આપ સાથે કેજરીવાલની પણ હાર, અમિત શાહે દિલ્હીવાસીઓને અભિનંદન આપ્યા, સાંજે પાંચે મોદી કાર્યકરોને સંબોધશે 

શનિવારની બપોર સુધીમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી (આપ)ને મતદારોએ સણસણતો જાકારો આપી દીધો છે. ચૂંટણી પંચની અધિકૃત વેબસાઇટ પર ઝળકતા આંકડા પ્રમાણે, આજે બપોરે સાડાત્રણ વાગ્યા સુધીમાં, ભાજપે દિલ્હી વિધાનસભાની 25  બેઠકો પર વિજયપતાકા લહેરાવી દીધી હતી. અન્ય 23 બેઠકો પર પક્ષ આગળ હતો. ત્રણ વખત દિલ્હીમાં સત્તા મેળવનાર આપ આ મસય સુધીમાં 13 સીટ જીતવા સાથે બીજી 9 બેઠકો પર આગળ હતો. કોંગ્રેસનો સવાલ છે ત્યાં સુધી એના ખાતામાં સમ ખાવા પૂરતી એક બેઠક પણ આવી નથી. 2025ની આ મહત્ત્વપૂર્ણ વિધાનસભા ચૂંટણીમાં આપના મતની ટકાવારી 43.74%, ભાજપની 45.79% અને કોંગ્રેસની 6.39% હતી.

આપ માટે પરિસ્થિતિ એ રીતે પણ બેહદ કફોડી થઈ ગણાય કે એમના આગેવાન, રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી પછડાયા છે. ભાજપના પરવેશ સાહિબ સિંઘે કેજરીવાલને 4,089 મતથી હરાવ્યા હતા. સિંઘને 30,088 તો કેજરીવાલને 25,999 મત મળ્યા હતા.

ભાજપના આ વિજય સાથે દિલ્હી સહિત દેશભરમાં પક્ષના કાર્યકર્તાઓ ઉજવણીના મિજાજામાં આવી ગયા છે. 

કેજરીવાલે ચૂંટણીમાં પરાજય પછી પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્વીકાર્યું કે આજનું પરિણામ તેમની પાર્ટી માટે મોટો ઝટકો છે. કેજરીવાલે કહ્યું, “અમે લોકોનો નિર્ણય સ્વીકારીએ છીએ. અમે ફરીથી અમારી ભૂલોમાંથી શીખીશું અને દિલ્હીની જનતાની સેવામાં સતત રહેશું.”

બીજી તરફ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાજપની જીત માટે દિલ્હીવાસીઓને અભનંદન આપ્યા હતા. એક્સ પર તેઓએ હિન્દીમાં એક સંદેશ વહેતો મૂકતાં લખ્યું હતું, “દિલ્હીવાસીઓએ સાબિત કરી દીધું છે કે જનતાને વારંવાર ખોટાં વચનો આપી ગુમરાહ કરી શકાય નહીં. લોકોએ પોતાના મતથી પ્રદૂષિત યમુના, પીવાના અશુદ્ધ પાણી, તૂટેલા રસ્તા, ઉભરાતી ગટરો અને દરેક શેરીમાં ખુલેલા દારૂનાં પીઠાંનો જવાબ આપી દીધો છે. દિલ્હીમાં મળેલી આ ભવ્ય જીત માટે દિવસ-રાત એક કરી મહેનત કરનાર @BJP4Delhiના તમામ કાર્યકરો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ @JPNadda અને દિલ્હી પ્રદેશ અધ્યક્ષ @Virend_Sachdevaને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. સ્ત્રીઓનું સન્માન હોય, અનધિકૃત કોલોનીવાસીઓનું સ્વાભિમાન હોય કે સ્વરોજગારની અપાર તકો, મોદીજીના નેતૃત્વ હેઠળ હવે દિલ્હી એક આદર્શ રાજધાની બનશે.”

મોદી કાર્યકર્તાઓને સંબોધશેઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે પાંચ વાગ્યે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધશે.

Leave A Reply

Exit mobile version