સત્તાવાર નિકાલ પ્રક્રિયા શરૂ: અમેરિકન સૈન્ય વિમાનો મારફતે ગેરકાયદેસર ભારતીયોને પાછા મોકલવાનું કાર્ય શરૂ થયું
એક મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ અમેરિકાએ દેશમાં ગેરકાયદે વસતા ભારતીયોને એનાં સૈન્ય વિમાનોથી ભારત પાછા મોકલવાનું શરૂ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના ફરી સત્તાસ્થાને આગમન સાથે કડક થયેલી ઇમિગ્રેશન નીતિ અંતર્ગત યુએસ એરફોર્સનું એક સી-17 વિમાન ત્યાં ગેરકાયદે વસતા ભારતીયોને લઈને ઉડાન ભરી ચૂક્યું છે. એના ભારત પહોંચવાનો સમય જોકે 24 કલાક કે એથી વધુ રહેવાની શક્યતા છે.

આ ઉપરાંત, પેન્ટાગોને અમેરિકામાં ગેરકાયદેસર વસતા 5,000થી વધુ લોકોને એલ પાસો (ટેક્સાસ) અને સાન ડિયેગો (કેલિફોર્નિયા)થી સૈન્ય વિમાનોમાં એમના દેશ મોકલવાનું શરૂ કર્યું છે. એવા લોકોમાં હોન્ડુરાસ, પેરુ અને ગ્વાટેમાલાના નાગરિકો પણ સામેલ છે.
ભારતે સહયોગ આપ્યો
ભારત સરકારે અમેરિકાના આ પગલામાં, ત્યાં ગેરકાયદે વસતા ભારતીયોની નિકાલ પ્રક્રિયામાં સહયોગ આપવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે ગેરકાયદેસર સ્થળાંતરની ભારતીય નીતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ભારત ગેરકાયદેસર કશે પણ વસવાટના વિરોધમાં છે.
અમેરિકામાં ગેરકાયદે વસેલા ભારતીયોની સંખ્યા અન્ય દેશોની સરખામણીએ જોકે ઓછી છે. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં ગેરકાયદેસર વસતા લોકોમાંથી માત્ર ત્રણ ટકા જ ભારતીયો છે. એક અંદાજ પ્રમાણે અંકલ સેમના આશરે 2,20,000 ભારતીયો ગેરકાયદેસર રહે છે. એમાંના 18,000ની પિછાણ થઈ છે જેમને બેઉ સરકારોએ ગેરકાયદેસર નાગરિક ગણ્યા છે.
સૈન્ય વિમાનોથી સ્વદેશ મોકલવાનું પગલું ખર્ચાળ
અમેરિકન સૈન્યનાં વિમાનથી ગેરકાયદે નાગરિકોને પાછા મોકલાનું પગલું ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે. દાખલા તરીકે, આવા એક જણને ગ્વાટેમાલા મોકલવાનો ખર્ચ $4,675 ખર્ચ કે લદભગ રૂ. ચાર લાખ થાય છે. ભારતીયોને એમના દેશ પાછા મોકલવાનો ખર્ચ આનાથી વધારે થઈ શકે છે.
અમેરિકાનું આ પગલું પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિ સાથે સુસંગત એવું પગલું છે. ટ્રમ્પે ફરી ચૂંટાઈ આવીને અઢારમી સદીના એક યુદ્ધ કાયદાનો ઉપયોગ કરીને ગેરકાયદે વસતા ઝડપી નિકાલ પ્રક્રિયા શરૂ કરી છે.

મોદી અમેરિકા જશે અને ટ્રમ્પ સાથે બેઠક યોજશે
ઉલ્લેખનીય છે કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે અમેરિકા જવાના છે. એ સમયે તેઓ વ્હાઇટ હાઉસમાં આમંત્રિત છે. ત્યાં તેઓ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. એ સમયે બેઉ રાષ્ટ્રના વડા વચ્ચે અમેરિકાના આ પગલા સહિત અન્ય મુદ્દે પણ સવિસ્તર ચર્ચા થવાની વકી છે. બેઉની બેઠકમાં ઇમિગ્રેશન નીતિઓ, અમેરિકન સુરક્ષા સાધનોની ખરીદી, અને ભારત-અમેરિકાના વેપારી સંબંધો ફોકસમાં રહેશે એવું માનવામાં આવે છે.
ભારત ઇચ્છે છે કે બેઉ દેશ વચ્ચે વેપારી સંબંધો મજબૂત થાય. સાથે, અમેરિકા કુશળ ભારતીય કામદારો માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવે એવી પણ ભારતની અપેક્ષા છે. બીજી તરફ ટ્રમ્પનું વહીવટતંત્ર ભારતની ટેરિફ નીતિઓની ટીકા કરતું આવ્યું છે. હાલમાં જોકે અન્ય દેશો પર નવા ટેરિફ ઝીંકનારા ટ્રમ્પે ભારત સામે એવું પગલું લેવાનું ટાળ્યું છે. મોદી અને ટ્રમ્પ વચ્ચેની પ્રસ્તાવિત ઉચ્ચસ્તરીય બેઠક બેઉ દેશોની ઇમિગ્રેશન નીતિને યોગ્ય અને આવશ્યક વળાંક આપવામાં ઉપયોગી સાબિત થવાની શક્યતા છે.
આગળ શું?
અમેરિકામાં ગેરકાયદે વસનારાને એમના દેશ પાછા મોકલવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે ત્યારે માનવાધિકાર સંગઠનોએ મૈત્રીપૂર્ણ ઇમિગ્રેશન નીતિ માટે અવાજ ઉઠાવ્યો છે. આ સંગઠનો ચિંતિત છે કે સૈન્ય સંસાધનોથી માઇગ્રન્ટ્સને પાછા મોકલવાનો નિર્ણય ભવિષ્ય માટે ખોટું ઉદાહરણ પ્રસ્થાપિત કરી શકે છે. એનાથી વિપરીત ટ્રમ્પ વહીવટતંત્રનું માનવું છે કે આ પગલું અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને નોકરીઓના રક્ષણ માટે જરૂરી છે.