મહારાષ્ટ્રની ધરતી પર મહારાષ્ટ્રના ખેલ ખેલાડીઓમાં નવું જોમ લાવશે: મંગલપ્રભાત લોઢા

મહારાષ્ટ્રની પરંપરાગત રમતોથી નવી પેઢીને જોડવા ગત વર્ષની જેમ આ વરસે પણ ભવ્ય ક્રીડા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે મહાકુંભ નાસિક યોજાયો છે. રાજ્ય કૌશલ્ય વિકાસ પ્રધાન મંગલપ્રભાત લોઢાની પહેલથી, વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ નિયામક વતી અને રમત ભારતી સંસ્થાના સહયોગથી એનું આયોજન થયું છે.

પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીને સંસ્કૃતિ સાથે જોડવા માટે નાસિક વિભાગના આઈટીઆઈમાં બીજી માર્ચથી આ સ્પર્ધા ચાલી રહી છે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ૩૫૦મી વર્ષગાંઠ હોવાથી પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા માટે આ આયોજન થવું એ સુખબ બાબત છે. 

આ પહેલ વિશે વાત કરતાં મંગલપ્રભાત લોઢાએ કહ્યું હતું, “પરંપરાગત રમતો આપણી સંસ્કૃતિનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આધુનિક રમતોની સ્પર્ધામાં આપણી પરંપરાગત, સ્થાનિક રમતો વિસરાવા માંડી હતી. જોકે ક્રીડા મહાકુંભ આ રમતોને નવું પ્લેટફોર્મ આપે છે. યુવાનોને એ આપણી પરંપરા સાથે સંકળાવાની તક આપે છે. નાસિકના રમતગમત પ્રેમી યુવાનો માટે આ એક સુવર્ણ તક છે.” “ચાલો, આપણે આપણી પરંપરાગત રમતો નવા જોશ સાથે રમીએ!” એવી અપીલ પણ તેઓએ યુવાનોને કરી છે.

સ્પર્ધામાં લેજીમ, કબડ્ડી, ખો ખો, ટગ ઓફ વોર, લગોરી, લંગડી, દોરડાકૂદ, પંજાની લડાઈ, દંડબેઠક અને પવનખિંડ દોડ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધા મહારાષ્ટ્રની ભૂમિ સાથે જોડાયેલી રમતોને વધુ લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી યોજાઈ છે.

બીજી માર્ચે શરૂ થયેલો ક્રીડાકુંભ બે દિવસ આઈટીઆઈ સ્તરે, પછીના બે દિવસ એટલે ચોથી-પાંચમી ફેબ્રુઆરીએ જિલ્લા સ્તરે અને સાતમીથી નવમી માર્ચ વચ્ચે નાશિક વિભાગીય સ્તરે રમાશે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮ના વરસમાં ‘ખેલો ઇન્ડિયા’ની પહેલ કરી હતી. એ વિચારના આધારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે દેશભરમાં ‘ખેલો ભારત’ અભિયાન આદર્યું છે. સ્પર્ધાના મુખ્ય મહેમાન તરીકે જળ સંસાધન પ્રધાન ગિરીશ મહાજન ઉપસ્થિત રહેશે. ક્યુઆર કોડ સ્કેન કરીને એમાં નોંધણી સરળતાથી કરી શકાય છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આઈટીઆઈ વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેશે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ રમતગમત મહાકુંભ માટે નિયુક્ત ઇનચાર્જ અથવા આઈટીઆઈ આચાર્યની મદદથી પણ એમાં નામ નોંધાવી શકે છે. લોઢાએ દેશની પરંપરાગત રમતોના મહત્ત્વથી યુવાનો જ્ઞાત થાય એવા સુઆશયથી ક્રીડા મહાકુંભનું આયોજન કર્યું છે. આ પહેલાં આ સ્પર્ધા ડિસેમ્બર ૨૦૨૩માં મુંબઈ ઉપનગરીય જિલ્લામાં યોજાઈ હતી. તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. હવે નાશિકમાં પણ એ અપ્રતિમ સફળતા હાંસલ કરશે એવી આશા છે.

Share.
Leave A Reply

Exit mobile version