અમદાવાદના ચબૂતરા – તુળજા ભવાની મંદિર
In brief · AI summary ખાડિયામાં રાયપુર ચકલા પાસે તુળજા ભવાની મંદિર નજીક આવેલા આ ચબૂતરાનું પથ્થરનું સ્થાપત્ય અને તેમાં કોતરેલાં શિલ્પો આકર્ષક છે. અહીં દૈનિક ચણ અને પાણીનો પ્રબંધ થાય છે, અને ચબૂતરાની જાળવણી તથા સમારકામની જવાબદારી મંદિરના ટ્રસ્ટીઓ સંભાળે છે. આ ચબૂતરો ક્યારે બંધાયો તેની જાણકારી ઉપલબ્ધ નથી, પરંતુ સ્થાપત્ય જોતાં તે દાયકાઓ જૂનો હશે એવો અંદાજ લગાડી શકાય છે.
ચબૂતરાના સ્થાપત્યને નિહાળતાં તેમાં કોતરવામાં આવેલાં શિલ્પોને ઘડીકવાર જોતા રહેવાનું સહજ મન થાય છે. ઉપરનો ગુંબજ પણ સાચે જ મજાનો છે

ખાડિયા સ્થિત રાયપુર ચકલાની પાસે જ તુળજા ભવાની મંદિર આવેલું છે. અહીંની પોળનું નામ પણ માતાજીના આ મંદિર પરથી પડ્યું છે. આસોપાલવના વૃક્ષની પાસે આવેલા અહીંના ચબૂતરાનું પથ્થરનું સ્થાપત્ય બેહદ આકર્ષક છે. એની યોગ્ય જાળવણી ભલે થઈ નથી પણ એના પર કરવામાં આવેલું રંગરોગાન તેના પર દ્રષ્ટિ ઠરાવવા માટે પૂરતી છે. સદાય કાર્યરત રહેલા આ ચબૂતરામાં દૈનિક ચણ અને પાણીનો પ્રબંધ થાય છે જે આનંદની બાબત છે.
આ ચબૂતરો ક્યારે બંધાયો હશે એની જાણકારી ઉપલબ્ધ નથી. પણ સ્થાપત્ય જોતાં એટલો અંદાજ લગાડી શકાય છે કે એ દાયકાઓ જૂનો હશે. મંદિરની નજીકના આ ચબૂતરામાં ઉપલા ભાગે જવા માટેની સીડી પણ સાબૂત છે. ચબૂતરાની જાળવણી તેમ જ તેના સમારકામની જવાબદારી મંદિરના ટ્રસ્ટીઓ સંભાળે છે. ચબૂતરાને ગંદકીથી મુક્ત રાખવા માટે તેની સાફસફાઈ પણ નિયમિત કરવામાં આવે છે. ચબૂતરાના સ્થાપત્યને નિહાળતાં તેમાં કોતરવામાં આવેલાં શિલ્પોને ઘડીકવાર જોતા રહેવાનું સહજ મન થાય છે. ઉપરનો ગુંબજ પણ સાચે જ મજાનો છે.
પોળની વસતિ હિંદુઓની છે. મંદિરમાં ઉજવાતા તહેવારો વખતે ચબૂતરાને પણ કોઈક પવિત્ર સ્થાનની જેમ આસ્થાપૂર્વક શણગારવામાં આવે છે. પક્ષીઓ અહીં સારી એવી સંખ્યામાં આવે છે. બધી રીતે સંપન્ન અને જીવદયા માટે સુંદર કામગીરી કરતા આવા ચબૂતરા બીજા અનેક હોય તેવી ભાવના સેવીએ.
जब भी मोर नाचता वन में,
खुशियाँ छा जाती हैं मन में.
पंख खोल जब नाच दिखाता,
रंग बिखर जाते हैं वन में
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.