બુધવારે સવારે વડોદરામાં મહીસાગર નદી પરના ચાલીસ વરસ જૂના ગંભીરા પૂલનો એક ભાગ એકાએક ધસી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતા. એમાં નવ લોકો માર્યા ગયાની અત્યાર સુધીમાં જાણ થઈ છે. અન્ય સાત લોકો ઘાયલ થયાના અહેવાલ છે. પ્રારંભિક અહેવાલો પ્રમાણે બુધવારે સવારે પૂલ પરથી ખટારો, વૅન અને એક કાર પસાર થઈ રહી હતી. ત્યારે એકાએક દુર્ઘટના સર્જાઈ હતી. વડોદરા શહેરથી આશરે પચીસ કિલોમીટરના અંતરે ગમખ્વાર દુર્ઘટના પાદરા અને મુજપુર વચ્ચે થઈ હતી.
દુર્ઘટના વિશે મીડિયા સાથેની વાતચીતમાં વડોદરા (ગ્રામીણ)ના એસપી રોહન આનંદે નવ લોકોનાં મૃત્યુ થવાની વાતને પુષ્ટિ આપી હતી. આણંદના સંસસસભ્ય મિતેશ પટેલે જણાવ્યું હતું તે બચાવકાર્યમાં નદીમાંથી ચાર મૃતહેદ બહાર કાઢી શકાયા અને ચાર લોકોનો બચાવ કરાયો હતો. હાલમાં પણ બચાવકાર્ય જારી છે.
અગ્નિશમન વિભાગના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે દુર્ઘટના સમયે પૂલ પરથી ત્રણેક વાહનો પસાર થઈ રહ્યાં હતાં. પૂલ એકાએક ધસી પડતાં આ વાહનો નદીમાં ખાબક્યાં હતાં. દુર્ઘટના સ્થળના સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ વિડિયોમાં એક ટ્રક દયનીય સ્થિતિમાં તૂટેલા ભાગ નજીક લટકતો પણ દેખાઈ રહ્યો હતો. ગુજરાતના સ્વાસ્થ્ય પ્રધાન ઋષિકેશ પટેલને ટાંકતાં એક અહેવાલ મુજબ દુર્ઘટના સમયે ગંભીરા પૂલ પરથી પાંચ-છ વાહનો પસાર થઈ રહ્યાં હતાં, જેમાં બે ટ્રક અને બે વૅન સામેલ હતી. વાહનોમાં એક રિક્શા હોવાનું અન્ય એક અહેવાલમાં જણાવાયું હતું. દુર્ઘટના બુધવારે સવારે આશરે સાડાસાત વાગ્યે થઈ હતી. ગંભીરા પૂલ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડી મહત્ત્વની કડી છે.
દુર્ઘટના પછી તંત્ર સાથે બચાવકાર્યમાં સ્થાનિકોએ સાથ આપ્યો હતો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ બચાવકાર્ય માટે તરત દુર્ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીરા બ્રિજ આશરે 900 મીટરનો છે. દુર્ઘટનામાં એના બે સ્તંભો વચ્ચેનો ધસી પડેલો ભાગ તસવીરોમાં દેખાય છે. બ્રિજના 23 ભાગમાંનો એક ભાગ ધસી પડ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સાથે તેમના પરિવારજનોને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ)માંથી રૂ. બે લાખ એક્સ ગ્રેશિયા આપવાની જાહેરાત કરી હતી. ઘાયલોને રૂ. 50,000 આપવાની પણ જાહેરાત કરી હતી.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે મોદીએ વાત કરીને દુર્ઘટનાની જાણકારી પણ મેળવી હતી. પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર અંગ્રેજીમાં લખ્યું હતું, “વિદેશ પ્રવાસથી આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી તેઓએ આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની દુર્ઘટના વિશે તમામ માહિતી મેળવી હતી. તેઓએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.”
પટેલે ટેક્નિકલ નિષ્ણાતોને તપાસ હાથ ધરવા સાથે પૂલ ધસી પડવાનાં કારણો શોધી કાઢવા નિર્દેશ આપ્યો છે. બીજી તરફ રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટને નિર્દેશ આપ્યો હતો કે દુર્ઘટનાની વિગતવાર તપાસ કરે. વડોદરાના કલેક્ટર સાથે વાતચીત કરીને પટેલે ઘાયલોની તાત્કાલિક સારવાર થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
ગંભીરા પૂલનું નિર્માણકાર્ય 1981માં શરૂ થયું હતું. જાહેર ઉપયોગ માટે એને 1985માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પૂલની નિયમિત જાળવણી થતી હોવાનું કહેવાય છે. જોકે ચાલીસ વર્ષ જૂના પૂલની સ્થિતિ સારી નહોતી એટલે નવા સેતુના નિર્માણ માટે ત્રણેક મહિના પહેલાં રૂ. 212 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. પૂલ પર સતત વધી રહેલા ટ્રાફિકને લીધે નવા પૂલની અનિવાર્યતા સર્જાઈ હતી. નવા પૂલની ડિઝાઇન અને એનું ટેન્ડર જારી કરવાની કામગીરી પણ શરૂ થઈ હતી.
નોંધનીય છે કે 2017માં કોંગ્રેસે ભારે વાહનો માટે આ પૂલનો ઉપયોગ પ્રતિબંધિત કરવાની માગણી કરી હતી. એ માગણીની ઉપેક્ષા કરવામાં આવી હતી. ગંભીરા બ્રિજની આ દુર્ઘટના ફરી એકવાર દેશની માળખાકીય સુવિધાઓની જાણવણીની ઘોર ઉપેક્ષા, જરીપુરાણા પૂલને કાર્યાન્વિત રાખવાની બાબતો સામે લાલ બત્તી ધરનારી છે.


