ગુજરાતી ફિલ્મોનો રોચક સંક્રાંતિકાળ છે આ. એમાં ઘણી ફિલ્મો નર્યા મનોરંજન માટે નહીં, એ સિવાયના હેતુસહ પણ બની રહી છે. બનવી જ જોઈએ. આવા પ્રયોગોથી ઇન્ડસ્ટ્રીને દિશા મળશે અને, પ્રયોગાત્મક અભિગમના પ્રસાદરૂપે છેવટે, દશા સુધરશે.
મોના થીબાને, નવોદિત બાળકલાકાર તન્વી પંડ્યા સમાંતર પાત્રમાં ચમકાવતી ફિલ્મ ‘કખગઘ’ આવી એક પ્રયોગલક્ષી ફિલ્મ છે. એમાં ખાસ પાત્રમાં ચમકતા લોકપ્રિય સ્ટાર હિતુ કનોડિયાએ ફિલ્મના મુંબઈ પ્રીમિયરમાં મુદ્દાની વાત કરી, “ગુજરાતમાં 18,000થી વધુ ગામડાં છે. આ ફિલ્મનો કેન્દ્રવર્તી મુદ્દો ગામડાંનો છે. બની શકે જે સમસ્યા ‘કખગઘ’માં રજૂ થઈ છે એની સાથે શહેરી દર્શકો ઝટ કનેક્ટ ના થાય છતાં. ગુજરાત અને દેશમાં આજે પણ અમુક ગામોમાં આ ફિલ્મ જેવી સમસ્યા પ્રવર્તે છે. ફિલ્મ જોઈને એ સમસ્યાથી દેશનો છુટકારો થાય તે માટે સજાગતા કેળવીએ અને સકારાત્મક પ્રસાર કરીએ.”
‘કખગઘ’માં એવું શું છે જેની હિતુભાઈએ વાત કરી?

એ છે કન્યાશિક્ષણ અને બાળવિવાહની વાત. તેથી, ફિલ્મની સમીક્ષા નહીં, સુખદ ચર્ચા કરવી રહી.
અમદાવાદ જિલ્લાના નાનકડા ગામ લાલપુરનું એમાં વિશ્વ ખુલે છે. નરેશ (શૌનક વ્યાસ) અને ગૌરી (દીપા ત્રિવેદી)ની દીકરી મંજરી (નવોદિત તન્વી પંડ્યા)ને શિક્ષણ પામવાના કોડ છે. પિતા અને દાદી (ભાવિની જાની) સહિત, ગામની પરંપરાના પ્રહરી મુખીબાપા (જીતેન્દ્ર ઠક્કર) નથી ઇચ્છતા કે મંજરી તો ઠીક, ગામની કોઈ દીકરી શાળાએ જાય, શિક્ષણ મેળવે. આવા ગામમાં આગમન થાય છે વિદ્યા (મોના થીબા)નું. વિદ્યા બિનસરકારી સંસ્થા ચલાવે છે. શિક્ષાપ્રસાર એનું લક્ષ્ય છે. મુખીબાપા વિદ્યાને તળાવકાંઠે, ખુલ્લા આકાશતળે શાળા ચલાવવાની છૂટ એ શરતે આપે છે કે “કોઈ કન્યા તારી શાળામાં ભણશે નહીં એનું ધ્યાન રાખજે બાકી…”
…અને ઓપન એર શાળામાં, જ્ઞાનવાંછુ મંજરી સંતાઈને શિક્ષણ ગ્રહે છે. વિદ્યાને જાણ થતાં એ રાજી થાય છે. વિદ્યા ઇચ્છે છે કે પ્રતિભાસંપન્ન મંજરીને એવું શિક્ષણ મળે કે એ દેશની સૌથી હોનહાર દીકરીઓમાં સ્થાન મેળવે. મંજરીની ઇચ્છા બર આવે એ માટે વિદ્યા પ્રયત્નો કરે છે. ત્યાં, નરેશ બાર વરસની નિર્દોષ મંજરીના હાથ પીળા કરવાનો નિર્ણય લે છે અને…
હિતુભાઈ ઇઝ રાઇટ. શહેરી, કુલીન વર્ગને થઈ શકે છે, “છોડો યાર, કયા જમાનાની વાત કરે છે આ?!” પણ શંકાને સ્થાન નથી કે દેશનાં સાડાછ લાખથી વધુ ગામડાંઓમાંથી અનેકમાં બાળવિવાહની તરફેણમાં અને કન્યાશિક્ષણની વિરુદ્ધમાં વાતાવરણ છે. ગુજરાત પ્રગતિશાળી રાજ્ય હોવાથી આપણે ત્યાં આ સમસ્યા ધીમેધીમે વિલય પામી રહી છે, છતાં શું? જ્યાં સુધી સમસ્યાનો સફાયો થતો નથી ત્યાં સુધી એના વિશે લોકજોગૃતિના તમામ પ્રયાસ સ્તુત્ય છે.

‘કખગઘ’ એ માટે માર્ક્સ મેળવે છે. ફિલ્મ પહેલી ફ્રેમથી છેલ્લી ફ્રેમ સુધી મુદ્દાને વળગી રહે છે. દ્રશ્યો ઘરનાં હોય, ગામની કિરાણાની દુકાનના માલિક ચંદુકાકા (અરવિંદ વેગડા) સાથે મંજરીનાં હોય, મુખીબાપાનાં હોય કે વિદ્યાનાં, દરેકમાં લગાતાર ચર્ચાય છે કન્યાશિક્ષણ અને સ્ત્રીસશક્તિકરણ. હળવી ક્ષણો માટે સર્જાયેલું વેગડાના કંઠનું એક ગીત બાદ કરતાં બાકીનાં ગીતો પણ હેતુ સાથે એકરસ છે.
બે કલાકથી થોડી ઓછી અવધિની ‘કખગઘ’ તન્વીના ખભે છે. એને ટેકો આપવાનું કામ દીપા ત્રિવેદી અને જીતેન્દ્ર ઠક્કરનો, પોતપોતાના પાત્રને સંપૂર્ણ ન્યાય આપતો અભિનય કરે છે. મોનાનું પાત્ર કથાપ્રવાહને અર્થપૂર્ણ બનાવતું અનિવાર્ય પરિબળ છે. ચાવીરૂપ વળાંકો વિદ્યા થકી છે. ફિલ્મની ફેસ વેલ્યુ મોનાથી છે. એના ચાહકોને એનો બેશક આનંદ થશે.

મલ્ટીપ્લેક્સના સમયમાં ‘કખગઘ’ દેશ-ગુજરાતની માટીની સુંગધ સાથે, એ સુગંધને કલુષિત કરતી મુશ્કેલી સામે લાવે છે. જ્યાં સુધી દેશની દરેકેદરેક દીકરી માટે શિક્ષણ સુલભ થતું નથી અને બાળવિવાહના વમળથી બાળકોની મુક્તિ થતી નથી ત્યાં સુધી, ‘કખગઘ’ જેવી ફિલ્મો બનતી રહેવી જોઈએ.
ગુડ જોબ, નિર્માતાબેલડી રાજેન્દ્રસિંહ રાઠોડ અને અખિલ કોટક (તમે તો ફિલ્મના દિગ્દર્શક પણ ખરા!)
અને ઓલ ધ બેસ્ટ…


