મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં ભાગ લેવા દરેક રાજયમાંથી લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે. આ માટે દરેક રાજયની સરકાર ત્યાંના રહેવાસીઓ આ મહાકુંભમેળામાં ભાગ લઈ શકે એ માટે બનતી સુવિધાઓ પૂરી પાડી રહી છે. મહાકુંભ માટે રેલવેએ વિશેષ ટ્રેનો પણ ચલાવી છે. સામે બાય ફલાઇટ ત્યાં પહોંચવું દરેકના ખિસ્સાને પરવડે એમ નથી. કારણ, પ્રવાસીઓના વધતા સતત ઘસારાને કારણે ફલાઇટની ટિકિટોના ભાવ આસમાને છે. અધૂરામાં પૂરું ટ્રેનો પણ ફૂલ છે. આ જોતા ઘણા લોકો ત્યાં જવા ઇચ્છતા હોવા છતાં ત્યાં જવા અસમર્થ છે. આ પરિસ્થિતિને જોતાં ગુજરાતથી મહાકુંભ મેળામાં જવા ઇચ્છતા શ્રદ્ઘાળુઓ માટે ગુજરાત સરકારે ગુજરાત ટુરિઝમ અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના સહયોગથી  પ્રયાગરાજ માટે વિશેષ એસી વોલ્વો બસની વ્યવસ્થા કરી છે.  જે આગામી 27 જાન્યુઆરીથી શરૂ થશે.  22 કલાકની આ મુસાફરી આરામદાયક રહે અને ભાડું પણ ખિસ્સાને પોસાઈ એવું રાખવામાં આવશે.

અમદાવાદથી પ્રયાગરાજની આ લાંબી મુસાફરી દરમિયાન મધ્યપ્રદેશના શિવપુરી ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવશે. શરૂઆતમાં બસ સેવા અમદાવાદથી જ ચાલશે. આ માટે ત્રણ રાત – ચાર દિવસના પેકેજો બનાવવામાં આવ્યા છે. જેની અંદાજે કિંમત રૂ. 8100 રહેશે. પેકેજમાં વોલ્વો બસમાં મુસાફરી અને ડોરમેટરીમાં રહેવાની સુવિધા સમાવિષ્ટ છે. ખાવા -પીવાની વ્યવસ્થા યાત્રીઓએ જાતે કરવાની રહેશે. આ પ્રવાસ ખેડવા માટે ઓનલાઈન બુકિંગ જીએસઆરટીસીની વેબસાઈટ પર આવતીકાલ એટલે 25 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે. આ તીર્થયાત્રામાં જોડાવા ઈચ્છતા લોકોએ ઓનલાઈન માહિતી એકઠી કરવી પડશે અને ટિકિટ બુક કરવી પડશે. અમદાવાદ બાદ ગુજરાતના અન્ય શહેરો સાથે રાજ્ય સરકારે ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પણ ચર્ચાવિચારણા કરવામાં આવી છે, અને જેમ જેમ યાત્રાળુઓની સંખ્યા વધશે તેમ વધારાની બસો શરૂ કરવામાં આવશે. 

Leave A Reply

Exit mobile version