી ગણતરી અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. તેમણે નોંધ્યું કે વસ્તીના સુધારિત આંકડાની અનુપલબ્ધિને કારણે લગભગ 14 કરોડ લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાથી મળી શકતા લાભથી વંચિત રહી ગયા છે.
સોનિયાએ જણાવ્યું હતું, “સરકારની નિષ્ક્રિયતાને કારણે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે કરોડો ભારતીયો જૂના વસ્તી આંકડાઓના કારણે પીડાઈ રહ્યા છે. ખાદ્ય સુરક્ષા એ મૂળભૂત અધિકાર છે, વિશેષાધિકાર નથી.”
સરકારનો પ્રત્યુત્તર અને રાજકીય મતમતાંતર
આ મુદ્દે જોકે શાસક ભાજપ પક્ષે મૌન જળવી રાખ્યું છે. સરકારી પ્રતિનિધિઓએ એવો દાવો કર્યો છે કે કોવિડ–19 મહામારી વસ્તી ગણતરીના વિલંબનું મુખ્ય કારણ છે. જોકે વિરોધ પક્ષોનો દાવો છે કે વિલંબ ઇરાદાપૂર્વકનો અને રાજકીય હેતુથી છે.
ગાંધીએ સરકારની આનાકાની સામે આંગળી ચીંધતાં પ્રશ્ન કર્યો હતો, “કોવિડમાં અને પછી ચૂંટણીઓ, જાહેર સભાઓ અને મોટાં સમારોહ યોજી શકાય તો વસ્તી ગણતરી કેમ નથી કરી શકાતી?”
તેમની ટિપ્પણીઓએ સંસદના ઉપલા ગૃહમાં ગરમાગરમ ચર્ચા છેડી હતી. વિરોધ પક્ષના ઘણા નેતાઓએ સોનિયના માગણીને ટેકો આપ્યો હતો. તેઓએ ભારપૂર્વક કહ્યું હતું કે યોગ્ય વસ્તી ગણતરી વિના કલ્યાણકારી યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકી શકાતી નથી, અને ગરીબો આવશ્યક સેવાઓથી વંચિત રહે છે.
લોકકલ્યાણ યોજનાઓ પર અસર
2013ના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (એનએફસીએ) હેઠળ, વસ્તી ગણતરીના આંકડાને આધારે ગ્રામીણ વસ્તીના 75% અને શહેરી વસ્તીના 50% લોકોને સબ્સિડીવાળાં અનાજ પૂરાં પાડવામાં આવે છે. જોકે 2011ના આંકડા હવે જૂના થયા હોવાથી સબ્સિડીને પાત્ર કરોડો લાભાર્થીઓ એ વ્યવસ્થા બહાર ફેંકાઈ ગયા છે.
નિષ્ણાતોના મતે વસ્તી ગણતરીમાં થયેલા વિલંબની અસર ખાદ્ય સુરક્ષા ઉપરાંત શિક્ષણ સહાય, રોજગારની ખાતરી, આરોગ્ય સબ્સિડી અને રાજ્યવાર ભંડોળની ફાળવણી જેવી યોજનાઓ પર પણ પડી છે.
બીજી તરફ, કેન્દ્ર સરકારે 2026 સુધીમાં વસ્તી ગણતરી પૂર્ણ કરવાનો સંકેત આપ્યો હોવા છતાં, એની કોઈ ઔપચારિક બાંહેધારી આપી નથી. તેથી, એવી શક્યતા છે કે વિરોધ પક્ષો કોંગ્રેસના નેતૃત્વમાં એ માટે ઝડપી સમયમર્યાદા જાહેર કરવા કેન્દ્ર સકરાર પર દબાણ કરે.
સોનિયા ગાંધીએ તો માગ કરી જ છે કે મોદી સરકાર આ કામનું સમયપત્રક વહેલી તકે જાહેર કરે. તેઓએ એવી માગણી પણ કરી હતી કે જ્યાં સુધી નવી વસ્તી ગણતરીના પાકા આંકડા ઉપલબ્ધ થાય નહીં ત્યાં સુધી લોકોને કલ્યાણ યોજનાઓનો લાભ અંદાજિત વસ્તી વૃદ્ધિના આધારે આપવામાં આવે.
જનગણના વિલંબ પરની ચર્ચા બજેટ સત્ર આગળ વધતા ચાલુ રહે તેવી અપેક્ષા છે. એનાથી સરકાર પર આ મોરચે ઝડપી કાર્યવાહી કરવા માટે દબાણ વધી રહ્યું છે.